×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઇમરાન સરકાર લઘુમતીમાં : સત્તા પલટાનું કાઉન્ટડાઉન શરૂ


- ઇમરાન સરકારમાંથી સાથી પક્ષે એમક્યુએમે ટેકો પાછો ખેંચી લીધો, વિપક્ષને સાથ આપશે

- સૈન્ય વડા બાજવા અને આઇએસઆઇ ચીફ નદીમ ઇમરાનને મળ્યા, ગમે ત્યારે રાજીનામાની શક્યતાઓ

- નવાઝ શરીફના ભાઇ શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવાની શક્યતા, વિપક્ષે નામ જાહેર કર્યું 

- પાક.માં એક પણ વડાપ્રધાને પાંચ વર્ષનો કાર્યકાળ પુરો નથી કર્યો, સૈન્ય વડા બાજવાને કારણે ઇમરાનની ખુરશી જશે

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર લઘુમતીમાં આવી ગઇ છે. કેમ કે ઇમરાન ખાનના પક્ષ પીટીઆઇને સાથ આપનારા પક્ષ એમક્યુએમ-પીએ ટેકો પાછો ખેંચી લીધો છે. જેને પગલે હવે ઇમરાન ખાન ગમે ત્યારે વડાપ્રધાન પદ પરથી રાજીનામુ આપી શકે છે. સંસદમાં વિપક્ષ દ્વારા ઇમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે જે માટે મતદાન થાય તે પૂર્વે જ ઇમરાન ખાનને મોટો ફટકો લાગ્યો છે અને ગમે ત્યારે હવે તેઓ વડાપ્રધાન પદ છોડી શકે છે. જોકે ઇમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરે તેવી શક્યતાઓ છે.  

પાકિસ્તાનમાં નીચલા ગૃહમાં ૩૪૨ બેઠકો છે જેમાંથી ઇમરાન ખાનના પક્ષ પીટીઆઇ પાસે ૧૫૫ સાંસદો છે જ્યારે તેને અન્ય પક્ષોનો ટેકો હોવાથી અત્યાર સુધી ૧૭૯ સાંસદો હતા અને બહુમત માટે ૧૭૨ સાંસદોની જરુર પડે છે. ઇમરાન સરકારને ટેકો આપનારા મુત્તાહિદ કૌમી મોમેન્ટ-પાકિસ્તાન એટલે કે એમક્યુએમ-પીના સાત સાંસદોએ છેડો ફાડીને વિપક્ષને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે.

આ સ્થિતિ વચ્ચે જમિયત ઉલેમા-ઇસ્લામ ફઝલ (જેયુઆઇ-એફ)ના ચીફ મૌલાના ફઝલુર રેહમાને કહ્યું હતું કે વિપક્ષ પાસે ૧૭૫ સાંસદોનનું સમર્થન છે. જેથી ઇમરાન ખાને રાજીનામુ આપી દેવું જોઇએ. બિલાવલ ભૂટ્ટો અને મૌલાના ફઝલુરે સાથે જાહેરાત કરી હતી કે વિપક્ષની આ સમગ્ર વિવાદમાં જીત થશે તો પાકિસ્તાનના આગામી વડાપ્રધાન પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના અધ્યક્ષ અને વિપક્ષના નેતા તેમજ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઇ શાહબાઝ શરીફ બનશે. બિલાવલ ભૂટ્ટોએ પણ કહ્યું હતું કે ટૂંક સમયમાં જ શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બનશે. 

પાકિસ્તાનના ઇતિહાસમાં અત્યાર સુધીમાં એક પણ વડાપ્રધાન પાંચ વર્ષનો કાર્યકાળ પુરો નથી કરી શક્યા. તેથી તેમાં હવે ઇમરાન ખાનનો પણ સમાવેશ થઇ શકે છે. ૨૦૧૮માં ઇમરાન ખાનની સરકાર બની હતી અને તેઓએ નયા પાકિસ્તાન બનાવવા દાવા કર્યા હતા, જોકે પાકિસ્તાનની મૂળ સમસ્યાઓ, આર્થિક, ગરીબી, શિક્ષણ, સ્વાસ્થ્ય, મોંઘવારી અને બેરોજગારી જેવા પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં પણ ઇમરાન ખાન નિષ્ફળ રહ્યા જેથી હવે તેઓ ગમે ત્યારે ખુરશી ખાલી કરી શકે છે. ઇમરાન ખાન સામે વિપક્ષ દ્વારા રજુ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવને સંસદમાં ૧૬૧ સાંસદોએ સમર્થન આપતા તેનો સ્પીકર દ્વારા સ્વિકાર કરી લેવામાં આવ્યો છે તેથી હવે ૩૧મી તારીખે આ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા બાદ મતદાન થઇ શકે છે. તેથી ગુરુવાર ઇમરાન ખાન માટે અતી મહત્વનો માનવામાં આવે છે.