×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઇમરાનને જાહેરમાં ફાંસીની માગ સાથે સુપ્રીમ કોર્ટનો ઘેરાવ


- પાકિસ્તાનમાં કટોકટીની સ્થિતિ, સત્તાધારી પક્ષોનો સુપ્રીમ સામે મોરચો

- શાસક પીએમએલએનના મરિયમ નવાઝ, 13 પક્ષોના સંગઠનના પ્રમુખ કટ્ટરવાદી રેહમાન સહિતના નેતાઓ ધરણા પર બેઠા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને પાક.ની સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન પર છોડવામાં આવ્યા હતા. જેને પગલે હવે પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પીએમએલએન અને તેના સમર્થક પક્ષો દ્વારા હવે સુપ્રીમ કોર્ટ અને ન્યાયપાલિકાની સામે જ મોરચો માંડવામાં આવ્યો છે. અને નેતાઓ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની સામે જ ધરણા પર બેસી ગયા છે. ધરણા કરનારા નેતાઓએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પદ પરથી હટાવવા અને ઇમરાન ખાનને જાહેરમાં ફાંસીની માગણી કરી છે. જેને પગલે પાક.માં કટોકટી જેવી સ્થિતિ ઉભી થઇ છે. 

પાકિસ્તાનના ઇસ્લામાબાદના રેડ ઝોન વિસ્તારમાં સુપ્રીમ કોર્ટ આવેલી છે. જ્યાં સત્તાધારી પક્ષો અને તેના સમર્થક પક્ષોના નેતાઓ અને અનેક કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. રેડ ઝોન વિસ્તારમાં તંગદીલીને ધ્યાનમાં રાખીને ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવી હતી. જોકે તેનો ભંગ કરીને નેતાઓએ પ્રવેશ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટની સામે જ ધરણા પ્રદર્શન કર્યા હતા. જેમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રી અને સત્તાધારી પક્ષના નેતા મરિયમ નવાઝ શરીફ, ૧૩ પક્ષોના સંગઠન પીડીએમના ચીફ ફઝલુર રેહમાન પણ જોડાયા હતા. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉમર અતા બંદિઆલના રાજીનામાની માગણી કરી હતી.  

ધરણાસ્થળની આસપાસ વોશરૂમ, બાથરૂમ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નેતાઓના સુવાથી લઇને બેસવાની વ્યવસ્થા પણ ઉભી કરાઇ છે. તેથી આ ધરણાનો વિવાદ લાંબા સમય સુધી ચાલી શકે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ ધરણા સ્થળે આવવાના હતા, જોકે તેમના પક્ષ પીપીપીના વરીષ્ઠ નેતાઓના સમજાવ્યા બાદ તેઓએ ધરણા સ્થળે આવવાનું ટાળ્યું હતું. તેમના સ્થાને પીપીપીના અન્ય નેતાઓને મોકલવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી વિભાગના જણાવ્યા મુજબ ધરણા પ્રદર્શન કરનારાઓએ રેડ ઝોનમાં પ્રવેશ કર્યો હતો અને એડમિનિસ્ટ્રેશન અને પોલીસને પાછળ ધકેલીને વિવાદને વધુ હવા આપી હતી. 

આ ધરણાને ધ્યાનમાં રાખીને ઇમરાન ખાને કહ્યું હતું કે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ પર કબજો કરવાની ગુંડાઓને છૂટ આપવામાં આવી રહી છે. અને બંધારણના લીરા ઉડાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ સરકાર અમારા પક્ષના કાર્યકર્તાઓને પકડી પકડીને જેલમાં ધકેલી રહી છે. અત્યાર સુધીમાં ૭૦૦૦ કાર્યકર્તાઓની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. અનેક લોકોની હત્યા કરી દેવામાં આવી છે. ઇમરાન ખાને પાકિસ્તાનના નાગરિકોને કહ્યું હતું કે શાંતિપૂર્ણ પ્રદર્શન માટે તૈયાર રહો, જો બંધારણ અને સુપ્રીમ કોર્ટનો નાશ કરી દેવામાં આવ્યો તો પાકિસ્તાનના સપનાઓનો પણ અંત આવી જશે. 

ઇમરાન ખાન આજે લાહોર કોર્ટમાં હાજર થશે 

મને 10 વર્ષ જેલમાં ધકેલવાનો સૈન્યનો કારસો : ઇમરાન ખાન

- ઇમરાન ખાનના પત્ની બુશરા બિબિને ઇસ્લામાબાદ હાઇકોર્ટમાંથી રાહત : હાલ ધરપકડ ટળી

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની ધરપકડને અયોગ્ય ઠેરવી હતી અને તેમને છોડી મુકવા કહ્યું હતું, જે બાદ ઇમરાન ખાનને જામીન પર છોડવામાં આવ્યા હતા. જેને પગલે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સુપ્રીમ કોર્ટ પર આરોપો લગાવવા લાગ્યા હતા અને હવે તેમના જ પક્ષના નેતાઓ અને અન્ય પક્ષના નેતાઓ સુપ્રીમ કોર્ટની સામે ધરણા પર બેસી ગયા છે. જેને પગલે અત્યાર સુધી સરકાર-સૈન્યની સામે ઇમરાનનો વિવાદ ચાલતો હતો ત્યારે હવે સરકાર અને સૈન્યની સામે હવે જ્યૂડિશિયરીનો પણ વિવાદ વકરી શકે છે.

ઇમરાન ખાને એવો પણ દાવો કર્યો હતો કે પાકિસ્તાનનું સૈન્ય મને દેશદ્રોહના જુઠા આરોપો હેઠળ ૧૦ વર્ષ સુધી જેલમાં ધકેલવા માગે છે. ઇમરાન ખાન એક કેસને લઇને લાહોરની કોર્ટમાં હાજર થઇ શકે છે. તેમને ૧૭મી તારીખ સુધી બધા જ કેસોમાં ધરપકડથી રાહત આપવામાં આવી છે. જ્યારે ઇમરાન ખાને લાહોરની કોર્ટમાં જામીન અરજી કરી છે તેની મંગળવારે સુનાવણી થવાની છે. ઉપરાંત ઇમરાન ખાનના પત્ની બુશરા બિબિની સામે પણ કેસ ચાલી રહ્યો છે જેમાં તેમને ધરપકડથી રાહત આપી ૨૩મી મે સુધી જામીન આપવામાં આવ્યા હતા.