×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ 6 દેશોમાંથી આવતા નાગરિકોને લઈને ભારત સરકાર નિર્ણય લેવાના વિચારમાં, કોરોનાને કારણે ચિંતા પેઠી

નવી દિલ્હી, તા.28 ડિસેમ્બર-2022, બુધવાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોનું માનીએ તો અન્ય દેશોમાં વધતા જતા કોરોના કેસો વચ્ચે ભારત સરકાર આવનારા દિવસોમાં વિશ્વના 6 દેશો પર વિશેષ નજર રાખશે અને સૌથી વધુ કેસો ધરાવતા 6 દેશોમાંથી આવતા વિદેશી પ્રવાસીઓએ મુસાફરીના 24 કલાક પહેલા RTPCR ટેસ્ટ કરવાનું જરૂરી બની શકે છે, ત્યાર બાદ જ તે પ્રવાસીઓને ભારતમાં પ્રવેશવાની મંજુરી મળી શકે છે. અન્ય દેશોમાં વધતા જતા કોરોના કેસોથી સાવધાની રાખવાના ભાગરૂપે ભારત સરકાર આવો નિર્ણય કરી શકે છે અને આ નિર્ણય આગામી સપ્તાહમાં લાગુ થવાની સંભાવના છે.

આ 6 દેશોમાં વધી રહ્યા છે કોરોના કેસ

સૂત્રોનું માનીએ તો ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ અને સિંગાપુરથી આવનારા પ્રવાસીઓ માટે RTPCR ટેસ્ટ ફરજીયાત થવાનો છે. આ દેશોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી સરકાર આ નિર્ણય કરી શકે છે.

એરપોર્ટ પર તકેદારી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોનું માનીએ તો દેશના તમામ એરપોર્ટ પર તકેદારી વધારી દેવાઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા ગુરુવારે નવી દિલ્હી એરપોર્ટ પર તૈયારીઓની સમીક્ષા કરવા જશે. એરપોર્ટ પર છેલ્લા બે દિવસમાં 6000 લોકોના ટેસ્ટ કરાયા છે જેમાં 39 લોકો પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

દેશમાં રસીની કોઈ અછત નથી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોનું માનીએ તો દેશમાં રસીની કોઈ અછત નથી. કેટલાક રાજ્યોમાં સ્ટોક પૂરો થઈ ગયો છે. આવી સ્થિતિમાં જે રાજ્યો પાસે રસીનો જથ્થો વધુ છે તે જથ્થો અન્ય રાજ્યોમાં લઈ જવામાં આવી રહ્યો છે. આ રસી પહોંચાડવામાં એકથી બે દિવસનો સમય થઈ શકે છે. મેડલ વેક્સીન જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં આવશે.

જાન્યુઆરીનો મહત્વનો મહિનો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર BF.7ને આઈસોલેટ કરી દેવાયો છે. તેના પર દવાઓની શું અસર થાય છે તેની તપાસ થઈ રહી છે. BF.7 સંક્રમિત વ્યક્તિ એક સાથે 16 લોકોને સંક્રમિત કરી શકે છે. BF.7માં ઈન્ફેક્શન ગમે ત્યારે વધી શકે છે. જાન્યુઆરી મહિનામાં કંઈ પણ થઈ શકે છે.

દવાઓની અછત નથી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયરની દવા અંગે એક બેઠક યોજાઈ છે. સરકાર પાસે દવાઓની કોઈ અછત નથી. સૂત્રોનું માનીએ ચીને પણ દવાનો જથ્થો માગ્યો હતો, જોકે તે વધુ ન હતો, પણ ચીન તરફથી માંગ આવી હતી, જે પૂર્ણ કરવામાં આવી રહી છે.

કંઈ પણ થઇ શકે છે

સૂત્રોનું માનીએ તો, વાયરસ પહેલા ધીમે ધીમે ફેલાય છે અને બાદમાં ખૂબ જ ઝડપથી ફેલાવા લાગે છે. આ વખતે પણ આવું થવાની સંભાવના છે. તેથી જ જાન્યુઆરી મહિનો મહત્વનો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ વાયરસની અસર ઓછી થવાની અને મૃત્યુમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે આ વખતના વાયરસ અંગે કંઈક ચોક્કસ કહેવું યોગ્ય નથી.