×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ રાજ્યમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા બંને ડોઝ લેનારાઓને શરાબ 10 ટકા સસ્તો આપવા નિર્ણય


- અગાઉ મધ્ય પ્રદેશના ખંડવા ખાતે કોરોના વેક્સિનના બંને ડોઝ ન લીધા હોય તેવા લોકોને શરાબ નહીં આપવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો

નવી દિલ્હી, તા. 24 નવેમ્બર, 2021, બુધવાર

મધ્ય પ્રદેશમાં શરાબનું સેવન કરનારા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મંદસૌર જિલ્લામાં પ્રશાસને દારૂ પીનારા લોકો માટે વિશેષ છૂટની જાહેરાત કરી છે. હવેથી તેમને દારૂ 10 ટકા ઓછી કિંમતે મળશે. જોકે આ માટે એક શરત પણ રાખવામાં આવી છે. દારૂ પર છૂટ મેળવવાની ઈચ્છા ધરાવનારા લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોય તે ફરજિયાત રહેશે. આ વ્યવસ્થા ફક્ત બુધવાર સુધી માટે જ છે. 

હકીકતે 24 નવેમ્બરને બુધવારના રોજ મહા વેક્સિનેશન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા માટે મંદસૌર પ્રશાસને આ રસ્તો શોધ્યો છે. તે અંતર્ગત દારૂ ખરીદનારા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધેલા હશે તો તેમને 10 ટકાની છૂટ આપવાની જાહેરાત કરવામાં આવેલી છે. 

દારૂ ખરીદનારા લોકોએ લિકર શોપ ખાતે વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. જિલ્લા આબકારી વિભાગે મંગળવારે આ માટેનો આદેશ બહાર પાડ્યો હતો. 

પ્રશાસનના આ નવતર પ્રયોગનો ઉદ્દેશ્ય લોકોને વેક્સિનેશન માટે જાગૃત કરવાનો અને શક્ય તેટલું વધારે રસીકરણ કરવાનો છે. મંદસૌર શહેરના સીતામાઉ ફાટક, ભૂનિયા ખેડી અને જૂના બસ સ્ટેન્ડ ખાતે સ્થિત 3 દુકાનોમાં વિશેષ છૂટ પર શરાબ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વિશ્વના અનેક દેશોમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે લોકોને ઉપહાર વગેરે આપવાની પદ્ધતિઓ અપનાવાયેલી છે. 

અગાઉ મધ્ય પ્રદેશના ખંડવા ખાતે કોરોના વેક્સિનના બંને ડોઝ ન લીધા હોય તેવા લોકોને શરાબ નહીં આપવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશને લઈ ભારે વિવાદ પણ થયો હતો. ત્યાર બાદ જિલ્લા આબકારી અધિકારીએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, દારૂ પીનારા લોકો કદી ખોટું નથી બોલતા, હંમેશા સત્ય બોલે છે.