×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ ભારત છે લંડન નથી, જમવાનું ના મળે તેને લોકડાઉન સમજાય, લોકો એક અઠવાડિયું જાતે ઘરે ના રહી શકે? : ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ, તા. 27 એપ્રિલ 2021, મંગળવાર

રાજ્યમાં કોરોનાના કારણે જે સ્વાસ્થ્ય કટોકટિ અને ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે, તેને લઇને ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઇન સુઓમોટો અરજીની સુનવણી ચાલી રહી છે. આજની સુનવણી દરમિયાન હાઇકોર્ટે રુપાણી સરકારને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે રાજ્યમાં ચાલી રેહેલી અવ્યવસ્થા મુદ્દે સરકારને આકરા સવાલો પુછ્યા છે. તો સાથે રાજ્યની જનતાને પણ શિસ્ત જાળવવા અને નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે.

આજની સુનવણી દરમિયાન સિનિયર કાઉન્સિલ શાલીન મહેતાએ કોરોના પર કાબૂ મેળવવા માટે લોકડાઉન લાગુ કરવાની ભલામણ કરી. શાલીન મહેતાએ લોકડાઉન અંગે વાત કરતા જર્મની, સિંગાપુર અને લંડન જેવા દેશોના ઉદાહરણ આપ્યા. સાથે કહ્યું કે કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન એ જ ઉપાય છે. જેના પર હાઇકોર્ટે કહ્યું કે લોકડાઉન એ કોઇ વિકલ્પ નથી. આ ભારત છે જર્મની કે લંડન નથી. જેને એક દિવસ જમવાનું ના મળે તેને લોકડાઉન સમજાય. શું લોકો જાતે સમજીને એક અઠવાડિયું ઘરે ના રહી શકે?

જેની સામે દલીલ કરતા શાલીન મહેતાએ કહ્યું કે જ્યાં લોકો જાતે સમજીને ઘરે રહે છે ત્યાં ક્યાં સમસ્યા છે, પરંતુ જયારે લોકો આ વાત ના માને તો પછી સરકારે કાયદાનો ઉપયોગ કરીને લોકડાઉન લગાવવું જોઇએ. જેમાં મહારાષ્ટ્ર ઉત્તમ ઉદાહરણ છે. ત્યારબાદ પણ હાઇકોર્ટે ટકોર કરતા કહ્યું કે લોકડાઉન એ સમાધાન નથી, લોકોએ જાતે સમજવું પડશે.

છેલ્લે કોર્ટે કહ્યું કે કોર્ટે નિરીક્ષણ કર્યુ છે કે કોરોના સંક્રમણ ફેલાવવા માટે આપણે બધા જ જવાબદાર છીએ, સરકાર નહીં. લોકોએ જાતે જ ગંભીરતા સમજીને નિયમોનું પાલન કરવું જોઇએ. કોર્ટે કહ્યું કે કામ વગર બહાર ન નીકળવું જોઈએ. એક અઠવાડિયું કમાશો નહીં તો કોઈ ફરક ન પડે. લોકોએ પોતાની જવાબદારી સમજવી પડશે. સરકાર જ બધું ન કરે.