×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ દેશમાં 12 વર્ષના બંદૂકધારી બાળકોએ મચાવ્યો કત્લેઆમ, લીધો 138 લોકોનો જીવ


- 2020ના વર્ષમાં આતંકવાદી સંગઠનોએ મધ્ય અને પશ્ચિમી આફ્રિકામાં આશરે 3,270 બાળકોને પોતાના સંગઠનમાં સામેલ કર્યા હતા

નવી દિલ્હી, તા. 25 જૂન, 2021, શુક્રવાર

ગત 4 જૂનના રોજ પશ્ચિમ આફ્રિકી દેશ બુર્કિના ફાસો ખાતે ભયાનક હુમલો થયો હતો જેમાં 138 લોકો માર્યા ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે બુર્કિના ફાસો ખાતે થયેલા આ નરસંહારમાં નાના બાળકો સામેલ હતા અને 12થી 14 વર્ષની ઉંમરના બાળકોએ આ હુમલાને અંજામ આપ્યો હતો. 

હુમલાખોરોએ સાહેલ યાઘા પ્રાંતના સોલ્હાન ગામમાં હુમલો કર્યો હતો અને ઘરોને પણ આગ ચાંપી દીધી હતી. સરકારી પ્રવક્તા ઓસેની તંબોરાએ પણ હુમલો કરનારાઓમાં મોટા ભાગના બાળકો હતા તેમ સ્વીકાર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ક્ષેત્રમાં અલકાયદા અને આઈએસ જેવા આતંકવાદી સંગઠનો સક્રિય છે. આ આતંકવાદી સંગઠનો મોટા પ્રમાણમાં બાળકોને પોતાના સાથે સામેલ કરે છે. 

આ ઘટના બાદ યુનિસેફનું નિવેદન પણ સામે આવ્યું હતું અને તેમાં આતંકવાદી સંગઠનોમાં બાળકોને સામેલ કરવાની આકરી ટીકા કરવામાં આવી છે. સાથે જ તેને બાળકોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન ગણાવાયું છે. ગત વર્ષે કોરોના મહામારી દરમિયાન આ દેશમાં માર્ચથી લઈને જૂન મહિના સુધી દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ અનેક બાળકો શાળામાં પાછા નહોતા જોડાયા. યુએનના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં આ દેશના 3 લાખ કરતા વધારે બાળકોએ અભ્યાસ છોડી દીધો છે. 

યુએનના રિપોર્ટ પ્રમાણે 2020ના વર્ષમાં આતંકવાદી સંગઠનોએ મધ્ય અને પશ્ચિમી આફ્રિકામાં આશરે 3,270 બાળકોને પોતાના સંગઠનમાં સામેલ કર્યા હતા. સમગ્ર વિશ્વના કુલ ચાઈલ્ડ સોલ્જર્સ પૈકીના એક તૃતિયાંશ સોલ્જર્સ આ દેશમાં છે અને તે ક્ષેત્રમાં હિંસાનું ખૂબ જ સામાન્યીકરણ થઈ ગયું છે. 

એસીએલઈડીના અહેવાલ પ્રમાણે વર્ષ 2015થી અત્યાર સુધીમાં આ દેશમાં 5,700 કરતા વધારે લોકોના મોત થયા છે. એક મિલિટ્રી ઓફિસરના અહેવાલ પ્રમાણે સામાન્ય રીતે 7-8 વર્ષની ઉંમરે આ બાળકોને કિડનેપ કરવામાં આવે છે અને તેઓ 12 વર્ષના થાય ત્યાં સુધીમાં તેમને મેદાનમાં ઉતારી દેવામાં આવે છે.