×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આસામમાં સીમાંકનના મુસદ્દાનો વિરોધ, ચૂંટણી લડવાનો અધિકાર છીનવી લેવાનો મુસ્લિમોનો આક્ષેપ

image : Twitter


આસામમાં 14 લોકસભા અને 126 વિધાનસભા ક્ષેત્રોમાં સીમાંકનના મુસદ્દા અંગે વિરોધ વંટોળની સ્થિતિ જોવા મળી રહી છે. 1976 બાદ થઈ રહેલી સીમાંકનની પ્રક્રિયા શુક્રવારે સમાપ્ત થઈ ગઇ. સીમાંકનના અંતિમ મુસદ્દામાં અનેક વિધાનસભા અને લોકસભા ક્ષેત્રોના વિસ્તારોમાં ઘટાડો કરી દેવાયો છે. જોકે અનેક ક્ષેત્રોને ખતમ કરી દેવામાં આવ્યા છે. જ્યારે અનેક વિધાનસભા બેઠકોને તો SC/ST સમુદાય માટે અનામત કરી દેવાઈ છે. 

SC/ST સમુદાય માટે અનામત બેઠકો વધી ગઈ 

સીમાંકનના ફાઈનલ મુસદ્દા અનુસાર પાંચ વિધાનસભા ક્ષેત્રો જ્યાં હંમેશા લઘુમતી સમુદાયના ધારાસભ્યો ચૂંટાતા હતા તેને હવે SC/ST સમુદાય માટે અનામત કરી દેવામાં આવી છે. તેની સાથે જ ST માટે અનામત સીટોની સંખ્યા 16થી વધીને 19 થઈ ચૂકી છે. જોકે SC માટે અનામત બેઠકો 6થી વધીને 8 થઈ ચૂકી છે. તેના લીધે જ હવે આ ફાઈનલ મુસદ્દાનો વિરોધ થઈ રહ્યો છે. 

આસામ ગણ પરિષદના વરિષ્ઠ નેતા અને ધારાસભ્યએ આપ્યું રાજીનામું 

શનિવારે સત્તારુઢ ભાજપના સહયોગી પક્ષ આસામ ગણ પરિષદના વરિષ્ઠ નેતા અને આમગુરીના ધારાસભ્ય પ્રદીપ હજારિકાએ મુસદ્દાના વિરોધમાં પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. હજારિકા અમગુરી મતવિસ્તારથી જીતતા હતા. નવા સીમાંકનથી તેમની સીટનો જ અંત લાવી દેવાયો છે. 

દેખાવો વધી રહ્યાં છે 

ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત અંતિમ મુસદ્દા વિરુદ્ધ વિપક્ષી રાયજોર પક્ષે શિવસાગર જિલ્લામાં દેખાવો કર્યા તો ઓલ તિવા સ્ટુડન્ટ્સ એસોસિયેશને પણ આદિવાસીઓ માટે મોરીગાંવ સીટ અનામત કરવાની માગ પૂરી ન થવા પર દેખાવ કર્યા હતા. અહીં લોકસભા અને વિધાનસભાની સીટોમાં ફેરફાર કરાયા નથી. સીમાંકનના અંતિમ મુસદ્દાને લીધે નીચલા આસામના સૌથી જૂના જિલ્લા, ગોલપરામાં અનેક સ્વદેશી પરિવારો ચૂંટણી લડવાનો પોતાનો અધિકાર ગુમાવી દેશે કેમ કે આ બિન આદિવાસી પરિવારોને અનુસૂચિત જનજાતિ (ST) અનામત સીટોના વિસ્તારમાં સ્થળાંતર કરી દીધા છે. 

નીચલા આસામમાં મુસ્લિમો પર અંકુશ લદાશે! 

સીમાંકનની નવી કવાયત મુસ્લિમોને ગોલપારાની ચાર વિધાનસભા બેઠકોમાંથી બે પર ચૂંટણી લડતા અટકાવશે. જે હવે એસટી સમુદાય માટે અનામત કરાઈ છે. નવે સરથી ખેંચાયેલી સીમાઓ વચ્ચે બદલાતા રાજકારણીય સમીકરણોને લીધે સેંકડો બિન આદિવાસી મૂળના લોકોને આ કારણે રાજકીય પ્રતિનિધિત્વ નહીં મળી શકે. આરોપ છે કે આસામમાં ખાસ કરીને નીચલા આસામમાં સીમાંકનનો ઉદ્દેશ્ય કથિત રીતે મુસ્લિમોની ભૂમિકાને ઘટાડવાનો હતો.