×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આસામના મંત્રી ચંદ્રમોહને કહ્યું- કોરોનાથી કોણ મરશે તેની યાદી 'ભગવાને' બનાવી


- પટોવરીએ જણાવ્યું કે, WHO અને તેના વૈજ્ઞાનિકો આ વાયરસને ખતમ કરવા માટેની દવા શોધવામાં નિષ્ફળ રહ્યા અને પ્રકૃતિએ માનવતા વિરૂદ્ધ યુદ્ધ શરૂ કરી દીધું છે

નવી દિલ્હી, તા. 28 ઓગષ્ટ, 2021, શનિવાર

સમગ્ર વિશ્વ કોરોના મહામારીની તબાહીનો ભોગ બન્યું છે અને અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જોકે હવે સ્થિતિ અમુક અંશે કંટ્રોલમાં આવી છે ત્યારે આસામ સરકારના એક મંત્રીએ કોરોનાને લઈને એક ખૂબ જ વિચિત્ર નિવેદન આપ્યું છે. તેઓ કોરોનાને 'ભગવાનના કોમ્પ્યુટર' પર બનેલો રોગ ગણાવી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે કોરોનાથી કોણ મરશે 'તેની યાદી પણ ભગવાને' બનાવી છે. સાથે જ તેમણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પર પણ નિષ્ફળતાનો આરોપ લગાવ્યો હતો. 

ભાજપના નેતા અને આસામના પરિવહન મંત્રી ચંદ્રમોહન પટોવરીએ બુધવારે ગુવાહાટીમાં રાજ્ય સરકારની એક યોજના અતંર્ગત લાભાર્થીઓને આર્થિક મદદ માટે આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન આ વાત કરી હતી. ચંદ્રમોહન પાસે પરિવહન, ઈન્ડસ્ટ્રી અને વાણિજ્ય જેવા 3 મહત્વના મંત્રાલયો છે. 

પટોવરીએ કહ્યું હતું કે, 'પ્રકૃતિએ નક્કી કર્યું છે કે, કોણ તેનાથી સંક્રમિત થશે, કોણ નહીં અને કોણ આ દુનિયામાંથી જશે. આ ભગવાનના સુપર કોમ્પ્યુટર વડે બની રહ્યું છે, જે માનવ નિર્મિત નથી. કોમ્પ્યુટરે કોરોના વાયરસને ધરતી પર મોકલવાનો નિર્ણય લીધો, જેમાં મૃત્યુ દર 2 ટકા નક્કી કરવામાં આવ્યો હતો.'

વધુમાં પટોવરીએ જણાવ્યું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અને તેના વૈજ્ઞાનિકો આ વાયરસને ખતમ કરવા માટેની દવા શોધવામાં નિષ્ફળ રહ્યા અને પ્રકૃતિએ માનવતા વિરૂદ્ધ યુદ્ધ શરૂ કરી દીધું છે. 

આસામની ભાજપ સરકારના મંત્રી ચંદ્રમોહનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે એક દિવસમાં એક કરોડ કરતા વધારે કોરોના વેક્સિન લગાવીને સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માટે શુભેચ્છા પાઠવી છે અને બિલ ગેટ્સ જેવા વિશ્વના પ્રખ્યાત દિગ્ગજે ભારતની પ્રશંસા કરી છે.