×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આવતીકાલે રાજ્યસભામાં રજુ થશે દિલ્હી વટહુકમ સંબંધિત બિલ, AAP-કોંગ્રેસે જારી કર્યો વ્હિપ

નવી દિલ્હી, તા.06 ઓગસ્ટ-2023, રવિવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે એટલે કે 7મી ઓગસ્ટે રાજ્યસભામાં ‘નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી સરકાર સુધારો બિલ 2023’ રજુ કરશે. અગાઉ 3 ઓગસ્ટે દિલ્હીમાં અધિકારીઓની નિમણૂક અને બદલીમાં લેફ્ટનન્ટ ગવર્નરના નિર્ણયને અંતિમ ગણીને લોકસભા દ્વારા નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી સરકાર સુધારો બિલ પસાર કરાયો હતો. 

બિલ મુદ્દે ગૃહમંત્રીના વિપક્ષ પર આકરા પ્રહાર

બિલ પર સાડા ચાર કલાક ચાલેલી ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રીએ વિપક્ષના વલણ પર સવાલો ઉઠાવ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે, વિપક્ષને દેશના હિતની, દિલ્હીના હિતની ચિંતા નથી, પરંતુ ગઠબંધનને બચાવવાની ચિંતા છે. તેમણે પૂછ્યું હતું કે વિપક્ષને આજે મણિપુર હિંસાની કેમ યાદ આવતી નથી ? વિપક્ષ આજે વડાપ્રધાનને ગૃહમાં બોલાવવાની માંગ કેમ નથી કરી રહ્યો ? અગાઉ પણ જ્યારે 9 બિલ પસાર થયા હતા ત્યારે વિપક્ષે ચર્ચામાં કેમ ભાગ ન લીધો ?

આપ અને કોંગ્રેસે જારી કર્યો વ્હિપ

આમ આદમી પાર્ટીએ તેના તમામ રાજ્યસભા સાંસદોને 7 અને 8 ઓગસ્ટે ગૃહમાં ઉપસ્થિત રહેવા ઉપરાંત કોંગ્રેસે પણ તેના રાજ્યસભા સાંસદોને સોમવારે 7 ઓગસ્ટે ગૃહમાં ઉપસ્થિત રહેવા માટે ત્રણ લાઈનનો વ્હિપ જારી કર્યો છે.

રાજ્યસભામાં પણ બિલ પાસ થવાની સંભાવના

રાજ્યસભામાં સોમવારે બિલને રજુ કરવાની સરકારની યોજના છે. વિપક્ષી એકતાથી દુર રહેનારા પક્ષો બીજેડી, ટીડીપી, વાઈએસઆરસીપીએ ઉપલા ગૃહમાં બિલનું સમર્થન કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત બસપાએ રાજ્યસભામાં મતદાનમાં ગેરહાજર રહેવાનો નિર્ણય લીધો છે. આ પક્ષોના સમર્થન બાદ ઉપલા ગૃહમાં પણ બિલ પાસ થવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

બિલમાં શું છે ?

બિલમાં ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી એક્ટમાં સુધારો કરીને અધિકારીઓની નિમણૂક અને ટ્રાન્સફર અંગે નિર્ણય લેવા માટે સત્તા બનાવવાની જોગવાઈ છે. આ સત્તામાં મુખ્યમંત્રીનો પણ સમાવેશ કરાયો છે. જોકે આ મામલે નિર્ણય લેવાની અંતિમ સત્તા લેફ્ટનન્ટ ગવર્નરને અપાઈ છે.