×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આવતીકાલથી સ્ટોક માર્કેટ સુધરશે? નવા સપ્તાહમાં માર્કેટની કામગીરી આ 5 બાબતો પર નિર્ભર

મુંબઈ, તા.25 ડિસેમ્બર-2022, રવિવાર

વેચાણના ભારે દબાણને કારણે 23મી ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. નબળા વૈશ્વિક સૂચકાંકો, ચીનમાં કોરોનાના વધતા કેસો અને ફેડરલ રિઝર્વના આક્રમક વલણને કારણે અમેરિકામાં ખરાબ મંદીની આશંકા વચ્ચે શુક્રવારે ભારતીય સ્ટોક માર્કેટ બંધ થયું હતું. BSE સેન્સેક્સ 60,000ની નીચે આવી ગયો છે. ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 59,845 પર તેમજ નિફ્ટી 17,807 પર બંધ થયો હતો. સોમવાર 26મી સપ્ટેમ્બરથી શરૂ થતા નવા સપ્તાહમાં પાંચ બાબતો બજારની કામગીરી નક્કી કરી શકે છે.

કોરોનાના વધતા જતા કેસ

નવા સપ્તાહમાં ચીનમાં કોરોનાના વધતા કેસ પર સૌની નજર રહેશે, જે માર્કેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે. ચીન, અમેરિકા, જાપાન અને વિશ્વના ઘણા ભાગોમાં કોરોનાનું નવું વેરિઅન્ટ સામે આવ્યું છે. વિશ્વમાં કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી રોકાણકારો સાવચેત થઈ રહ્યા છે. ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટના કેસ પણ સામે આવ્યા છે.

મેક્રો ઈકોનોમિક ડેટા

નવેમ્બર મહિના માટે રાજકોષીય ખાધ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટના આંકડા 30મી ડિસેમ્બરે જાહેર કરાશે. ઉપરાંત 16મી ડિસેમ્બરના રોજ પૂરા થતા સપ્તાહ માટે બેંકોની લોન અને ડિપોઝિટમાં થયેલા વધારા સાથે સંબંધિત ડેટા અને 23મી ડિસેમ્બરે પૂરા થતા સપ્તાહના વિદેશી મુદ્રા ભંડારના ડેટા શુક્રવારે જાહેર કરાશે.

ક્રૂડના ભાવ

નવા સપ્તાહમાં રોકાણકારોની નજર ક્રૂડ ઓઈલની કિંમતો પર પણ રહેશે. સતત બીજા સપ્તાહે તેલના ભાવમાં તેજી જોવા મળી હતી. જોકે નબળા મંદીની આશંકા વચ્ચે બ્રેન્ટ ફ્યુચર્સ છેલ્લા 3 સપ્તાહથી બેરલ દીઠ 85 ડોલરની નીચે જોવા મળ્યો છે. ગત સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ લગભગ 6% વધી 79 ડોલર પ્રતિ બેરલ નોંધાયો હતો. યુરોપિયન યુનિયન દ્વારા રશિયાના ઓઈલ પર પ્રાઈસ કેપ લદાયા બાદ ઉત્પાદનમાં કાપ મુકવાની વાતને કારણે ઓઈલ માર્કેટમાં સતત બીજા સપ્તાહે તેજી જોવા મળી હતી.

IPO

આવતીકાલથી શરૂ થતા નવા સપ્તાહમાં એક કંપનીનો IPO ખુલી રહ્યો છે અને એક કંપની રોકાણ માટે ખુલી ગઈ છે, જોકે તેમાં રોકાણ કરનારાઓને બે દિવસની તક મળશે. રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસિસનો IPO 27મી ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે, જે રોકાણ માટે 23 ડિસેમ્બરે ખુલ્યો હતો. બીજો IPO સાહ પોલિમરનો છે, જે રોકાણ માટે 30મી ડિસેમ્બરે ખુલશે. ઉપરાંત કેફીન ટેક્નોલોજીસના શેરનું લિસ્ટિંગ 29મી ડિસેમ્બરે થઈ શકે છે. કંપનીનો રૂપિયા 1500 કરોડનો IPO 2.59 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

વિદેશી રોકાણકારોનો પ્રવાહ

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)ના ફ્લોમાં ઉતાર-ચઢાવ બનેલો છે. જો કે ડોમેસ્ટીક ઈન્સ્ટીટ્યૂશનર ઈન્વેસ્ટમેન્ટ (DII)ની સ્થિતિ યથાવત્ છે. ડેટા મુજબ 23મી ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં FIIમાં આશરે રૂપિયા 1,000 કરોડના શેરની ચોખ્ખી વેચવાલી જોવા મળી હતી, જ્યારે DIIમાં લગભગ રૂ. 8,500 કરોડના શેર ખરીદ્યા છે.