×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આર્યન ખાન ડ્રગ કેસ મુદ્દે સાધ્વી પ્રજ્ઞાનું નિવેદન- આ એ જ લોકો છે જે કહે છે કે, અમે ભારતમાં સુરક્ષિત નથી


- આ લોકો ધરાતલ પરના જીવનને સ્વીકારી નથી શકતા માટે તેમને આવી વસ્તુઓનો સહારો લેવો પડે છેઃ સાધ્વી પ્રજ્ઞા

નવી દિલ્હી, તા. 08 ઓક્ટોબર, 2021, શુક્રવાર


પોતાના નિવેદનોને લઈ હંમેશા ચર્ચામાં રહેતા ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ક્રૂઝ રેવ પાર્ટીમાંથી આર્યન ખાન પકડાયો તેને લઈ અભિનેતા શાહરૂખ ખાન પર આકરા પ્રહારો કર્યા છે. ગુરૂવારે જયપ્રકાશ જિલ્લા હોસ્પિટલમાં 1-1 હજાર લીટર પ્રતિ મિનિટ ક્ષમતાના 2 ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદે મુંબઈ ડ્રગ્સ કેસને લઈ બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન અને તેના દીકરા આર્યન ખાન પર નિશાન સાધ્યું હતું. 

સાંસદ પ્રજ્ઞા સિંહે પત્રકારોના સવાલના જવાબમાં કહ્યું કે, આ એ જ લોકો છે જે કહે છે કે, અમે ભારતમાં સુરક્ષિત નથી. આ લોકોએ હંમેશા પાકિસ્તાનની મદદ કરી છે. કદી ભારતની મદદ નથી કરી. આ લોકો અહીં કમાય છે અને ત્યાં લગાવે છે. આવા લોકોનો સાચો ચહેરો સામે આવી રહ્યો છે. સત્ય સામે આવી ચુક્યુ છે. ટૂંક સમયમાં જ બાકી બચેલું સત્ય પણ સામે આવશે. અહીં હવે દેશભક્તોની આવશ્યકતા છે. તે લોકો જ અહીં રહેશે અને અહીં વિકસશે. 

ભોપાલના સાંસદે કહ્યું કે, આ એ લોકો છે જેમણે ફક્ત બોલિવુડનું ગ્લેમરસ જીવન જ અપનાવ્યું છે પરંતુ ધરાતલના જીવન સાથે તેમને કોઈ જ સંબંધ નથી હોતો. જેનું કોઈ લક્ષ્ય નથી હોતું તે ભટકે છે. આ એવા લોકો છે જે ખૂબ જ મહત્વકાંક્ષા બનાવી લે છે અને રસ્તો ભટકી જાય છે. આ લોકો ધરાતલ પરના જીવનને સ્વીકારી નથી શકતા માટે તેમને આવી વસ્તુઓનો સહારો લેવો પડે છે.