×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આર્યન ખાનના બહાને ઉદ્ધવે NCBને ઘેરી, કહ્યું- ચપટીભર ગાંજો સૂંઘી રહેલા સેલિબ્રિટીને પકડીને ઢોલ વગાડી રહ્યા છે


- અમારી પોલીસે 150 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા છે, તમે ચપટીભર ગાંજો સૂંઘતા રહોઃ ઠાકરે

નવી દિલ્હી, તા. 16 ઓક્ટોબર, 2021, શનિવાર

અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન પર ક્રૂઝ શિપ ડ્રગ કેસને લઈ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)નો સકંજો વધુ ગાઢ બની રહ્યો છે. ગુરૂવારે સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન આર્યનને જામીન નહોતા આપવામાં આવ્યા. નિર્ણય સુરક્ષિત રાખીને આગામી સુનાવણી માટે 20 ઓક્ટોબરની તારીખ નિર્ધારીત કરવામાં આવી હતી. 

આ બધા વચ્ચે આર્યન ખાનના કેસ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સામે આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ એનસીબી પર રોષે ભરાઈને કહ્યું કે, 'આખી દુનિયામાં મારા મહારાષ્ટ્રમાં જ ગાંજા-ચરસનો તોફાન વેપાર ચાલી રહ્યો છે, આવું દરેક જગ્યાએ કહેવામાં આવી રહ્યું છે.'

વધુમાં જણાવ્યું કે, 'હું ફરીથી કહી રહ્યો છું કે, જે અમારી સંસ્કૃતિ છે તે આંગણામાં તુલસી લગાવવાની છે. પરંતુ એવું બતાવાઈ રહ્યું છે જાણે હવે તુલસીની જગ્યાએ ગાંજો લગાવાઈ રહ્યો હોય. આવું જાણીજોઈને શા માટે કરી રહ્યા છો? એવું નથી કે ફક્ત મહારાષ્ટ્રમાંથી આ મળ્યું છે. જાણવા મળ્યા મુજબ મુંદ્રા પોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ મળ્યું, ક્યાં છે મુંદ્રા? ગુજરાત... સાચું ને? એવું નથી કે અમારી પોલીસ કશું નથી કરી રહી.'

ઠાકરેએ આગળ કહ્યું કે, 'તમે અહીં ચપટીભર ગાંજો સુંધનારાને માફિયા કહો છો? કોઈ એક સેલિબ્રિટીને પકડો છો, ફોટો ખેંચો છો અને ઢોલ વગાડો છો. અમારી પોલીસે 150 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા છે. તમે ચપટીભર ગાંજો સૂંઘતા રહો... અમારી પોલીસ કામ કરે છે પણ ખબરો ફક્ત એ જ આવે છે કે જામીન મળ્યા કે નહીં.'

ઉલ્લેખનીય છે કે, 3 ઓક્ટોબરના રોજ ક્રૂઝ પર ડ્રગ પાર્ટી પર દરોડા દરમિયાન એનસીબીએ 23 વર્ષીય આર્યન ખાનની અન્ય 7 લોકો સાથે ધરપકડ કરી હતી. એનસીબીએ કરેલા દાવા પ્રમાણે આર્યન ખાન ડ્રગ્સ લે છે. જોકે આર્યન પાસેથી કોઈ ડ્રગ નહોતું મળ્યું. આ કેસમાં એનસીપીએ પણ એનસીબીની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યો છે.