×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આરબીઆઈએ સતત ત્રીજી વખત રેપોરેટ યથાવત્ રાખતા લોનધારકોને રાહત


- રેપો રેટ 6.50 ટકા જાળવી રખાયો

- છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપોરેટમાં 0.25 ટકાનો વધારો થયો હતો : ત્યારબાદ એપ્રિલ અને જૂનમાં રેપોરેટ સ્થિર રખાયો હતો

- ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો અંદાજ 5.10 ટકાથી વધારી 5.40 ટકા કરાયો

મુંબઈ : નાણાં નીતિની ત્રણ દિવસની સમીક્ષા બેઠકના અંતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ  ગુરુવારે રેપો રેટ યથાવત રાખવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. જો કે વર્તમાન નાણાં વર્ષ માટેના ફુગાવાના અંદાજમાં વધારો કરવાની ફરજ પડી છે, જ્યારે આર્થિક વિકાસ દરની ધારણાં જાળવી રાખવામાં આવી છે. રેપો રેટ જાળવી રાખવાના નિર્ણયને પગલે હોમ તથા ઓટો લોન સહિતના દરોમાં વધારો નહીં થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

મંગળવારથી અહીં શરૂ થયેલી એમપીસીની બેઠકના અંતે  સતત ત્રીજી વખત રેપો રેટ ૬.૫૦ ટકા જાળવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. વર્તમાન નાણાં વર્ષ માટે ફુગાવાનો અંદાજ જે અગાઉ ૫.૧૦ ટકા મુકાયો હતો તે વધારી ૫.૪૦ ટકા કરાયો છે. ફુગાવાને નિયંત્રણમાં લાવવાની કામગીરી હજુ પૂરી થઈ નથી એમ રિઝર્વ બેન્ક દ્વારા જણાવાયું હતું. 

વૈશ્વિક સ્તરે ખાધાખોરાકીના ઊંચા ભાવ, ભૌગોલિક રાજકીય તાણ તથા હવામાનને લગતી અનિશ્ચિતતાને જોતા ફુગાવાજન્ય જોખમો હજુ પણ જળવાઈ રહ્યા છે, એમ  રિઝર્વ બેન્કના ગવર્નર  દાસે બેઠક બાદ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષના જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં ફુગાવો અગાઉની ૫.૨૦ ટકાની ધારણાં કરતા જોરદાર વધી ૬.૨૦ ટકા આવવાનો અંદાજ છે. જો કે ૨૦૨૩ના ચોથા ત્રિમાસિકમાં ખાધાખોરાકીના ભાવ નીચે આવશે તેવી પણ અપેક્ષા વ્યકત કરવામાં આવી હતી.

 ખાધાખોરાકીના ભાવ ફુગાવાને ઊંચા લઈ જશે તો નાણાં નીતિને સખત બનાવવાના પણ ગવર્નર શક્તિકાંત દાસે સંકેત આપ્યા હતા.

એકોમોડેટિવ પોલિસી  પાછી ખેંચવાના વલણને જાળવી રાખવાનો રિઝર્વ બેન્કે નિર્ણય લીધો છે પરંતુ જો ફુગાવો ઘટીને ચાર ટકાના ટાર્ગેટ પર નહીં આવે તો તાત્કાલિક પગલાંના ગવર્નરે સંકેત આપ્યા હતા.  

ગયા નાણાં વર્ષમાં કુલ ૨.૫૦ ટકા વધારો કર્યા બાદ રિઝર્વ બેન્કે છેલ્લી ત્રણ બેઠકમાં રેપો રેટ યથાવત રાખવા નિર્ણય કર્યો છે. ફુગાવાને નીચે લાવવા વ્યાજ દર વધારવાની ફરજ પડી હતી, પરંતુ શાકભાજીના ઊંચા ભાવે રિઝર્વ બેન્કના ફુગાવાના ગણિતને બગાડી નાખ્યું છે. 

મેમાં ઘટી ૪.૩૦ ટકા થયા બાદ જુનથી ફુગાવો ફરી વધવા લાગ્યો છે. અલ નિનોની શકય અસર પર ખાસ નજર રાખવાની રહેશે. શાકભાજીની ક્રોપિંગ સાયકલને ધ્યાનમાં રાખતા આગામી કેટલાક મહિનામાં પૂરવઠામાં વધારા સાથે ભાવ ફરી સામાન્ય થતાં જોવા મળશે. 

વર્તમાન નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના ૬.૫૦ ટકાના પોતાના અંદાજને રિઝર્વ બેન્કે જાળવી રાખ્યો છે. માગની એકંદર સ્થિતિ મજબૂત હોવાનું પણ ગવર્નરે જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીનો આંક ૮ ટકા, બીજા ત્રિમાસિક ગાળામાં ૬.૫૦ ટકા, ત્રીજા ત્રિમાસિકમાં ૬ ટકા તથા ચોથા ત્રિમાસિકમાં ૫.૭૦ ટકા અંદાજવામાં આવ્યો છે.