×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આમ આદમી પાર્ટી ભાજપની જ બી ટીમ છે, ભાજપનો વિકલ્પ માત્ર કોંગ્રેસ છે : કોંગ્રેસ

અમદાવાદ, તા. 14 જૂન 2021, સોમવાર

આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતના રાજકારણમાં અત્યારથી જ ગરમાવો આવ્યો છે. તમામ પાર્ટીઓ અને નેતાઓએ ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે. તેવામાં આ વખતે તો રાજ્યમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ છે. જેને ત્રીજા વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદ આવ્યા હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પરથી ચૂંટણી લડશે. 

આપની એન્ટ્રીથી રાજકિય માહોલ તો ગરમાયો જ હતો, તેવામાં હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. અરવિંદ કેજરીવાલની જાહેરાત અને મુલાકાતને લઇને મોટો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું કે આમ આદમી પાર્ટી એ ભાજપની જ બી ટીમ છે, અને તેઓ ભાજપને ફાયદો કરાવવા માટે જ આવ્યા છે. ભાજપ પોતે નિષ્ફળ રહી હોવાથી આપની એન્ટ્રી થશે. 

તો આ તરફ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ આ અંગે ટ્વિટ કર્યુ છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે સ્વ.ચીમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, સ્વ.કેશુભાઇ પટેલ સહિતના દિગ્ગજ આગેવાનો ભાજપનો વિકલ્પ ના બની શક્યા! દિલ્હીથી આવેલા કેવી રીતે બની શકે? વિકલ્પ કોંગ્રેસ હતો,છે અને રહેવાનો.

આમ આપની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકિય હલચલ વધી ગઇ છે. કેજરીવેલે એલાન કર્યુ છે કે તેઓ રાજ્યની તમામ 182 સીટો પરથી ચૂંટણી લડવાના છે. તો આ તરફ ભાજપ દ્વારા પણ ચૂંટણીની તૈયારી અને આપની એન્ટ્રીના ભાગરુપે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તેવામાં હવે કોંગ્રેસે આપને ભાજપની જ બી ટીમ ગણાવી છે.