×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આમિર ખાન અને કિરણ રાવના સંબંધમાં ભંગાણ, લગ્નના 15 વર્ષ બાદ લેશે ડિવોર્સ


- બંને ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય પરિયોજનાઓ પર પણ સહયોગી તરીકે કામ કરવાનું ચાલુ રાખશે

નવી દિલ્હી, તા. 03 જુલાઈ, 2021, શનિવાર

અભિનેતા આમિર ખાન અને કિરણ રાવે લગ્નના 15 વર્ષ બાદ પોતાના સંબંધો પર પૂર્ણવિરામ મુકીને છૂટા પડવાનો નિર્ણય લીધો છે. આમિર અને કિરણે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ દ્વારા આ અંગેની જાહેરાત કરી છે કે હવે તે બંનેના રસ્તા અલગ થઈ ગયા છે. બંને હવે પતિ-પત્ની તરીકે સાથે રહેવાના બદલે પોતાની રીતે અલગથી જિંદગી જીવશે. આ સમાચાર તેમના ચાહકો માટે ખૂબ જ ચોંકવનારા કહી શકાય. 

આમિર ખાન અને કિરણ રાવે પોતાના સ્ટેટમેન્ટમાં લખ્યું હતું કે, 'આ 15 ખુબસુરત વર્ષોમાં અમે એકસાથે જીવનભરના અનુભવ, આનંદ અને ખુશી શેર કર્યા છે. અમારો સંબંધ ફક્ત વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વધ્યો છે. હવે અમે અમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા ઈચ્છીશું. પતિ-પત્ની તરીકે નહીં પણ સહ-માતા-પિતા અને પરિવાર તરીકે. અમે થોડા સમય પહેલા અલગ થવાનો પ્લાન શરૂ કરી દીધો હતો. હવે આ વ્યવસ્થાને ઔપચારિક સ્વરૂપ આપવામાં સહજતા અનુભવી રહ્યા છીએ.'

વધુમાં લખ્યું હતું કે, 'અમે બંને અલગ અલગ રહેવા છતાં અમારા જીવનને એક વિસ્તારિત પરિવાર તરીકે શેર કરીશું. અમે અમારા દીકરા આઝાદ પ્રત્યે સમર્પિત માતા-પિતા છીએ, તેનું પાલન-પોષણ અમે સાથે મળીને કરીશું. અમે ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય પરિયોજનાઓ પર પણ સહયોગી તરીકે કામ કરવાનું ચાલુ રાખીશું, જેના વિશે અમને દિલથી પરવા છે.'

આગળ જણાવ્યું હતું કે, અમારા સંબંધમાં નિરંતર સમર્થન અને સમજણ માટે અમારા પરિવારો અને મિત્રોનો ખૂબ ખૂબ આભાર જેમના વગર અમે આ પગલું ભરતી વખતે આટલો સુરક્ષિત અનુભવ ન કરી શકેત. અમે અમારા શુભચિંતકો પાસેથી શુભેચ્છાઓ અને આશીર્વાદની આશા રાખીએ છીએ. આશા રાખીએ છીએ કે, અમારી જેમ તમે પણ આ ડિવોર્સને અંત તરીકે નહીં પણ એક નવી સફરની શરૂઆત તરીકે જુઓ. ધન્યવાદ અને પ્રેમ, કિરણ અને આમિર.

ઉલ્લેખનીય છે કે, આમિર અને કિરણ ફિલ્મ લગાનના સેટ પર મળ્યા હતા. બંને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો અને 28 ડિસેમ્બર, 2005ના રોજ બંનેએ લગ્ન કરી લીધા હતા. બંનેએ સરોગેસી દ્વારા દીકરા આઝાદને આવકાર્યો હતો. 15 વર્ષના આ લગ્ન જીવનમાં કિરણ અને આમિરે અનેક ઉતાર ચઢાવ જોયા છે અને અનેક બાબતે મળીને સામનો કર્યો છે. આમિરે કિરણ રાવ પહેલા રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા.