×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આનંદ મોહનને ફરી જેલમાં ધકેલવાની માંગ : સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને પાઠવી નોટિસ, માગ્યો જવાબ

Image  - wikipedia

નવી દિલ્હી, તા.8 મે-2023, સોમવાર

ગોપાલગંજના તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ જી.કુષ્ણૈયાની હત્યા કેસના આરોપી અને બિહારના પૂર્વ સાંસદ આનંદ મોહન અંગે મોટા સમાચાર આવ્યા છે. જેલમાંથી આનંદ મોહનને છોડવા મામલે સ્વ.જી.કૃષ્ણૈયાની પત્ની ઉમા કૃષ્ણૈયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી હાથ ધરતાં સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને નોટિસ મોકલી છે. આનંદ મોહનને જેલમાંથી મુક્ત કરવા મામલે સુપ્રીમ કોર્ટે બિહાર સરકાર અને આનંદ મોહન બંને પાસેથી જવાબ માંગ્યો છે.

સુપ્રીમના નિર્ણય પર મૃતકની પત્નીએ ખુશી વ્યક્ત કરી

સુપ્રીમ કોર્ટના જજ સૂર્યકાંત અને જજ જે.કે.મહેશ્વરીની ખંડપીઠે આનંદ મોહન મામલે આજે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કર્યા બાદ જી.કૃષ્ણૈયાની પત્ની ઉમા કૃષ્ણૈયાને કહ્યું કે, આ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધર્યા બાદ બિહાર સરકાર અને અન્ય સંબંધિત લોકોને નોટિસ મોકલ્યા અમે ખુશી વ્યક્ત કરીએ છીએ. તેમણે કહ્યું કે, આ મામલે બિહાર સરકાર અને સંબંધિત લોકોને 2 સપ્તાહની અંદર જવાબ આપવા કહ્યું છે. અમને સુપ્રીમ કોર્ટમાં જરૂરથી ન્યાય મળશે.

આનંદ મોહનને જેલમાંથી છોડાતા મૃતકની પત્નીએ SCમાં કરી હતી અરજી

ઉલ્લેખનિય છે કે, ગોપાલગંજના તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ જી.કૃષ્ણૈયાની હત્યા કેસના આરોપી અને બિહારના પૂર્વ સાંસદ આનંદ મોહનની મુક્તિ વિરુદ્ધ જી.કૃષ્ણૈયાની પત્ની ઉમા કૃષ્ણૈયાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકી અરજી દાખલ કરી હતી. ઉમા કૃષ્ણૈયાએ આનંદ મોહનને ફરી જેલમાં ધકેલવાની માંગ કરી છે. તેમણે બિહાર સરકાર દ્વારા ફેરફાર કરાયેલા નોટિફિકેશનને પણ રદ કરવાની માંગ કરી છે.

આનંદ મોહનને 16 વર્ષ બાદ જેલમાંથી મુક્ત કરાયો હતો

ઉલ્લેખનિય છે કે, બિહારના બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ આનંદ મોહન સિંહ 16 વર્ષ બાદ જેલમાંથી મુક્ત કરાયા હતા. ગોપાલગંજના તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) જી. કૃષ્ણૈયાની હત્યાના કેસમાં આનંદ મોહન આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. આનંદ મોહનની મુક્તિને લઈને બિહાર સરકારની પણ આકરી ટીકા થઈ રહી છે. આ દરમિયાન નીતિશ સરકારના નિર્ણય સામે પટણા હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી અને બિહાર સરકારની નોટિફિકેશનને રદ્દ કરવાની માંગ કરવામાં આવી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટની હત્યા કેસમાં સજા થઈ

વર્ષ 1994માં જી.કૃષ્ણૈયાની હત્યામાં આનંદ મોહનનું નામ સામે આવ્યું હતું. આ કેસમાં 2007માં કોર્ટે આનંદ મોહનને ફાંસીની સજા સંભળાવી હતી. જોકે, બાદમાં આ સજાને આજીવન કેદમાં બદલી દેવામાં આવી હતી. આનંદ મોહનને ન તો હાઈકોર્ટમાંથી રાહત મળી કે ન તો સુપ્રીમ કોર્ટમાંથી. 15 વર્ષની સજા ભોગવ્યા બાદ આનંદ મોહનને હવે નીતિશ સરકારના એક નિર્ણયથી મુક્ત કરવામાં આવ્યા છે, જે બાદ રાજકારણ તેજ થઈ ગયું છે.