×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આનંદોઃ 5 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકો માટે પણ બની રહી છે વેક્સિન, બીજી-ત્રીજી ટ્રાયલને મંજૂરી


- કેન્દ્ર સરકારે હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ કંપની સાથે 30 કરોડ વેક્સિન ડોઝનો કરાર કર્યો

નવી દિલ્હી, તા. 04 સપ્ટેમ્બર, 2021, શનિવાર

ટૂંક સમયમાં જ દેશમાં 5 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકો માટેની કોરોના વેક્સિન મળવા લાગશે. કોર્બેવેક્સને બીજા-ત્રીજા તબક્કાના ટ્રાયલ માટેની મંજૂરી મળી ગઈ છે. જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ (ડીબીટી)એ શુક્રવારે જણાવ્યું કે, જૈવિક ઈને 5 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકો માટેની કોવિડ-19 વેક્સિન કોર્બેવેક્સના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે ડીજીસીઆઈની મંજૂરી મળી છે. 

વિશેષ એક્સપર્ટ સમિતિએ કોર્બેવેક્સ વેક્સિનની ટ્રાયલ માટે ભલામણ કરી હતી. નિષ્ણાતોને આશંકા છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવશે તો તેમાં બાળકો પર પણ ખૂબ પ્રભાવ પડી શકે છે. આ મહિને જ ત્રીજી લહેર આવે તેવી આશંકા છે તેવામાં વેક્સિન બાળકો માટે કવચ તરીકેનું કામ આપશે. બાયોલોજિકલ ઈ લિમિટેડની વહીવટી સંચાલક મહિમા દતલાએ જણાવ્યું કે, આ મંજૂરી બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે વાતચીત કરવામાં મદદ મળશે. 

જાણવા મળ્યા મુજબ હૈદરાબાદ સ્થિત દવા કંપની બાયોલોજિકલ ઈની વેક્સિન કાર્બોવેક્સ ભારતમાં સપ્ટેમ્બરના અંત સુધીમાં ઉપલબ્ધ થઈ જાય તેવી શક્યતા છે. તેના પહેલા અને બીજા તબક્કાની ટ્રાયલના પરિણામો સારા આવ્યા છે. કેન્દ્ર સરકારે હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઈ કંપની સાથે 30 કરોડ વેક્સિન ડોઝનો કરાર કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે વેક્સિનના ઉત્પાદન માટે કંપનીને 1,500 કરોડ રૂપિયાની આગોતરી રાશિ આપી દેવાઈ છે. કંપની વેક્સિનનું ઉત્પાદન અને સ્ટોરેજ સપ્ટેમ્બર-ડિસેમ્બર 2021 દરમિયાન કરશે.