×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'આધાર' સાથે લિંક થશે વોટર કાર્ડ, મતદાનમાં ગેરરીતિ રોકવા મોદી સરકારનું મહત્વનું પગલું


- આ બિલમાં ચૂંટણી સંબંધી કાયદાને સૈન્ય મતદારોના મામલે લૈંગિક રીતે નિરપેક્ષ બનાવવાની જોગવાઈ છે

નવી દિલ્હી, તા. 16 ડિસેમ્બર, 2021, ગુરૂવાર

કેન્દ્રીય મંત્રી મંડળે ચૂંટણી સુધારાઓને લઈ એક મહત્વનો નિર્ણય લીધો છે. બુધવારે એક બિલને મંજૂરી આપવામાં આવી છે જેમાં બોગસ મતદાન અને મતદાર યાદીમાં રીપિટેશન રોકવા માટે મતદાતા ઓળખ પત્ર (વોટર કાર્ડ)ને આધાર કાર્ડ સાથે જોડવા, એક જ મતદાર યાદી તૈયાર કરવા જેવા નિર્ણયોનો સમાવેશ થાય છે. મંત્રી મંડળ તરફથી મંજૂર કરવામાં આવેલા બિલમાં સર્વિસ વોટર્સ માટે ચૂંટણી કાયદાને 'જેન્ડર ન્યૂટ્રલ' પણ બનાવવામાં આવશે. બિલમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી છે કે, હવે એક વર્ષમાં 4 અલગ અલગ તારીખોએ યુવાનો મતદાતા તરીકે નોંધણી કરી શકશે. 

વર્તમાનમાં એવી વ્યવસ્થા હતી કે, 01 જાન્યુઆરીના રોજ કટઓફ તારીખ હોવાના કારણે અનેક યુવાનો મતદાર યાદીમાં વંચિત રહી જતા હતા. માત્ર એક કટઓફ તિથિ હોવાના કારણે 02 જાન્યુઆરીના રોજ 18 વર્ષનું આયુષ્ય પૂર્ણ થયા બાદ પણ યુવાન નોંધણી નહોતો કરાવી શકતો. તેવામાં યુવાનોએ લાંબી રાહ જોવી પડતી હતી. પરંતુ હવે બિલમાં સુધારા બાદ તેમને વર્ષમાં 4 વખત નોંધણી કરાવવાની તક મળી શકશે. 

સામાન્ય રીતે લોકો પોતાના ગામ ઉપરાંત એવા શહેર અને મહાનગરોમાં પણ મત આપી દેતા હતા જ્યાં તેઓ કામકાજ કરતા હોય. તેવામાં મતદાર યાદીમાં અનેક જગ્યાએ નામ સામેલ થઈ જાય છે પરંતુ આધાર સાથે લિંક થયા બાદ કોઈ પણ નાગરિક ફક્ત એક જ જગ્યાએ મતદાન કરી શકશે. જોકે સરકાર તરફથી જે સુધારા કરવામાં આવ્યા છે તેના અંતર્ગત સ્વૈચ્છિક આધાર પર મતદાર યાદીને આધાર સાથે જોડી શકાશે. 

પત્નીના બદલે જીવનસાથી લખવામાં આવે

આ બિલમાં ચૂંટણી સંબંધી કાયદાને સૈન્ય મતદારોના મામલે લૈંગિક રીતે નિરપેક્ષ બનાવવાની જોગવાઈ છે. વર્તમાન ચૂંટણી કાયદો તેમાં ભેદભાવ કરે છે. વર્તમાન કાયદામાં કોઈ પુરૂષ ફોજીની પત્નીને સૈન્ય મતદાતા તરીકે પોતાની નોંધણી કરાવવાની સુવિધા છે પરંતુ મહિલા ફોજીના પતિ માટે આવી કોઈ સુવિધા નથી. ચૂંટણી પંચે કાયદા મંત્રાલયને એવી ભલામણ કરી છે કે, ચૂંટણી કાયદામાં 'પત્ની' શબ્દના બદલે 'જીવનસાથી' એટલે કે, 'વાઈફ'ના બદલે 'સ્પાઉસ' લખી દેવામાં આવે તો આ સમસ્યા હલ થઈ શકે છે.