×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આદિપુરુષ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શકની મુશ્કેલી વધી, હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવા મામલે FIR

image : Facebook


આદિપુરુષ ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત અને ફિલ્મના નિર્માતા કૃષ્ણ કુમાર વિરુદ્ધ મુંબઈના અંધેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી અને તેમના પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવાયો હતો. આ ફરિયાદ ફરિયાદી NGO સંઘર્ષના પ્રમુખ પૃથ્વીરાજ મસ્કેએ નોંધાવી હતી.

ફરિયાદમાં શું આરોપ લગાવાયો? 

ફરિયાદ મુજબ ફિલ્મમાં મા સીતાને સફેદ સાડી પહેરેલી દર્શાવવામાં આવી છે, જ્યારે તેમણે ભગવા સાડી પહેરીને મહેલ છોડ્યો હતો. ફિલ્મમાં ભગવાન રામને એક યોદ્ધા તરીકે દર્શાવવામાં આવ્યા છે, જોકે તેઓ મર્યાદા પુરુષોત્તમ હતા. રાવણની લંકા પથ્થરોની બનેલી બતાવવામાં આવી છે, હકીકતમાં તે સોનાની બનેલી હતી. સીતાનો જન્મ નેપાળમાં થયો હતો, ફિલ્મમાં ભારતને તેના જન્મસ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું છે.

જો લોકો માંગ કરશે તો છત્તીસગઢમાં ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવશેઃ બઘેલ

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શનિવારે કહ્યું હતું કે ફિલ્મ 'આદિપુરુષ'માં ભગવાન રામ અને ભગવાન હનુમાનની છબીને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે જો લોકો માંગ કરશે તો કોંગ્રેસ સરકાર રાજ્યમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી શકે છે. બઘેલે કહ્યું કે ફિલ્મના સંવાદો વાંધાજનક અને નિમ્ન કક્ષાના છે. પોતાના સત્તાવાર નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણા તમામ દેવી-દેવતાઓની છબીને કલંકિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

આદિપુરુષ વિવાદ વચ્ચે ઓમ રાઉતનું જૂનું ટ્વિટ વાયરલ થયું 

તમામ વિવાદો વચ્ચે, નેટીઝન્સને ઓમ રાઉતનું એક જૂનું ટ્વિટ મળ્યું છે, જેમાં લોકો હનુમાન અંગેની ટિપ્પણી માટે તેમની નિંદા કરી રહ્યા છે. અહેવાલ અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઓમ રાઉતની આ ટ્વિટ વર્ષ 2015ની છે. રાઉત દ્વારા કથિત રીતે કરવામાં આવેલ આ ટ્વિટમાં લખ્યું છે કે, 'શું ભગવાન હનુમાન બહેરા હતા? મારા મકાનની આસપાસના લોકો એવું વિચારે છે. ખાસ કરીને હનુમાન જયંતિ પર જ્યારે લોકો અપ્રસ્તુત ગીતો મોટેથી વગાડે છે.