×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આતંકી કનેકશન મામલે પોરબંદરમાં સ્થાનિક સપોર્ટ અંગે તપાસનો ધમધમાટ

અમદાવાદ, રવિવાર

ગુજરાત એટીએસના અધિકારીઓએ શુક્રવારે બાતમીને આધારે  ત્રણ કાશ્મીરી યુવકો અને મહિલાને ઝડપીને ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (આઇએસકેપી)ના ભારતમાં ચાલી રહેલા આતંકી કનેકશનનો પર્દાફાશ કર્યો હતો.  ત્યારે પ્રાથમિક તપાસમાં એટીએસને મહત્વની માહિતી મળી છે કે શ્રીનગરનો ઝુબેર મુનશી ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન માટે ભારતમાં મહત્વનું કામ કરતો હતો અને તેને સોશિયલ મિડીયાની મદદથી સમગ્ર ભારતમાં કટ્ટરવાદી યુવકોને  શોધીને હેન્ડલર સાથે સંપર્ક કરાવીને માઇન્ડ વોશ કરાવતો હતો. સાથેસાથે સુમેરાબાનું નામની મહિલા પણ કટ્ટરવાદી યુવતીઓને પણ તૈયાર કરતી હોવાની વિગતો ખુલી છે. ઉપરાંતઆતંકીઓને પોરબંદરમાં સ્થાનિક સપોર્ટ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાની વિગતો પણ એટીએસના અધિકારીઓને સાંપડી છે. ગુજરાત એટીએસના અધિકારીઓએ પ્રતિબંધિત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (આઇએસકેપી) સાથે સંકળાયેલા ત્ર્ ઉબેદ નાસીર મીર (રહે. શાહ ફસલ કોલોની, સૌરા, શ્રીનગર) , હનાન હયાત શૉલ (રહે.નરીબલ કોલોની, સૌરા, શ્રીનગર) અને  મોહમ્મદ હાજીમ શાહ (રહે. સૌરા, શ્રીનગર)ની ધરપકડ કરી હતી. સાથેસાથે સુરતના સૈયદપુરામાં આવેલા બેગ-એ-ફિઝા નામના એપાર્ટમેન્ટમાં રહેતી સુમેરાબાનુ મોહમ્મદહનીફ મલેકને પણ ઝડપી લીધી હતી.  આ તમામ લોકો પોરબંદરથી ગેરકાયદેસર રીતે ઇરાન પહોંચીને ડુપ્લીકેટ પાસપોર્ટ મેળવીને અફઘાનિસ્તાનમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવા માટે જવાના હતા.આ મામલે ગુજરાત એટીએસની અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે. જેમાં ત્રણેય કાશ્મીરી યુવકોને બોટમાં મજુર તરીકે નોકરી આપવા માટે  સ્થાનિક સ્તરે સપોર્ટ સેટ કરવામાં આવ્યો હોવાની વિગતો મળી છે. જેના આધારે કેટલાંક શકમંદોની પુછપરછ કરવામાં આવી રહી છે.  બીજી તરફ નહી ઝડપાયેલા ઝુબેશ મુનશી નામના કાશ્મીરી યુવક અંગે પણ ચોંકાવનારી  બાબતો સામે આવી છે.  ઝુબેશ મુનશી આઇએસકેપી માટે કાશ્મીર જ નહી પણ સમગ્ર દેશમાં સોશિયલ મિડીયાની મદદથી કટ્ટરવાદીઓને શોધવાનું કામ કરતો હતો. એટીએસ દ્વારા ઝુબેશના સોશિયલ મિડીયા વિવિધ એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં તે અનેક  શકમંદો સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.  બીજી તરફ સુમેરાબાનું ઝુબેરથી પ્રભાવિત હતી અને તે પણ કેટલીક યુવતીઓ સાથે સંપર્કમાં હતી. આ ઉપરાંત, એટીએસ સાથે સોમવારથી એનઆઇએ અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ કાશ્મીરી યુવકોની પુછપરછ કરી શકે છે. ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.