×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આઠ વર્ષમાં એક પણ ખોટું કામ નહીં, ગરીબ કલ્યાણ અને સુશાસનને અગ્રતા આપી- મોદી


આટકોટમાં ઉમટી પડેલા વિશાળ માનવ મહેરામણને વડાપ્રધાનનું સંબોધન  વડાપ્રધાને ધોમધખતા તાપમાં આવેલી જંગી માનવ મેદનીને પ્રણામ કરીને ધન્યવાદ આપ્યા હોસ્પિટલનું ઉદ્ધાટન કરીને કહ્યું હોસ્પિટલો ખાલી રહે,સૌ સ્વસ્થ રહે તેમ કરવું છે, પૂ.બાપુ, સરદારની ભૂમિએ આપેલા સંસ્કાર-શિક્ષણને દિલ્હી જઈને ચરિતાર્થ કર્યા

 રાજકોટ, : આઠ વર્ષ પહેલા ગુજરાતે મને વિદાય આપી હતી, પણ પ્રેમ વધતો જાય છે, પૂ.ગાંધી બાપુ અને સરદાર પટેલની આ ધરતીમાં મને જે શિક્ષણ,સંસ્કાર મળ્યા છે તેના કારણે આઠ વર્ષથી દેશની સેવામાં કોઈ કસર છોડી નથી, એક પણ ખોટુ કામ કર્યું નથી અને કરવા દીધું નથી, ગરીબોના કલ્યાણ અને સુશાસનને જ પ્રાથમિકતા આપી છે તેમ આજે જસદણ તાલુકાના આટકોટમાં પટેલ સેવા સમાજ ટ્રસ્ટની હોસ્પિટલનું ઉદ્ધાટન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ચિક્કાર જનમેદનીને સંબોધનમાં જણાવ્યું હતું.

રાજકોટથી 52 કિ.મી.દૂર ભાવનગર હાઈવે  પર નાનકડા આટકોટમાં વિશાળ માનવ મહેરામણ ઉમટી પડયો હતો. સેંકડો મહિલાઓએ કળશ અને કેસરી રંગની સાડી પરિધાન કરીને કરેલા સન્માનથી  ભાવવિભોર મોદીએ જન સમુદાયને વંદન કરીને ધોમધખતા તાપમાં આશિર્વાદ દેવા આવ્યા છો તેમ કહી ધન્યવાદ આપ્યા હતા. 

તેમણે કહ્યું કે દરેક નાગરિકને નાતજાત,સગાવાદના ભેદભાવ કે ભ્રષ્ટાચાર વગર જે હક્કદાર છે તે તમામને 100 ટકા યોજનાનો લાભ મળે તે માટે સરકાર અભિયાન ચલાવી રહી છે. કોરોના કાળમાં દેશની જનતાના આરોગ્યની ચિંતા કરીને ટેસ્ટીંગ, ટ્રીટમેન્ટથી માંડીને તમામને મફત વેક્સીન આપી છે.  દેશમાં 3 કરોડ ગરીબ પરિવારોને ઘરનું ઘર, 10  કરોડને શૌચાલયો, 9 કરોડને ધુમાડાથી મુક્તિ માટે ગેસ સિલિન્ડર, 6 કરોડને નળથી જળ,૨.૫૦ કરોડને વિજળી આપી એ માત્ર આંકડા નથી પરંતુ, ગરીબોની સેવા માટે અમારી કટિબદ્ધતા છે.આયુષ્યમાન કાર્ડ દુનિયાની સૌથી મોટી યોજના છે. 

વડાપ્રધાને માર્મિક રીતે કહ્યું, ગરીબોની તકલીફ શુ છે તે માટે મારે ચોપડી વાંચવાની જરૂર નથી, ટીવી જોવાની જરૂર નથી, મને ખબર છે ગરીબોને શુ તકલીફ હોય છે.  માતા-બહેનો પૈસા ખર્ચી ન શકે તે માટે હોસ્પિટલે સારવાર કરાવવા જવાનું ટાળતા, આયુષ્યમાન યોજનાથી અમે તેમને નિઃશૂલ્ક સારવાર આપી છે. જન ઔષધિ કેન્દ્ર સસ્તી દવા મળે તે માટે દેશભરમાં ખોલ્યા છે. 

પ્રવચનમાં મોદીએ વિપક્ષોના નામ જોગ સીધા પ્રહાર કરવાનું ટાળીને દેશ અને ગુજરાતમાં કરેલા વિકાસકાર્યો રજૂ કર્યા હતા. ગુજરાતના નાના-મધ્યમ લઘુ ઉદ્યોગોરાજ્યની સાચી તાકાત ગણાવીને વડાપ્રધાને કહ્યું  અગાઉ ગુજરાતના ઉદ્યોગો એટલે વાપીથી વડોદરા સુધી સીમિત હતા, આજે મોરબીનો ટાઈલ્સ ઉદ્યોગ જામનગરના બ્રાસ પાર્ટ કે રાજકોટના ઓઈલ એન્જીન સહિત રાજ્યભરમાં ઉદ્યોગો વિકસ્યા છે, ફાર્મા કંપનીઓ ગુજરાતમાં એકમો સ્થાપી રહી છે.  ગુજરાતમાં વીસ વર્ષ પહેલા ૧૧૦૦ મેડીકલ બેઠકો હતી તે આજે ૮૦૦૦ થઈ છે, પહેલા ૮ મેડીકલ કોલેજો હતી જે આજે ૩૦ છે. સરકાર પ્રત્યેક જિલ્લામાં મેડીકલ કોલેજ સ્થાપવા માંગે છે. વિશ્વનું સૌથી ઉંચામાં ઉંચુ, સ્ટેચ્યુ  ઓફ યુનિટી સ્થાપીને ગુજરાતે તેની તાકાતનો પરચો આપ્યો છે. રોરો ફેરી સર્વિસ આજે કાર્યરત થઈ છે. આ સાથે તેમણે  અગાઉ  દિલ્હીમાં એવી સરકાર હતી કે ગુજરાત કોઈ વિકાસ યોજના મુકે તો પ્રોજેક્ટને બદલે તેમને મોદી જ દેખાતા અને પ્રોજેક્ટ નામંજુર કરી દેતા કહીને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. 

વડાપ્રધાને હોસ્પિટલના ઉદ્ધાટન બાદ આગવા અંદાજમાં કહ્યું કારખાનાનું ઉદ્ધાટન કરીએ તો ધમધોકાર ચાલે એવી શુભેચ્છા અપાય, હોસ્પિટલમાં તો આમ ન  કહેવાય..કહીને કહ્યું હોસ્પિટલો ખાલી રહે તેવો સમાજ સ્વસ્થ રહે તેવું વાતાવરણ સર્જવું છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુશાસનના આઠ વર્ષ પૂરા કરવા બદલ વડાપ્રધાનને અભિનંદન આપીને જણાવ્યું કે અગાઉ સારવાર માટે ગુજરાતમાં દૂર દૂર જવું પડતું પણ હવે અંતરિયાળ ગામોમાં સુવિધા ઉપલબ્ધ થાય છે. ગરીબ,મધ્યમવર્ગની જીવનભરની બચત બિમારીની સારવારમાં ન ખર્ચાય જાય તે માટે પીએમજય યોજના અમલી કરી ૨.૨૫ કરોડ લોકોને સુરક્ષાકવચ આપ્યું છે. રાજ્યમાં ૮ નવી મેડીકલ કોલેજ બનાવવા સરકાર આગળ વધી રહી છે. 

વડાપ્રધાનની સાથે મંચ ઉપર વજુભાઈ વાળા, કેન્દ્રીય મંત્રીઓ ડો.મહેન્દ્ર મુંજપરા, મનસુખ માંડવિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ,પુરૂષોત્તમ રૂપાલા, જીતુ વાઘાણી, પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા.પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.  વડાપ્રધાને હોસ્પિટલના ઉદ્ધાટન બાદ તબીબી સ્ટાફ સાથે વાતચીત કરી કામગીરીને બીરદાવી હતી.  ૩૩ મિનિટના સંબોધનમાં મોદીએ વિપક્ષો પર સીધા પ્રહારને બદલે ગુજરાત અને દેશમાં ભાજપ સરકારે કરેલા કાર્યો વર્ણવ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહેલી વાર જસદણ આવ્યા મોદીની સભામાં સંતો,રાજવીથી માંડીને આમ નાગરિકોની હાજરી  અગાઉ વડાપ્રધાન નરેન્દ્રભાઈ સંઘના પ્રચારક તરીકે જસદણમાં અનેકવાર આવી ચૂક્યા છે

-આટકોટમાં વડાપ્રધાન મોદીની સભામાં રાજકોટના મહારાજા માંધાતાસિંહજી જાડેજા, જસદણના રાજવી સત્યજીતકુમાર ખાચર, યુવરાજ રવિરાજસિંહ ખાચર, વાંકાનેરના રાજવી કેસરીસિંહજી, ગોંડલના રાજવી હિમાશુંસિંહજી સહિત અનેક રાજવી હાજર રહ્યા હતા.

-સ્વામિનારાયણ સંપ્રદાય તથા અનેક પ્રસિધ્ધ યાત્રાધામોના સંતો એક સાથે કાર્યક્રમમાં હાજરી આપી હતી અને જયશ્રી રામના નારાથી તેમનું સ્વાગત કરાયું હતું.

-વડાપ્રધાને પ્રવચન શરૂઆતમાં હિન્દીમાં પછી ગુજરાતીમાં કર્યું હતું.

-બહુ ઓછા લોકોને ખ્યાલ હશે પરંતુ, નરેન્દ્ર મોદી વડાપ્રધાન  બન્યા પહેલા જસદણમાં સંઘના પ્રચારક તરીકે અનેકવાર કાપડનો થેલો અને સાયકલ લઈને આવી ચૂક્યા છે અને સ્થાનિક અગ્રણી અશોક મહેતાના ઘરે ઉતરતા. અદભૂત સ્મરણશક્તિ ધરાવતા મોદી તેમના જુના સંબંધો કદિ ભુલતા નથી. 

-કાર્યક્રમમાં સંખ્યા,લોકોના પ્રત્યાઘાતો પર આઈ.બી.થી માંડીને ભાજપના દિગ્ગજ નેતાઓની બાજ નજર રહી હતી.

-રાજકોટના આજી ડેમ ચોકડી આગળ ભાજપના કિરીટ પાઠક સહિતની એક ટીમ તૈનાત હતી જે ક્યા વાહનમાં કેટલા લોકો આવ્યા તેની અપટુડેટ નોંધ કરતા હતા.

-વડાપ્રધાનની ચૂસ્ત સુરક્ષાના પગલે આટકોટ આજુબાજુની હોટલો અર્ધો દિવસ બંધ કરાઈ હતી. સર્કિટહાઉસ,એરપોર્ટ પર પણ ચૂસ્ત બંદોબસ્ત હતો.

-કાર્યક્રમમાં ભાજપના લગભગ તમામ ધારાસભ્યો, સાંસદો, પૂર્વ મંત્રીઓ શિક્ષણ સમિતિ ચેરમેનથી માંડીને મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. 

-રાદડીયા-બાવળિયા સાથે  વિજય રૂપાણી સહિત રાજકોટ ભાજપના નેતાઓએ સામુહિક રીતે મોદીનું સન્માન કર્યું હતું તો તે પહેલા સી.આર.પાટિલ અને ભરત બોઘરાએ જસદણમાં બનતી આરતીનું મશીન અર્પણ કર્યું હતું. 

-વડાપ્રધાનના સ્વાગત માટે કેસરી રંગની સાડીમાં પરિધાન સેંકડો મહિલાઓએ આકર્ષણ જમાવ્યું હતું.

-કાર્યક્રમ સ્થળે પાંચ ડોમ ઉભા કરાયા હતા જે ચિક્કાર ભરાયા હતા. 

જસદણના આટકોટમાં વડાપ્રધાનની હાજરીમાં  પટેલ સમાજના મોટા પ્રસંગમાં નરેશ પટેલની જ ગેરહાજરી! ખોડલધામના પૂર્વ ચેરમેન પરેશ ગજેરાએ કહ્યું ૨ લાખ ખુરશી રાખી હતી તે પણ ઘટી પડી છે

રાજકોટ, : પાટીદારોની નોંધપાત્ર વસ્તી ધરાવતા જસદણ પંથકમાં અગાઉ સામાન્ય કાર્યક્રમમાં પણ હાજર રહેલા ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ આજે વડાપ્રધાનની હાજરીમાં ગુજરાતભરમાંથી પટેલ આગેવાનો,મંત્રીઓ, નેતાઓની હાજરી છતાં તેઓ ગેરહાજર રહેતા ચર્ચા જાગી હતી. નરેશ પટેલની ગેરહાજરી છતાં જંગી જનમેદની ઉમટી હતી. ખોડલધામ ટ્રસ્ટના જ પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું કે આશરે 2 લાખ ખુરશીઓ પાંચ ડોમમાં રાખી હતી તે ભરાઈ ગઈ અને હજારો લોકો બહાર ઉભા હતા.  બીજી તરફ બાવળિયાના ગઢમાં ભાજપે બોઘરાને ભાજપના નેતા તરીકે પાર્ટીએ પ્રસ્થાપિત કરી દીધા છે અને ગામમાં ચર્ચા જાગી હતી કે હવે ભરત બોઘરાને ટિકીટ પણ મળશે.