×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે સાંજ સુધીમાં વાવાઝોડા પ્રભાવિત આઠ જિલ્લાઓના કલેક્ટરોને નુકસાનીનો પ્રાથમિક રજૂ કરવા આદેશ



ગાંધીનગરઃ ગુજરાતના દરિયાકાંઠે ગુરુવારે રાત્રે ‘બિપરજોય’ વાવાઝોડું ટકરાયા બાદ પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે સીધા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. SEOC ખાતે મુખ્ય સચિવ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી તેમણે વિગતવાર માહિતી મેળવી હતી.હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું સાંજે ગુજરાતને ઓળંગશે, ત્યારબાદ ધીરે ધીરે પવનની ગતિ ઘટશે. હજુ પણ પ્રભાવિત જિલ્લાઓમાં પવનની ગતિ વધુ હોવાથી કચ્છ, દ્વારકા, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. સરકારે હાલમાં વાવાઝોડાથી થયેલા નુકસાનનો તાગ મેળવ્યો છે. પરંતુ આઠ જિલ્લાના કલેક્ટરોને આજે સાંજ સુધીમાં નુકસાનીનો પ્રાથમિક અહેવાલ રજૂ કરી દેવા આદેશ કર્યો છે. 

કલેક્ટરોને નુકસાનીનો રિપોર્ટ રજૂ કરવા આદેશ
ગુજરાતના દરિયાકાંઠે ટકરાયેલા વાવાઝોડાએ સમગ્ર રાજ્યમાં થોડુ ઘણું નુકસાન પહોંચાડ્યું છે. વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં થઈ છે. કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર અને મોરબી સહિતના આઠ જિલ્લાઓમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. મુખ્યમંત્રીએ આજે SEOC ખાતે વિવિધ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં પ્રાથમિક નુકસાનીનો તાગ મેળવ્યો હતો. પરંતુ ખરેખર કેટલું નુકસાન થયું છે તેનો રિપોર્ટ આજે સાંજ સુધીમાં રજૂ કરી દેવા આઠ જિલ્લા કલેક્ટરોને આદેશ કર્યો છે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જે તે વિભાગના સેક્રેટરી ઉપસ્થિત રહી વિભાગ જનજીવન સામાન્ય બની રહે એ માટે કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છે એ સંદર્ભે માહિતગાર કર્યા હતા અને ભવિષ્યના પ્લાનિંગ સંદર્ભે જાણ કરી હતી.

રાજ્યમાં એકપણ માનવ મૃત્યુ નહીં થયું હોવાની સ્પષ્ટતા
બિપરજોય વાવાઝોડાની આટલી ભયાનકતા હોવા છતાં પણ રાજ્યમાં એકપણ માનવ મૃત્યુ ના થયું હોવાની સ્પષ્ટતા રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ કરી છે. તેમને સ્પષ્ટ કર્યું છે કે પ્રભાવિત 8 જિલ્લાઓમાં વાવાઝોડાથી અત્યાર સુધી એક પણ માનવ મૃત્યુ નથી થયું. જે તમામના સહિયારા પ્રયાસથી શક્ય બન્યું છે. વાવાઝોડાની ગંભીરતાને સમજી સમગ્ર રાજ્યમાં એક લાખ કરતા પણ વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમને હવે લોકલ તંત્ર પુનઃ એમના નિવાસ સ્થાને જવાની મંજૂરી સ્થિતિને સમજ્યા બાદ સાંજે લેવાશે. વાવાઝોડામાં અત્યાર સુધીમાં 23 લોકો ઈજાગ્રસ્ત થયાં છે અને 24 પશુઓના મોત થયાં છે. તે ઉપરાંત પ્રભાવિત જિલ્લાઓમાં 20 કાચા મકાન, 9 પાકા મકાન અને 65 જેટલા ઝૂંપડા સંપૂર્ણ રીતે ધરાશાયી થયા છે. જ્યારે 474 જેટલા કાચા મકાન અને 2 પાકા મકાનને અંશતઃ નુકશાન થયું છે.