×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે મતદાર જ રાજા : ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન


- 19 જિલ્લાની 89 બેઠક માટે 788 ઉમેદવારો મેદાનમાં

- સૌરાષ્ટ્ર-કચ્છની 54, દક્ષિણ ગુજરાતની 35 બેઠકોના ઉમેદવારોનું ભાવિ આજે 2.39 કરોડ મતદારો ઈવીએમમાં કેદ કરશે : સવારે 8 થી સાંજે 5 સુધી મતદાન

- ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા, હર્ષ સંઘવી, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, છોટુ વસાવાનું રાજકીય ભવિષ્ય નક્કી થશે

અમદાવાદ : છેલ્લી કેટલાક સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે ઘડી આખરે આવી પહોંચી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોનું મતદાન આવતીકાલે યોજાશે. વિવિધ પક્ષ-ઉમેદવારોએ છેલ્લા ચાર સપ્તાહમાં ઉમેદવારો-પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. હવે તેમના ભાવિનો ફેંસલો આવતીકાલે મતદારો દ્વારા કરવામાં આવશે. આવતીકાલે  સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લામાં યોજાનારા મતદાન માટે કુલ ૭૮૮ ઉમેદવારો મેદાનમાં છે. આવતીકાલે સવારે ૮ થી સાંજે ૫ દરમિયાન ૧૪૩૮૨ મતદાન મથક સ્થળો પર ૨૫૪૩૦ મતદાન મથકો ખાતે પવિત્ર અવસર યોજાવાનો છે. પ્રથમ તબક્કામાં ૨.૩૯ કરોડ મતદારો દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે. લોકશાહીના આ મહાપર્વમાં પોતાના મતાધિકાર થકી સહભાગી થવા તમામ મતદારોને રાજ્યના ચૂંટણી પંચ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

છેલ્લા કેટલાક સમયમાં મતદારોને રીઝવવા વિવિધ વચનોની લ્હાણી, ઉમેદવારોનો એકમેક પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ બાદ હવે મતદાનની ઘડી આવી પહોંચી છે. પ્રથમ તબક્કાની ૮૯ બેઠકોમાં જ્યાં મતદાન થવાનું છે તેમાંથી ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપે ૪૮ જ્યારે કોંગ્રેસે ૪૦માં વિજય મેળવ્યો હતો. આ સિવાય અન્ય એક બેઠક અપક્ષે જીતી હતી. ભાજપ -કોંગ્રેસ દ્વારા તમામ ૮૯ બેઠક જ્યારે આમ આદમી પાર્ટીએ ૮૮ બેઠકોમાં ઉમેદવારો ઉતર્યા છે. આમ આદમી પાર્ટીએ પણ તમામ ૮૯ બેઠકમાં ઉમેદવાર ઉતાર્યા હતા. પરંતુ 'આપ' ના સુરત પૂર્વના ઉમેદવારે નાટયાત્મક રીતે નામ પરત ખેંચી લીધું હતું.  આ ઉપરાંત કચ્છની અબડાસા બેઠકના 'આપ' ના ઉમેદવારે તાજેતરમાં જ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી.  જેના કારણે 'આપ' ના કુલ ઉમેદવારની સંખ્યા ૮૭ થઇ ગઇ છે. બીએસપીએ ૫૭, બીટીપીએ ૧૪, સીપીઆઇ-એમ દ્વારા ચાર ઉમેદવારોને ટિકિટ આપી છે. કુલ ૩૩૯ અપક્ષ ઉમેદવારો પણ પોતાનું નસિબ અજમાવી રહ્યા છે. કુલ ૭૮૮ ઉમેદવારોમાંથી ૭૦ મહિલા છે. જેમાંથી ૯ને ભાજપ, ૬ને  કોંગ્રેસ અને પાંચને 'આપ' દ્વારા ટિકિટ આપવામાં આવી છે. 'આપ' ના મુખ્યમંત્રીપદનો ચહેરો ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી,જીતુ વાઘાણી, પરષોત્તમ સોલંકી, લલિત કગથરા, લલિત વસોયા, સાત વખતના ધારાસભ્ય છોટુ વસાવાના ભાવિનો આવતીકાલે ફેંસલો થઇ જશે. 

સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ અને દક્ષિણ ગુજરાતની ૩૫ બેઠક તમામ પક્ષ માટે અત્યંત મહત્વની પુરવાર થશે. ૨૦૧૭માં સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪માંથી ૩૦ બેઠક કોંગ્રેસે, ભાજપે ૨૩ બેઠક જ્યારે ૨૦૧૨માં ભાજપે ૩૫ બેઠકમાં વિજય મેળવ્યો હતો. આમ, કોંગ્રેસ ૨૦૧૭ કરતાં સારો દેખાવ કરવા જ્યારે ભાજપ ૨૦૧૨ કરતાં પણ સારો દેખાવ કરવા પ્રયાસ કરશે. 

છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીના પરિણામ

-

 

૨૦૧૭

 

 

૨૦૧૨

 

 

રીજિયન

કુલ બેઠક

ભાજપ

કોંગ્રેસ

અન્ય

ભાજપ

કોંગ્રેસ

અન્ય

સૌરાષ્ટ્ર-કચ્છ

૫૪

૨૩

૩૦

૦૧

૩૬

૧૬

૦૩

દ.ગુજરાત

૩૫

૨૫

૧૦

૦૦

૨૮

૦૬

૦૧


પ્રથમ તબક્કાનું મતદાન : એક નજર

કુલ બેઠક : ૮૯

કુલ જિલ્લા : ૧૯

કુલ મતદારો : ૨.૩૯ કરોડ

કુલ ઉમેદવારો : ૭૮૮

રાજકીય પક્ષો : ૩૯

મતદાન મથક સ્થળ : ૧૪,૩૮૨

મતદાન મથકો : ૨૫,૪૩૦

ફર્સ્ટ ટાઇમ વોટર્સ : ૫.૭૪ લાખ

૯૦થી વધુ વયના : ૪૯૪૫

એનઆરઆઇ મતદારો : ૧૬૧