×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'આગામી 30થી 40 વર્ષ ભાજપના, દેશ વિશ્વગુરુ બનશે' : અમિત શાહ


હૈદરાબાદ, તા. 03 જુલાઈ 2022 રવિવાર

ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હૈદરાબાદમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં કહ્યુ કે આગામી 30થી 40 વર્ષ સુધીનો સમય ભાજપનો હશે અને આ દરમિયાન ભારત વિશ્વ ગુરુ બની જશે. વંશવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણ આ દેશની રાજનીતિ માટે મોટો અભિશાપ હતો, જે દેશની પીડાનુ કારણ હતુ.

ગૃહ મંત્રીએ કહ્યુ કે ભાજપ તેલંગાણા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પારિવારિક શાસનને ખતમ કરી દેશે અને આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને ઓડિશા સહિત અન્ય રાજ્યોમાં પણ સત્તામાં આવશે. 2014થી કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ આ રાજ્યોમાં સત્તાની બહાર છે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક

અમિત શાહે તાજેતરમાં જ આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના તે નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો, જેમાં દિવંગત સાંસદ એહસાન જાફરીના પત્ની જાકિયા જાફરીની અરજી ફગાવી દેવાઈ હતી. અરજીમાં ગુજરાતમાં 2002ના રમખાણોના સંદર્ભમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને SITની ક્લીન ચિટને પડકારવામાં આવી હતી. અમિત શાહે કહ્યુ કે પીએમ મોદીએ હુલ્લડોમાં પોતાની કથિત ભૂમિકાને લઈને એસઆઈટીની તપાસનો સામનો કર્યો અને બંધારણમાં પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો. 

પીએમ મોદીએ ભગવાન શિવની જેમ પોતાના ઉપર ફેંકવામાં આવેલા તમામ ઝેરને પચાવી લીધા. ગૃહ મંત્રીએ દાવો કર્યો કે કોંગ્રેસ પરિવારની પાર્ટી બની ગઈ છે, જેનાથી કેટલાક સભ્ય પાર્ટીની અંદર લોકતંત્ર માટે લડી રહ્યા છે. ગાંધી પરિવાર આંતરિક સંગઠનાત્મક ચૂંટણી થવા દેતો નથી કેમ કે તેને પાર્ટી પરનુ નિયંત્રણ ગુમાવવાનો ડર છે. તેમણે કહ્યુ કે વિપક્ષ અસંતુષ્ટ છે અને સરકાર જે કંઈ પણ સારૂ કરે છે તે તેનો વિરોધ કરતુ રહે છે.