×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આગામી સપ્તાહ આખા વિશ્વ માટે ચિંતાજનક, ચીનમાં કોરોનાને લઈને મોટો રિપોર્ટ

બેઈજિંગ, તા.23 ડિસેમ્બર-2022, શુક્રવાર

ચીનમાં કોવિડ-19ના કારણે સ્થિતિ બગડી રહી છે. આરોગ્ય અધિકારીઓએ કહ્યું કે આ અઠવાડિયે કોરોના કેસોમાં વધારો થશે. લંડન સ્થિત ગ્લોબલ હેલ્થ ઈન્ટેલિજન્સ કંપની એરફિનિટીએ કહ્યું કે, આ અઠવાડિયે એક દિવસમાં લગભગ 37 મિલિયન (3.7 કરોડ) લોકો કોરોના સંક્રમિત થઈ શકે છે. અહેવાલ અનુસાર ચીનમાં દરરોજ 10 લાખ કેસ સામે આવી રહ્યા છે અને 5 હજાર લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. જો કે ગુરુવારના દિવસે સત્તાવાર આંકડામાં માત્ર 4 હજાર કેસ નોંધાયા હતા. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ચીનના નેશનલ હેલ્થ કમિશનની બુધવારે આંતરિક બેઠક અનુસાર ડિસેમ્બરના પ્રથમ 20 દિવસમાં ઓછામાં ઓછા 248 મિલિયન લોકો અથવા ચીનની લગભગ 18% વસ્તી કોરોનાથી સંક્રમિત થવાની સંભાવના છે. જો અંદાજો સાચા નીકળશે તો જાન્યુઆરી-2022માં સંક્રમિત દર લગભગ 4 મિલિયનનો દૈનિક રેકોર્ડ પણ તોડી શકે છે. અહેવાલો મુજબ ચીનના દક્ષિણ પશ્ચિમમાં સિચુઆન પ્રાંત અને રાજધાની બેઇજિંગના અડધાથી વધુ રહેવાસીઓ સંક્રમિત થયા છે.

કોરોનાનું ડેઈલી ડેટા ટ્રેકિંગ પણ બંધ

ચીનના આરોગ્ય નિયમનકારે કોવિડની નવી લહેર કેવી રીતે આવી તે અંગે સ્પષ્ટતા કરી નથી. જો કે અહેવાલો સૂચવે છે કે કોવિડની નવી લહેર ચીનની પોતાની બેદરકારીથી શરૂ થઈ છે. આ મહિનાની શરૂઆતમાં ચીને RT-PCR ટેસ્ટિંગ બૂથ બંધ કર્યા હતા. કોરોના કેસો વધતા જતા હોવા છતાં ચીને કોરોનાના દૈનિક ડેટાને ટ્રેક કરવાનું પણ બંધ કરી દીધું હતું, જેના કારણે સાચા અને પૂરતા આંકડા મળી શક્યા નથી.

જિનપિંગ કોવિડ સમીક્ષા બેઠક યોજશે

ચીનના બેઈજિંગ, સિચુઆન, અનહુઈ, હુબેઈ, શાંઘાઈ અને હુનાનમાં હાલત ખુબ જ ખરાબ થઈ રહી છે. સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પહેલીવાર શનિવાર 24મી ડિસેમ્બરે અથવા રવિવારે 25મી ડિસેમ્બરે કોવિડ સમીક્ષા બેઠક યોજી શકે છે.

કોવિડ ગાઈડલાઈનની તૈયારી

આ બેઠકમાં ક્રિસમસ અને નવા વર્ષ પર ભીડ થતી અટકાવવા રણનીતિ તૈયાર કરાઈ શકે છે. ક્રિસમસ અને નવા વર્ષ માટે જિનપિંગ સરકાર કોઈ વિશેષ ગાઈડલાઈન પણ જારી કરી શકે છે. માનવામાં આવે છે કે આ બેઠક બાદ જિનપિંગ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી શકે છે.

કોરોનાના આંકડા છુપાવવાનો આરોપ

દરમિયાન જિનપિંગ સરકાર પર કોરોનાના આંકડા છુપાવવાનો આરોપ પણ લાગ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં કોરોનાને કારણે માત્ર 8 લોકોના મૃત્યુ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર માત્ર 20મી ડિસેમ્બરે ચીનમાં 36 મિલિયન કેસ નોંધાયા હતા. તો 19મી નવેમ્બરથી 18મી ડિસેમ્બર સુધીમાં ચીનમાં 11 લાખ લોકોએ ડેથ સર્ટીફિકેટ માટે ઓનલાઈન અરજી કરી છે. બેઇજિંગ અને શાંઘાઈમાં 60-60, જ્યારે ચેંગડુમાં 40 નવા કબ્રસ્તાન બનાવાઈ રહ્યા છે.

ચીનમાં દવાઓની અછત

ચીનમાં દવાઓની ભારે અછત હોવાના અહેવાલ છે. માંગને પહોંચી વળવા ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ઓવરટાઇમ કરાઈ રહ્યો છે. તો ચીન સરકાર દ્વારા પણ કેટલીક વ્યવસ્થા ઉભી કરાઈ છે. સરકારે તાવ, શરીરના દુઃખાવા અને માથાના દુઃખાવા માટે મફત દવાની જાહેરાત કરી છે. ચીનના મેડિકલ સ્ટોર્સમાં N-95 માસ્ક અને એન્ટિજેન ટેસ્ટિંગ કીટની પણ અછત સર્જાઈ છે. માંગને જોતા જિનપિંગ સરકારે 100થી વધુ નવી કંપનીઓને લાઇસન્સ પ્રોવાઈડ કર્યા છે.