×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ, 3 માળની ઈમારત ધસી પડી, 17ના મોત, 100થી વધુ લાપતા


- ગુરૂવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે ચેયુરૂ નદીમાં તોફાન સર્જાયુ છે જેથી કડપ્પા એરપોર્ટને 25 નવેમ્બર સુધી બંધ કરી દેવામાં આવ્યું

નવી દિલ્હી, તા. 20 નવેમ્બર, 2021, શનિવાર

આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદના પગલે ભારે તબાહી વ્યાપી છે. જાણવા મળ્યા મુજબ અતિ ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે અને 100 કરતા પણ વધારે લોકો લાપતા છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી રહી છે અને અનેક વિસ્તારોમાં મકાનો ધસી પડ્યા છે. 

મોડી રાતે ભારે વરસાદના કારણે અનંતપુર જિલ્લાના કાદરી વિસ્તારમાં એક જૂની 3 માળની ઈમારત ધસી પડતા 3 બાળકો અને એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું છે. ઈમારતના કાટમાળમાં હજુ પણ 4 કરતા વધારે લોકો ફસાયેલા છે અને રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. 

તે સિવાય સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે, તિરૂપતિના ટેમ્પલ ટાઉનમાં પૂરના કારણે અનેક લોકો ફસાયેલા છે. તિરૂપતિના બાહરી વિસ્તારની સ્વર્ણમુખી નદીમાં પૂર આવ્યું છે, જળાશયોમાં પાણી ભરાયા છે અને અનેક લોકો પૂરમાં ફસાયા છે. ઘાટ રોડ અને તિરૂમાલા હિલ્સના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સ્થિતિને સંભાળવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય ડિઝાસ્ટર ટીમો તૈનાત કરવામાં આવી છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. 

પૂરના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે તથા રેલવે, રસ્તા અને હવાઈ યાત્રા પ્રભાવિત થઈ છે. તેમાં રાયલસીમા ક્ષેત્ર સૌથી વધારે પ્રભાવિત થયું છે. રાજ્યના ચિત્તૂર, કડપા, કુરનૂલ અને અનંતપુર જિલ્લાને ભારે અસર પહોંચી છે. ગુરૂવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે ચેયુરૂ નદીમાં તોફાન સર્જાયુ છે જેથી કડપ્પા એરપોર્ટને 25 નવેમ્બર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.