×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અશરફ ગની સાથેના અંતિમ ફોન કોલમાં બાઈડેને માંગ્યો હતો પ્લાન, 14 મિનિટના ફોન કોલ અંગેના ખુલાસા


- પાકિસ્તાને 10-15 હજાર આતંકવાદીઓ પણ આપ્યા છે જેથી તાલિબાન અને પાકિસ્તાની આતંકવાદી અફઘાની સેના સામે લડી શકે

નવી દિલ્હી, તા. 01 સપ્ટેમ્બર, 2021, બુધવાર

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાના 2 દશકાના જંગનો અંત આણ્યો છે. 30 ઓગષ્ટના રોજ અમેરિકી સેનાએ કાબુલ એરપોર્ટ છોડી દીધું હતું અને તે સાથે જ તાલિબાને અફઘાનિસ્તાન પર સંપૂર્ણ કબજો મેળવી લીધો છે. તાલિબાને છેલ્લા એક મહિનામાં જોતજોતામાં નાટકીય ઢંગથી આખા દેશ પર કબજો કરી લીધો પરંતુ જ્યારે આ બધું બની રહ્યું હતું ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને અફઘાનિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અશરફ ગની વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. તેમાં તાલિબાન વિરૂદ્ધની લડાઈ અંગે ચર્ચા થઈ હતી. 

23 જુલાઈના રોજ જો બાઈડેન અને અશરફ ગની વચ્ચે 14 મિનિટ લાંબી વાતચીત થઈ હતી જેમાં જો બાઈડેને અફઘાનિસ્તાનને આપવામાં આવી રહેલી સૈન્ય મદદ અંગે ચર્ચા કરી હતી. સાથે જ તેમણે અશરફ ગનીને કહ્યું હતું કે, તેમણે તાલિબાન વિરૂદ્ધની લડાઈને લઈ છબિ બદલવાની જરૂર છે કારણ કે, અફઘાનિસ્તાન અને વિશ્વમાં તે છબિ ખરાબ થઈ રહી છે. 

આ ફોન કોલના આશરે 2 સપ્તાહ બાદ અશરફ ગનીએ કાબુલ છોડી દીધું હતું. 15 ઓગષ્ટના રોજ તાલિબાને કાબુલના રાષ્ટ્રપતિ પેલેસ પર કબજો જમાવ્યો હતો અને તેના 15 દિવસ બાદ અમેરિકાએ સંપૂર્ણપણે અફઘાનિસ્તાન છોડી દીધું હતું. તે સાથે જ 20 વર્ષથી ચાલી રહેલી લડાઈનો અંત આવ્યો હતો. 

અશરફ ગનીને પ્લાન આપવા કહ્યું

જો બાઈડેને અશરફ ગનીને કહ્યું હતું કે, તેઓ ત્યારે જ સૈન્ય મદદ આપશે જ્યારે તેઓ સાર્વજનિક રીતે તાલિબાનને રોકવાનો પ્લાન સામે રાખશે. જો બાઈડેને કહ્યું હતું કે, અમારી તરફથી હવાઈ સપોર્ટ મળતો રહેશે પરંતુ અમને ખબર હોવી જોઈએ કે આગળનો પ્લાન શું છે. આ ફોન કોલના થોડા દિવસો પહેલા જ અમેરિકાએ અફઘાન આર્મીનું સમર્થન કરીને તાલિબાન વિરૂદ્ધ એરસ્ટ્રાઈક કરી હતી. 

અમેરિકી રાષ્ટ્રપતિ ઈચ્છતા હતા કે, અશરફ ગની દ્વારા જનરલ બિસ્મિલ્લાહ ખાનને તાલિબાન સામે લડવાની જવાબદારી આપવામાં આવે, જે તે સમયે સંરક્ષણ મંત્રી હતા. અફઘાનિસ્તાન પોતાનો પ્લાન સામે રાખે, બિસ્મિલ્લાહ ખાનને કમાન સોંપે અને ત્યાર બાદ અમેરિકા મદદ વધારવા તૈયાર હતું. જો બાઈડેને વિશ્વાસ આપ્યો હતો કે, અમેરિકી સેનાએ જે 3 લાખ અફઘાની સૈનિકોને તૈયાર કર્યા છે તેઓ 70-80 હજાર તાલિબાનીઓનો સામનો કરી શકે છે. 

જોકે તે વાતચીતનું સંપૂર્ણ ફોકસ અફઘાન સરકારના વલણને લઈ હતું. જો બાઈડેન દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે, અશરફ ગની સરકારનું વલણ તાલિબાન વિરૂદ્ધની લડાઈ માટે સીરિયસ નથી, તેનો વિશ્વમાં ખોટો સંદેશો જઈ રહ્યો છે. આ કારણે અમેરિકાએ સલાહ આપી હતી કે અફઘાનિસ્તાન સંપૂર્ણ રાજકીય લીડરશિપ સાથે આવીને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ, તાલિબાન વિરૂદ્ધ રણનીતિજાહેર કરવી જોઈએ જેથી છબિ બદલી શકાય. 

અશરફ ગનીએ પાકિસ્તાનનો ડર બતાવ્યો

રોયટર્સ દ્વારા જે વાતચીતનો દાવો કરવામાં આવ્યો છે, તેને જોતા લાગે છે કે, અમેરિકી રાષ્ટ્રપતિએ પૂરતો પ્રયત્ન કર્યો હતો કે અફઘાન સેનાને મદદ પહોંચાડી શકાય. તે વાતચીત દરમિયાન તેમને બિલકુલ અંદાજો નહોતો કે આગામી એક મહિનામાં અફઘાનિસ્તાનનું ભવિષ્ય કઈ રીતે સંપૂર્ણપણે બદલાવાનું છે. 

આ વાતચીતમાં અશરફ ગનીએ અમેરિકી રાષ્ટ્રપતિને પાકિસ્તાનને લઈ ચેતવણી આપી હતી. ગનીએ કહ્યું હતું કે, તાલિબાન સંપૂર્ણ તાકાત સાથે ફરી એક વખત હુમલો કરી રહ્યું છે, તેમાં પાકિસ્તાન તરફથી તેને સંપૂર્ણ ટેકો આપવામાં આવી રહ્યો છે. તે સિવાય પાકિસ્તાને 10-15 હજાર આતંકવાદીઓ પણ આપ્યા છે જેથી તાલિબાન અને પાકિસ્તાની આતંકવાદી અફઘાની સેના સામે લડી શકે.