×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અરૂણાચલ સરહદે ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ : આર્મીએ ૩૦૦ સૈનિકોને ભગાડયા


- એલએસી સરહદના તવાંગ સેક્ટરમાં ૯મી ડિસેમ્બરે ઘર્ષણ થયું હતું, હાલ સ્થિતિ નિયંત્રણમાં

- ભારતના છ ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં ખસેડાયા, ચીનના અનેક સૈનિકો પણ ઘાયલ : બંને દેશના લશ્કરી કમાન્ડર વચ્ચે ઈમરજન્સી ફ્લેગ મીટિંગ યોજાઈ

નવી દિલ્હી : ભારત-ચીનની સરહદે બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. ભારતની સરહદે ઘૂસી આવેલા ૩૦૦ જેટલા ચીની સૈનિકોને ભારતના જવાનોએ ભગાડી મૂક્યા હતા. ઝપાઝપીના કારણે બંને પક્ષે સૈનિકો ઘાયલ થયા હતા. ભારતના છ સૈનિકોને ઈજા પહોંચી હતી. ચીનના અનેક સૈનિકો ઘાયલ થયા હતા. અરૂણાચલના તવાંગ સેક્ટરમાં આ ઘર્ષણ થયું હતું. બંને દેશના સ્થાનિક કમાન્ડર્સ વચ્ચે અરજન્ટ ફ્લેગ મીટિંગ મળી હતી, એમાં બંને દેશના લશ્કરી અધિકારીઓ શાંતિ જાળવવા સહમત થયા હતા. આ સેક્ટરમાં ૨૦૦૬થી વિવાદ ચાલી રહ્યો છે. આ વિસ્તારમાં ચીની સૈન્ય ઘૂસણખોરી કરી વિવાદ સર્જે છે.

અરૂણાચલ પ્રદેશમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી)ના તવાંગ સેક્ટરમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ઝપાઝપીમાં બંને દેશના સૈનિકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. વધારે ઈજાગ્રસ્ત થયેલા છ ભારતીય જવાનોને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું સંરક્ષણ મંત્રાલયના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં દાવો કરાયો હતો. ચીનના અનેક સૈનિકો પણ આ ઝપાઝપીમાં ઈજા પામ્યા હતા. ભારતના જવાનોએ લગભગ ૩૦૦ ચીની સૈનિકોને મારી ભગાડયા હતા. આ ચીની સૈનિકો ગેરકાયદે ભારતના વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા, જેને ભારતીય સૈનિકોએ પડકાર્યા હતા અને પાછા જવા કહ્યું હતું, પરંતુ ભારતની સરહદમાં ઘૂસી આવતા સૈનિકોનો આખરે ભારતીય જવાનોએ સામનો કર્યો હતો. આ ઘટના ૯મી ડિસેમ્બરે બની હતી. દાવો તો ત્યાં સુધી થાય છે કે ચીની સૈનિકો તવાંગ સેક્ટરમાંથી એક ભારતીય પોસ્ટને હટાવવાના ઈરાદે ઘૂસી આવ્યા હતા.

૧૭ હજાર ફૂટની ઊંચાઈએ આ હિંસક અથડામણ થઈ હતી. એ પછી બંને દેશના એરિયા કમાન્ડર વચ્ચે ઈમરજન્સી ફ્લેગ મીટિંગ થઈ હતી. કમાન્ડર લેવલની આ બેઠકમાં બંને દેશોનું સૈન્ય એ સ્થળ ખાલી કરે એવી સહમતી થઈ હતી. તે ઉપરાંત આ વિસ્તારમાં શાંતિ જાળવવા પણ બંને દેશના લશ્કરી અધિકારીઓ સહમત થયા હતા એવું સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ કહ્યું હતું. ૨૦૦૬થી આ વિસ્તારના કેટલાક હિસ્સા પર ચીન પોતાનો દાવો કરે છે. તેના કારણે ૨૦૦૬થી તવાંગ સેક્ટરમાં ભારતીય સૈન્ય એલર્ટ છે. અગાઉ પણ આ સેક્ટરમાં ચીની સૈનિકો ઘૂસી આવ્યા હોવાના બનાવો બન્યા છે. ગયા વર્ષે જ ચીનના ૨૦૦ સૈનિકો આ સેક્ટરમાં ઘૂસી આવ્યા હતા. લગભગ બે કલાક સુધી ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ ચાલ્યું હતું. જોકે, એ વખતે હિંસક ઝપાઝપી થઈ ન હતી. 

લદાખ સરહદે ઝપાઝપીમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા

૧૫મી જૂન, ૨૦૨૦માં લદાખ સરહદે બંને દેશોના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. એ વખતે બંને દેશના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ભારતની સરહદમાં ગેરકાયદે ઘૂસી આવેલા ચીની સૈનિકોને પીછેહેઠ કરાવવા માટે ભારતના સૈનિકોએ પોતાનો જીવ આપી દીધો હતો. પ્રાણની આહૂતિ આપીને આ સૈનિકોએ સરહદની રખેવાળી હતી. એ હિંસક ઝપાઝપીમાં ચીનના ૩૮ સૈનિકો માર્યા ગયા હતા. એ ઘટના પછી કેન્દ્ર સરકારે ચીનની ટેકનોલોજી કંપનીઓ અને ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.