×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અરૂણાચલ સરહદે ભારત અને ચીનની સેના સામસામે


- LAC પર યુદ્ધ જેવી સ્થિતિ : વાતચીતનો દેખાડો કરી ચીન હુમલો કરવાની ફિરાકમાં 

- સરહદે ચીને 100થી વધુ પીસીએલ-181 હોવિત્ઝર તોપો, ટાઇપ પીસીએલ-191 રોકેટ લોન્ચર ગોઠવતાં ભારતે બોફોર્સ તોપો તૈનાત કરી

- ચીને એલએસી પાર જવાનોના રહેવા માટે ગામડાઓ ઉભા કર્યા, ભારતીય સૈન્ય એલર્ટ પર છે : લે. જનરલ મનોજ પાંડે

- કોઇ પણ ઇમર્જન્સી સામે પહોંચી વળવા સૈન્યને સતર્ક કરી દેવાયું છે, ચીકન નેક અને સિલીગુડી પર પણ નજર : ભારત

- ભારતે ચીન સરહદે હાલ બોફોર્સ, એમ-777 ઉપરાંત એલ70 એન્ટી-એરક્રાફ્ટ તોપો પણ તૈનાત કરી દીધી


નવી દિલ્હી : ચીન ફરી ભારતમાં ઘુસણખોરીની ફિરાકમાં છે. હાલમાં જ અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. એવામાં ફરી ભારત અને ચીન વચ્ચે તંગદીલી વધી રહી છે ત્યારે ભારતીય સૈન્ય એલર્ટ થઇ ગયું છે અને ચીન સરહદે બોફોર્સ તોપોને તૈનાત કરી દેવામાં આવી છે. અગાઉ પૂર્વી લદ્દાખમાં આ તોપો તૈનાત કરાઇ હતી જ્યારે આ વખતે અરુણાચલ પ્રદેશની સરહદે તૈનાત કરાઇ છે. ચીન વાતચીતની આડાશમાં હુમલા કરવાની તૈયારીમાં હોવાના અહેવાલો બાદ સૈન્ય એલર્ટ કરી દેવાયું છે. 

હાલમાં જ ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયા નાયડુની અરુણાચલ પ્રદેશની મુલાકાત સમયે ચીને વિરોધ કર્યો હતો અને ભારતના આ રાજ્યને પોતાનું ગણાવ્યું હતું. બન્ને દેશો વચ્ચે સરહદી વિવાદોને લઇને અનેક વખત સૈન્ય સ્તરની વાતચીત થઇ ચુકી છે. હાલમાં જ આવી એક વાતચીત યોજાઇ હતી પણ તેનું કોઇ જ પરીણામ નહોતુ આવ્યું. એક તરફ ચીન વાતચીતનો ઢોંગ કરી રહ્યું છે જ્યારે બીજી તરફ સરહદે ઘુસણખોરી કરી અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરી રહ્યું છે. 

બીજી તરફ ચીન પણ સરહદે પોતાની તાકાત વધારી રહ્યું છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીને હાઇ એલ્ટિટયૂડ વાળી ભારતીય સરહદ પર ૧૦૦થી વધુ એડવાંસ લોંગ રેંજ રોકેટ લોન્ચર્સને તૈનાત કર્યા છે. ચીનનું સૈન્ય હાલ હિમાલયની કડકડતી ઠંડીમાં કોઇ ગુપ્ત ઓપરેશન પાર પાડવાની તૈયારીમાં છે. આ વિસ્તારોમાં એમ૭૭૭ અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર સાથે ભારતીય સૈન્યની ત્રણ રેજિમેંટ તૈનાત કરાઇ છે.  ચીને ભારતીય સરહદ પર ટાઇપ પીસીએલ-૧૯૧ રોકેટ લોન્ચર પણ તૈનાત કર્યા છે. જેની રેંજ ૩૫૦ કિમી સુધીની છે. જ્યારે ચીને તૈનાત કરેલા પીસીએલ-૧૮૧ ટ્રક માઉંટેડ હોવિત્ઝરની ક્ષમતા ભારતના એમ૭૭૭ની રેંજ કરતા બેગણી વધુ હોવાનો દાવો ચીન કરી રહ્યું છે. તેથી એવા રિપોર્ટ છે કે વાતચીતની આડમાં ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. 

આ અહેવાલો બાદ ભારતીય સૈન્ય પણ એલર્ટ થઇ ગયું છે અને હાલ અરુણાચલ પ્રદેશમાં બોફોર્સ તોપો તૈનાત કરી દેવામાં આવી છે. તેથી એમ કહી શકાય કે સરહદે જાણે યુદ્ધ જેવી સ્થિતિ છે. ચીન સરહદે ઇમારતો બનાવવા લાગ્યું છે. પોતાના જવાનો માટે ચીને એલએસી પાર અનેક મોડલ ગામડા તૈનાત કર્યા છે. ભારતીય સૈન્યના ઇસ્ટર્ન આર્મી કમાંડર લે. જનરલ મનોજ પાંડેએ કહ્યું હતું કે ચીને એલએસી પાર અનેક ગામડાઓ બનાવ્યા છે. જેનો ઉપયોગ નાગરિકોની આડમાં જવાનો માટે કરાઇ રહ્યો છે. જોકે કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય સૈન્ય પણ તૈયાર છે. હાલ ચીને સરહદ પાર સૈન્ય તાલિમનું પ્રમાણ અચાનક વધારી દીધુ છે. આ તાલિમ આ વર્ષે લાંબો સમય સુધી ચાલી હતી. એવામાં ભારતીય સૈન્ય એલર્ટ પર છે. 

સૈન્યના લે. જનરલ મનોજ પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે નબળા ગણાતા સિલીગુડી કોરિડોર કે ચિકન નેકનો ખતરો ઓછો કરવા માટે કામ ચાલી રહ્યું છે. કોઇ પણ ઇમર્જન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે સૈન્ય એલર્ટ પર છે.  હાલ ભારતીય સૈન્યએ એલએસી પર અરુણાચલમાં પહાડી વિસ્તારોમાં બોફોર્સ તોપો, એમ-૭૭૭ હોવિત્ઝર્સ ઉપરાંત હવે એલ૭૦ એન્ટી એરક્રાફ્ટ તોપો પણ તૈનાત કરી દીધી છે. જેનો ઉપયોગ એરક્રાફ્ટને તોડી પાડવા કે તેના પર હુમલો કરવા માટે થઇ શકશે. હાલની સ્થિતિ મુજબ ચીન અને ભારત બન્ને દેશના સૈન્યએ સરહદે સામસામે તોપો ગોઠવી દીધી છે તેથી ગમે ત્યારે સામસામે ટકરાવ થઇ શકે છે.