×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અરવિંદ કેજરીવાલ ઉપર ગુરૂ અન્ના હઝારે તૂટી પડ્યા


- જેમ દારૂનો નશો છે તેમ સત્તાનો નશો છે તેથી એવું લાગે છે કે, તમે પણ સત્તાના નશામાં ડૂબી ગયા છો: અન્ના હઝારે 

નવી દિલ્હી, તા. 30 ઓગષ્ટ 2022, મંગળવાર

દિલ્હીમાં એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડના આરોપોનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ગુરૂ અન્ના હઝારેએ પત્ર લખીને કહ્યું છે કે, તમે સ્વરાજ પુસ્તકમાં મોટી-મોટી વાતો લખી હતી પરંતુ તમારા આચરણ પર તેની કોઈ અસર દેખાઈ રહી નથી. આ સાથે અન્ના હઝારેએ લિકર પોલીસીને લગતી સમસ્યાઓ અંગે પણ સૂચનો આપ્યા છે.

અન્ના હજારેએ પોતાના પત્રમાં લખ્યું છે કે, 'તમે મુખ્યમંત્રી બન્યા પછી પહેલીવાર હું તમને પત્ર લખી રહ્યો છું. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી સરકારની દારૂની નીતિ(Liquor policy) વિશે જે સમાચાર આવી રહ્યા છે તે વાંચીને દુઃખ થાય છે. અન્ના હજારેએ કહ્યું કે મહાત્મા ગાંધીના 'ગામ તરફ ચલો'ના વિચારથી પ્રેરિત થઈને મેં મારૂં જીવન ગામ, સમાજ અને દેશ માટે સમર્પિત કર્યું છે. છેલ્લા 47 વર્ષથી હું ગામના વિકાસ માટે કામ કરૂં છું અને ભ્રષ્ટાચાર સામે આંદોલન કરૂં છું.

- તમે સત્તાના નશામાં ડૂબી ગયા છો: અન્ના હઝારે

અન્ના હઝારેએ પત્રમાં લખ્યું છે કે, તમે 'સ્વરાજ' નામના પુસ્તકમાં આદર્શ વાતો લખી છે. ત્યાર બાદ તમારી પાસેથી ઘણી આશાઓ હતી પરંતુ રાજકારણમાં આવ્યા બાદ તમે આદર્શ વિચારધારાને ભૂલી ગયા છો. જેમ દારૂનો નશો છે તેમ સત્તાનો નશો છે. તેથી એવું લાગે છે કે, તમે પણ સત્તાના નશામાં ડૂબી ગયા છો. અન્ના હઝારેએ પણ પોતાના પત્રમાં તેમના આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો કે, તમે તમારો રસ્તો ભટકી ગયા છો.

- અન્ના હઝારેએ દારૂની નીતિની ટીકા કરી 

અન્ના હઝારેએ અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં દિલ્હીની નવી આબકારી નીતિની ટીકા કરીને કહ્યું કે તેનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી શકે છે. તમારી સરકારે દિલ્હીમાં નવી દારૂની નીતિ ઘડી છે તેથી એવું લાગે છે કે, તે દારૂના વેચાણ અને વપરાશને પ્રોત્સાહિત કરી શકે છે. શેરીમાં દારૂની દુકાનો ખોલી શકાશે. આ તમામ પ્રવૃતિથી ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન મળશે અને તે જનતાના હિતમાં નથી. 


- તમે પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાના ચક્કરમાં ફસાયેલા લાગો છે: અન્ના 

અન્ના હઝારે કહ્યું હતું કે, 'હું આ પત્ર એટલા માટે લખી રહ્યો છું કારણ કે અમે સૌથી પહેલા રાલેગણસિદ્ધિ ગામમાં દારૂ બંધ કર્યો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં એક સારી દારૂની નીતિ બનાવવા આંદોલનો કર્યા છે. આંદોલનોના કારણે દારૂબંધીનો કાયદો બન્યો હતો જેમાં ગામડા અને શહેરની 51 ટકા મહિલાઓ ખરાબ કેદીની તરફેણમાં મતદાન કરે તો દારૂ પર પ્રતિબંધ થઈ જાય છે. બીજો ગ્રામ રક્ષક દળનો કાયદો બન્યો હતો જેના દ્વારા દરેક ગામમાં યુવાનોનું જૂથ મહિલાઓની મદદથી ગામમાં ગેરકાયદેસર દારૂ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.

તેમણે વધુમાં લખ્યું હતું કે, 'આ કાયદા હેઠળ જે પોલીસ અધિકારી તેનો અમલ ન કરે તેની સામે આકરી કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા પણ આ પ્રકારની નીતિની અપેક્ષા હતી પરંતુ AAPએ તેમ કર્યું નથી. અન્ય પાર્ટીઓની જેમ તમે પણ પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાના ચક્કરમાં ફસાયેલા લાગો છો. એક મોટા આંદોલનમાંથી જન્મેલા રાજકીય પક્ષને આ શોભતું નથી.