×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અયોધ્યા વિવાદ મામલે શાહરૂખ ખાન દ્વારા મધ્યસ્થતા કરાવવા માંગતા હતા જસ્ટિસ બોબડે…!


- બોબડે પહેલા એવા ન્યાયાધીશ છે જેમને વર્ચ્યુઅલ સમારોહમાં વિદાય આપવામાં આવી 

નવી દિલ્હી, તા. 24 એપ્રિલ, 2021, શનિવાર

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસએ બોબડેએ પોતાના આશરે 17 મહિનાના કાર્યકાળના અંતિમ દિવસે કોર્ટ રૂમમાંથી વિદાય લેતા પહેલા પોતે પોતાના કાર્યકાળમાં 'બેસ્ટ' આપ્યું છે તેમ જણાવ્યું હતું. સાથે જ વકીલ અને સામાન્ય લોકો તેમના કાર્યકાળ વિશે શું કહેશે તેનાથી પોતે અજાણ છે તેમ પણ કહ્યું હતું.  

જસ્ટિસ બોબડેના રિટાયરમેન્ટના દિવસે એક ખૂબ જ દિલચસ્પ ખુલાસો પણ થયો છે. સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશનના અધ્યક્ષ વિકાસ સિંહે પોતાના ફેરવેલ ભાષણમાં અયોધ્યા વિવાદની સુનાવણી દરમિયાન 5 જજોની વિશેષ પીઠના સદસ્ય જસ્ટિસ બોબડેના મધ્યસ્થતાના પ્રયત્નોનો ઉલ્લેખ પણ કર્યો હતો. 

સિંહે જણાવ્યું કે, 2019ના માર્ચ મહિનામાં પીઠે મધ્યસ્થતા દ્વારા આ સંવેદનશીલ મુદ્દાના ઉકેલ માટે રજૂઆત કરી હતી. સમિતિ માટે નામ માંગવામાં આવ્યા હતા અને બાદમાં સમિતિ પણ બનાવાઈ હતી. તે સમયે જસ્ટિસ બોબડેએ સિંહને શું શાહરૂખ ખાન મધ્યસ્થતા સમિતિમાં સામેલ થવા તૈયાર થશે તેવો સવાલ કર્યો હતો. કારણ કે, જસ્ટિસ બોબડે આ વિવાદનો એવો સર્વમાન્ય ઉકેલ ઈચ્છતા હતા જેમાં કોઈને કોઈ જાતની આપત્તિ ન હોય. બાદમાં સિંહે શાહરૂખ ખાન સાથે વાત પણ કરી હતી અને તેઓ આ માટે ઉત્સાહપૂર્વક તૈયાર પણ થઈ ગયા હતા પરંતુ પછી વાત આગળ નહોતી વધી.

ફિઝિકલ સુનાવણી ફેરવાઈ વર્ચ્યુઅલ સુનાવણીમાં

જસ્ટિસ બોબડેએ રિટાયરમેન્ટ દરમિયાન કહ્યું કે, પહેલા પણ આ પ્રકારની પળનો સાક્ષી બન્યો છું પરંતુ પોતાની રિટાયરમેન્ટ પીઠમાં બેસવું મિશ્ર ભાવનાત્મક ફીલિંગ આપે છે. હું તે શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. AG કેકે વેણુગોપાલે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બોબડેની પ્રશંસા કરતા કહ્યું કે, જ્યારે ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ ભારતમાં ફેલાવા લાગ્યું ત્યારે તેમણે ફિઝિકલ સુનાવણીને વર્ચ્યુઅલ સુનાવણીમાં ફેરવી દીધી હતી. SG તુષાર મેહતાના કહેવા પ્રમાણે જસ્ટિસ બોબડે એક શ્રેષ્ઠ વ્યક્તિ હોવાની સાથે તેમની સેન્સ ઓફ હ્યુમર પણ અમેઝિંગ છે. 

વર્ચ્યુઅલ સમારોહમાં વિદાય

જસ્ટિસ બોબડેનો મુખ્ય ન્યાયાધીશ તરીકે શુક્રવારે અંતિમ દિવસ હતો. સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશને તેમને સાંજે 5:00 કલાકે વર્ચ્યુઅલ સમારોહમાં વિદાય આપી હતી. બોબડે પહેલા એવા ન્યાયાધીશ છે જેમને વર્ચ્યુઅલ સમારોહમાં વિદાય આપવામાં આવી છે.