×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અયોધ્યા : રામજન્મભૂમિના પુજારીઓને મળશે સરકારી સ્તરની સુવિધા, પગાર વધશે, મકાન અને રજા પણ અપાશે

નવી દિલ્હી, તા.13 ઓગસ્ટ-2023, રવિવાર

અયોધ્યામાં રામજન્મભૂમિની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ભગવાન રામના બની રહેલા મંદિરનું ઉદ્ઘાટન આગામી વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં થઈ શકે તેવી સંભાવના છે, ત્યારે રામજન્મભૂમિના પુજારીઓ પાસે સારા દિવસો આવવાના છે. પુજારીઓ અને કર્મચારીઓને સરકારી સ્તરની સુવિધાઓ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. શ્રીરામજન્મભૂમિના મુખ્ય અર્ચક આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, શ્રીરામમંદિર ટ્રસ્ટ રામલલાની સેવામાં નિમાયેલા પુજારીઓ અને કર્મચારીઓને હવે સરકારી સ્તરની સુવિધા આપશે.

પુજારીઓને આવાસ ભથ્થુ અને આરોગ્ય સુવિધા પણ અપાશે

તેમણે કહ્યું કે, મહાસચિવ ચંપત રાયે આશ્વાસન આપ્યું છે કે, ટુંક સમયમાં પુજારીઓ અને કર્મચારીઓને વિશેષ સુવિધાઓ આપવામાં આવશે. આ બાબતે ચર્ચા ચાલી રહી છે. સત્યેન્દ્ર દાસે દાવો કરતા કહ્યું કે, હવે પુજારીઓને રહેવા-જમવાની અને આરોગ્ય સુવિધાઓ સાથે સાથે આવાસ ભથ્થુ પણ આપવામાં આવશે.

હાલ રામલલાની સેવામાં 4 પુજારીઓ સહિત કુલ 8 કર્મચારીઓ કાર્યરત

એટલું જ નહીં રજાઓના દિવસે પુજારીઓને રજા પણ અપાશે. હાલ રામલલાની સેવામાં ચાર પુજારીઓ સહિત કુલ 8 કર્મચારીઓ સેવા બજાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, પુજારીઓના પગારમાં વધારો કરવાની પણ તૈયારી છે.

વડાપ્રધાન અને પૂજારીને જ ગર્ભગૃહમાં પ્રવેશવા દેવાશે

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે, મંદિરના ઉદ્ઘાટન બાદ પણ રામભક્તોને ભગવાન રામની મૂર્તિને સ્પર્શ કરવાની તક મળશે નહીં. ભક્તોને ગર્ભગૃહમાં પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. લોકો લગભગ 35 ફૂટ દૂરથી ભગવાનના દર્શન કરી શક્શે. ગર્ભગૃહની પવિત્રતા જાળવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવાનો અધિકાર ફક્ત રાજા અને મંદિરના પૂજારીને જ છે. આ પરંપરાગત પ્રણાલીને ધ્યાનમાં રાખીને માત્ર વડાપ્રધાન અને પૂજારીને જ ગર્ભગૃહમાં પ્રવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના મોટા મંદિરોમાં ભક્તોને ગર્ભગૃહમાં જવા દેવામાં આવતા નથી. તિરુપતિ બાલાજી અને ભગવાન જગન્નાથના મંદિરમાં પણ આવી જ વ્યવસ્થા છે. પરંતુ ભગવાન શિવના મંદિરો આ કિસ્સામાં અપવાદ છે. તેનું મોટું કારણ એ છે કે ભગવાન શિવની પૂજામાં રુદ્રાભિષેકનું ખૂબ મહત્વ છે, જેમાં ભક્તો શિવલિંગને સ્પર્શ કરીને જ પૂજા કરે છે. આ સ્થિતિમાં ગર્ભગૃહમાં ગયા વિના રૂદ્રાભિષેક શક્ય નથી. પરંતુ અન્ય મંદિરોમાં ગર્ભગૃહની બહાર દૂરથી જ દેવી-દેવતાઓની પૂજા તેમજ દર્શન કરવામાં આવે છે.