×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અયોધ્યા : અક્ષય તૃતીયા પર જાહેર કરાઈ રામ મંદિરની નવી તસવીરો, જાણો કેટલું પૂર્ણ થયું નિર્માણ કાર્ય

અયોધ્યા, તા.22 એપ્રિલ-2023, શનિવાર

અયોધ્યામાં ભવ્યાતિભવ્ય મંદિર તૈયાર થઈ રહ્યું છે. જેમ જેમ આગળ વધતા મંદિરના નિર્માણકાર્યની તસવીરો સામે આવતી જાય છે તેમ તેમ રામ ભક્તોનો ઉત્સાહ પણ વધતો જાય છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા મંદિરના નિર્માણ કાર્ય વિશે ભક્તોને સમયાંતરે માહિતી પણ અપાતી હોય છે. ત્યારે મંદિર નિર્માણ કાર્યની વધુ તસવીરો સામે આવી છે. અક્ષય તૃતીયાના અવસર પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મંદિરના નિર્માણની કેટલીક તસવીરો જાહેર કરી છે. ઉલ્લેખનિય છે કે, રામ મંદિરનું નિર્માણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણમાં રોકાયેલા કારીગરોની સંખ્યામાં પણ વધારો કરાયો છે. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું લગભગ 80% કામ પૂર્ણ થઈ ગયું છે. હવે મંદિરમાં છત બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.


શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શેર કરી તસવીરો

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, ‘કરોડો રામ ભક્તો દ્વારા સદી સુધી કરાયેલા સતત સંઘર્ષની વ્યૂહરચના રૂપે ભગવાન શ્રી રામ લલાનું ભવ્ય મંદિર હવે આકાર લઈ રહ્યું છે.' ઉલ્લેખનીય છે કે રામ મંદિરના ગર્ભગૃહ અને તેની ચારે તરફ પરિક્રમા પથની દિવાલોને ઊભી કરવામાં આવી ચૂકી છે. મંદિરના ભોંયતળિયે પાંચ મંડપ બનાવવામાં આવી રહ્યા છે. આ માટે 166 પિલર લગાવવામાં આવ્યા છે. સિંહદ્વાર સાથે મંદિરના તળિયે આવવા માટે 32 સીડીઓ બનાવવામાં આવી છે.


5 વર્ષના બાળ સ્વરૂપમાં બિરાજમાન થશે ભગવાન રામલલા

ઉલ્લેખનિય છે કે, મંદિરના નિર્માણમાં લગભગ 167 સ્તંભો લગાવાયા છે, જેના પર હવે છતને મોલ્ડિંગ કરવાનું કામ શરૂ કરાયું છે. રાજસ્થાનના બંસી પહાડપુરના પથ્થરો વડે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. કોતરેલા પથ્થરથી ભગવાન રામનું ભવ્ય મંદિર તૈયાર કરાઈ રહ્યું છે. મંદિરના સ્તંભો પર દેવી-દેવતાઓની પ્રતિમાઓ સ્થાપિત કરાશે, જે રામ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મંદિરના ગર્ભ ગૃહમાં ભગવાન રામલલા 5 વર્ષના બાળ સ્વરૂપમાં બિરાજમાન થશે. ગર્ભગૃહનું બાંધકામ લગભગ 90 ટકા પૂર્ણ થયું છે.


મંદિરનું નિર્માણ કાર્ય નિર્ધારિત સમય કરતાં પહેલા પૂર્ણ થશે

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક અધિકારીએ ગત માર્ચમાં કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય નિર્ધારિત કરતાં મહિનાઓ પહેલાં પૂર્ણ થવાની સંભાવના છે. રામ જન્મભૂમિ ખાતે ટ્રસ્ટ ઓફિસના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે અમને વિશ્વાસ છે કે મંદિરનું નિર્માણ કાર્ય નિર્ધારિત સમય કરતાં ત્રણ મહિના પહેલા પૂર્ણ થઈ જશે. અમે તેની સમયમર્યાદા ડિસેમ્બર 2023થી ઘટાડીને સપ્ટેમ્બર 2023 કરી છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં મંદિરને અંતિમ સ્વરૂપ મળશે.


ક્યારે થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા

શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાના બિરાજવાની લાંબા સમયથી રામ ભક્તો રાહ જોઈ રહ્યા છે. રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલે રામભક્તોને ખુશખબરી આપતા માર્ચમાં કહ્યું હતું કે, જાન્યુઆરી 2024માં મકર સંક્રાંતિ બાદ જ્યારે પણ શુભ મુહુર્ત હશે તે સમયે રામલલાની તેમના ભવ્ય મંદિર અને દિવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ દરમિયાન મંદિરમાં મોટો કાર્યક્રમ પણ હશે. કામેશ્વર ચૌપાલે કહ્યું હતું કે, રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે મકર સંક્રાંતિ પણ એક વિષય છે. મકર સંક્રાંતિનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ છે. જનશ્રુતિમાં એ વાત છે જ્યારે કોઈ સૂર્ય દક્ષિણાયનમાં હોય છે તો શુભ મુહુર્ત હોતુ નથી. શુભ કાર્યો થતા નથી. પ્રભુ રામની ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા બહુ મોટુ કામ છે પરંતુ આ વિચારવાનો આપણો વિષય નથી. આ વિષય આચાર્યોનો છે કે તેઓ જેવો નિર્ણય લેશે તેવુ જ કરવામાં આવશે.