×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકામાં વ્હાઈટ હાઉસની બહાર અફઘાની લોકોનું પ્રદર્શન, 'બાઈડન તમે જવાબદાર'ના નારા


- વ્હાઈટ હાઉસ બહાર ઉભેલા એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે, તેઓ શાંતિ ઈચ્છે છે. જો તાલિબાન ટેકઓવર કરે છે તો હજારો ઓસામા બિન લાદેન પેદા થશે

નવી દિલ્હી, તા. 16 ઓગષ્ટ, 2021, સોમવાર

અફઘાનિસ્તાનમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે અમેરિકામાં રહેતા અફઘાની લોકોએ વ્હાઈટ હાઉસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જો બાઈડન પાછા જાઓ તેવા નારા લગાવ્યા હતા. તેમણે અફઘાનિસ્તાનની સ્થિતિ માટે રાષ્ટ્રપતિ બાઈડનને જવાબદાર ગણાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ બાઈડન પર દગો કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે, 20 વર્ષ બાદ ફરી એક વખત અમે 2000ની સાલ જેવી સ્થિતિમાં આવી ગયા છીએ. 

ઉલ્લેખનીય છે કે, અમેરિકી સેનાની વાપસી વચ્ચે 20 દિવસની અંદર સંપૂર્ણ અફઘાનિસ્તાન પર જોતજોતામાં તાલિબાને કબજો જમાવી દીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ચૂંટણી જીત્યા બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી અને નાટો સૈનિકોની વાપસીની જાહેરાત કરી હતી. બાઈડને જણાવ્યું હતું કે, અમેરિકી સેના અફઘાનિસ્તાન છોડી દેશે ત્યારબાદ તાલિબાનનું વર્ચસ્વ વધી જશે અને આજે સંપૂર્ણ અફઘાનિસ્તાન તેના કબજામાં છે. 

હજારો લાદેન પેદા થશે....

વ્હાઈટ હાઉસ બહાર ઉભેલા એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે, તેઓ શાંતિ ઈચ્છે છે. જો તાલિબાન ટેકઓવર કરે છે તો હજારો ઓસામા બિન લાદેન પેદા થશે. તાલિબાની લોકો પાકિસ્તાન સાથે મળી જશે અને તબાહી મચાવશે. એક મહિલા પ્રદર્શનકારીએ જણાવ્યું કે, તાલિબાની લોકો મહિલાઓેને ટાર્ગેટ કરી રહ્યા છે, સૌ કોઈ તેના નિશાન પર છે.