×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકામાં ટિકટોક-વીચેટ પરના પ્રતિબંધનો નિર્ણય પાછો ખેંચાયો, બાઈડને પલટ્યો ટ્ર્મ્પનો આદેશ


- ગત વર્ષે ભારતે પણ ચીની એપ ટિકટોક, વીચેટ સહિતની 100 એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો

નવી દિલ્હી, તા. 10 જૂન, 2021, ગુરૂવાર

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ગુરૂવારે એક મહત્વનો નિર્ણય લીધો હતો. અમેરિકામાં ટિકટોક, વીચેટ અને અન્ય 8 એપ્લિકેશન પર પ્રતિબંધ મુકનારા ડોનાલ્ડ ટ્ર્મ્પ પ્રશાસનના નિર્ણય પર રોક લગાવી દેવામાં આવી છે. જો બાઈડન પ્રશાસને હવે એક નવો આદેશ જાહેર કર્યો છે જેના અંતર્ગત આ એપ્સને લઈને તપાસ કરવામાં આવશે. સાથે જ એ નિષ્કર્ષ કાઢવામાં આવશે કે, શું આ મોબાઈલ એપ્સ અમેરિકાની સુરક્ષા માટે જોખમી તો નથી ને. 

જો બાઈડન પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમની સરકાર લોકોને ઓનલાઈન સુરક્ષાનો માહોલ આપવા માંગે છે, તેઓ ગ્લોબલ ડિજિટલ ઈકોનોમીનું સમર્થન કરે છે. આ સંજોગોમાં તે નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે અને તે અંગે નવેસરથી વિચારવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટની શરૂઆતમાં સમગ્ર વિશ્વમાં ચીનનો વિરોધ થયો હતો. આ દરમિયાન ચીની એપ્લિકેશન દ્વારા ડેટા ચોરીની વાતો પણ સામે આવી હતી. તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ટિકટોક, વીચેટ જેવી એપ્સ પર પ્રતિબંધ મુકવા કહ્યું હતું.

જોકે અમેરિકી કોર્ટમાં આ આદેશના વિરોધમાં અરજી દાખલ કરાઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ટિકટોક, વીચેટ જેવી એપ્સના નવા ડાઉનલોડ પર પ્રતિબંધ મુક્યો હતો. મતલબ કે જેના ફોનમાં આ એપ્સ પહેલેથી ડાઉનલોડ હોય તેમાં તે કામ કરશે પરંતુ કોઈ નવી વ્યક્તિ ડાઉનલોડ નહીં કરી શકે. 

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ભારતે પણ ચીની એપ ટિકટોક, વીચેટ પર પ્રતિબંધ મુક્યો હતો. ભારતે આશરે 100 જેટલી ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો અને તેને ડેટા ચોરીનો મોટો મુદ્દો ગણાવ્યો હતો.