×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાના પાંચ રાજ્યોમાં આરોપ, સ્વામિનારાયણ મંદિરો બનાવવા માટે શ્રમિકોનુ શોષણ કરાયુ


નવી દિલ્હી,તા.11.નવેમ્બર,2021

અમેરિકામાં બોચાસણ વાસી અક્ષર પુરષોત્તમ સંસ્થા પર શ્રમિકોને ઓછુ વેતન આપીને કામ કરાવવાનો આરોપ લગાવાયો છે.

સંસ્થા પર શ્રમિકોએ કેસ કર્યો છે.તેમનો આરોપ છે કે, ન્યૂ જર્સીમાં મંદિર બનાવવા માટે તેમને ફોસલાવીને લાવવામાં આવ્યા હતા અને 1.20 ડોલર મજૂરી આપીને કામ કરાવાઈ રહ્યુ હતુ.

બોચાસણ વાસી અક્ષર પુરષોત્તમ સંસ્થા પર પહેલી વખત મે મહિનામાં કેસ થયો હતો.હવે ચાર અલગ અલગ રાજ્યોમાં કેસ કરવામાં આવ્યો છે.આ આરોપ ન્યૂ જર્સીના રોબિન્સવિલ વિસ્તારમાં બની રહેલા મંદિરમાં શ્રમિકો પાસે અમાનવીય હાલતમાં કામ કરાવવા અંગે લાગ્યો છે.સંસ્થા પર એવો પણ આરોપ છે કે, તેમની પાસે જબરદસ્તીથી કોન્ટ્રાક્ટ સાઈન કરાવાયા હતા અને રોજ 12 કલાક કામ કરાવાતુ હતુ.

જે કેસ ફાઈલ કરાયો છે તેમાં કહેવાયુ છે કે, શ્રમિકોને આર-1 વિઝા પર ન્યૂ  જર્સી લવાયા હતા.આ વિઝા સામાન્ય રીતે પૂજારીઓ જેવા ધાર્મિક પ્રોફેશન માટે અપાતા હોય છે.

ગયા મહિને આ કેસમાં બીજા ચાર રાજ્યોના શ્રમિકોને પણ જોડવામાં આવ્યા છે.તેમાં આરોપ લગાવાયો છે કે, કેલિફોર્નિયા, શિકાગો, ટેક્સાસ અને એટલાન્ટના મંદિરોમાં પણ તેમનુ શોષણ કરવામાં આવ્યુ હતુ.

દરમિયાન બોચાસણ વાસી અક્ષર પુરષોત્તમ સંસ્થાએ તમામ આરોપોને પાયા વગરના ગણાવ્યા છે અને સંસ્થાના વકીલનુ કહેવુ છે કે, અમેરિકામાં સરકારે આર-1 વિઝા છેલ્લા વીસ વર્ષથી પથ્થરો પર કોતરકામ કરતા કલાકારો માટે ફાળવ્યા છે.સરકારના તમામ સ્તરના અધિકારીઓ જ્યાં મંદિર બને છે ત્યાં મુલાકાત લઈને સ્થિતિનુ નિરિક્ષણ કરતા હોય છે.

જોકે અન્ય રાજ્યોના મજૂરોનુ એવુ પણ કહેવુ છે કે, ન્યૂજર્સીમાં મજૂરોને જેટલુ કામ કરાવાયુ છે તેટલુ કામ અન્ય રાજ્યોમાં નહોતુ કરાવાયુ પણ અમને લઘુતમ વેતન કરતા ઓછા પૈસા અપાયા હતા.ફરિયાદ પ્રમાણે કેસમાં પક્ષકાર બનેલા કેટલાક મજૂરો એવા છે જેમણે એકથી વધારે મંદિરના નિર્માણમાં કામ કર્યુ છે.કેટલાક શ્રમજીવીઓ તો આઠ થી નવ વર્ષ માટે કામ કરી ચુકયા છે.

શ્રમજીવીઓનો એવો પણ આરોપ છે કે, તેમને પાસપોર્ટ સાથે રાખવાની પરવાનગી નહોતી.તેમને સુરક્ષા ગાર્ડના સુપરવિઝનમાં મોટા હોલમાં સુવાડાતા હતા અને તેમને કહેવાયુ હતુ કે, જો તેઓ કામ છોડી દેશે તો તેમને ગંભીર શારીરિક નુકસાન ઉઠાવવુ પડશે.