×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાએ લીધો કાબુલ બ્લાસ્ટનો બદલો, એરસ્ટ્રાઈકમાં 'ષડયંત્રકારી' IS આતંકવાદીને ફૂંકી માર્યો


- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરૂવારે એરપોર્ટ બહાર થયેલા તબક્કાવાર વિસ્ફોટોમાં 169 અફઘાની નાગરિકો અને 13 અમેરિકી સૈનિકોના મોત થયા હતા

નવી દિલ્હી, તા. 28 ઓગષ્ટ, 2021, શનિવાર

અમેરિકી સેનાએ અફઘાનિસ્તાનમાં ભારે મોટી કાર્યવાહી કરી છે. અમેરિકી સેનાએ કાબુલ બ્લાસ્ટના જવાબમાં ISના આતંકવાદીઓ વિરૂદ્ધ એરસ્ટ્રાઈક કરી હતી. જાણવા મળ્યા મુજબ અમેરિકી સેનાના માનવરહિત વિમાને નાંગરહાર ખાતે ISIS-Kના અડ્ડા પર હવાઈ હુમલો કર્યો હતો. એવો દાવો થઈ રહ્યો છે કે, અમેરિકી સેનાએ કાબુલ બ્લાસ્ટના ષડયંત્રકારીને પણ ફૂંકી માર્યો છે. 

એરસ્ટ્રાઈક બાદ અમેરિકાએ કાબુલ એરપોર્ટમાંથી લોકોને ખસી જવા કહ્યું હતું. અમેરિકાને આશંકા છે કે, કાબુલ એરપોર્ટ પર ફરી આતંકવાદી હુમલો થઈ શકે છે. પેન્ટાગોન તરફથી કરવામાં આવેલા દાવા પ્રમાણે નક્કી કરવામાં આવેલા ટાર્ગેટને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ISIS-Kના અડ્ડા પર ડ્રોન વડે એટેક કરવામાં આવ્યો હતો. 

169 અફઘાનીઓ અને 13 અમેરિકી સૈનિકોના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરૂવારે એરપોર્ટ બહાર થયેલા તબક્કાવાર વિસ્ફોટોમાં 169 અફઘાની નાગરિકો અને 13 અમેરિકી સૈનિકોના મોત થયા હતા. આતંકવાદી સંગઠન ISIS-Kએ આ આત્મઘાતી બોમ્બ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જોકે અમેરિકાએ માત્ર 48 કલાકની અંદર જ બદલો લઈ લીધો છે. આ તરફ તાલિબાને અમેરિકાની આ કાર્યવાહીને લઈ અંતર જાળવ્યું છે. 

બાઈડેને કહેલું- જવાબદાર લોકોને માફ નહીં કરવામાં આવે

કાબુલ બ્લાસ્ટ બાદ અમેરિકાએ કહ્યું હતું કે, તેઓ આ હુમલા માટે જવાબદાર લોકોને માફ નહીં કરે. રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું હતું કે, અમેરિકા તેનો બદલો લેશે. તેની કિંમત ચુકવવી પડશે. જોકે હજુ પણ અમેરિકા પાસે કાબુલ એરપોર્ટ ખાતે થયેલા હુમલામાં તાલિબાન અને ઈસ્લામિક સ્ટેટ વચ્ચેની મિલીભગતનો કોઈ જ પુરાવો નથી.