×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાએ ચીનનો વિકાસશીલ દેશનો દરજ્જો છીનવ્યો, હવે ભારતનો લાગશે નંબર! જાણો શું થશે નુકસાન


અમેરિકાએ ચીનને આર્થિક મોરચે જોરદાર ઝટકો આપ્યો છે. યુએસ સેનેટે એક નવા કાયદાને મંજૂરી આપી છે, જેના હેઠળ અમેરિકા હવે ચીનને વિકાસશીલ દેશનો દરજ્જો નહીં આપે. અમેરિકાના આ પગલાની ચીન પર ભારે અસર પડશે. ચીન હવે વિશ્વ બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી સરળતાથી અને ઓછા વ્યાજ દરે લોન મેળવી શકશે નહીં. વિકાસશીલ દેશ હોવાના કારણે ચીનને સસ્તી લોન સરળતાથી મળતી હતી. પરંતુ તે સમયે ચીને મોંઘી લોન આપીને વિશ્વના ગરીબ દેશોને પોતાના દેવાની જાળમાં ફસાવ્યા હતા.

ચીનને અમેરિકાએ આપ્યો મોટો ઝટકો!

અમેરિકી સેનેટમાંથી કાયદાને મંજૂરી મળ્યા બાદ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન હવે વિશ્વ વેપાર સંગઠન જેવા બહુપક્ષીય સંગઠનોને ચીનની અર્થવ્યવસ્થાને 'વિકસિત અર્થતંત્ર'નો દરજ્જો આપવા માટે તૈયાર કરવાનો પ્રયાસ કરશે. અમેરિકી સેનેટની ફોરેન રિલેશન કમિટીની પહેલ પર ચીન પાસેથી તેનો વિકાસશીલ દેશનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે. ચીન અમેરિકાના આ પગલાને એશિયન દેશના વિકાસને દબાવવાના ષડયંત્ર તરીકે જોઈ રહ્યું છે.

આ સ્ટેટસ કેમ છીનવી લેવામાં આવ્યું?

અમેરિકાનું માનવું છે કે, વિકાસશીલ દેશોને મળતી તમામ સુવિધાઓ હવે ચીનને આપી શકાય નહીં. ચીનની અર્થવ્યવસ્થા 20 ટ્રિલિયન ડોલરની છે અને તેણે વિશ્વના ઘણા દેશોમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. જેના કારણે હવે ચીનને વિકાસશીલ દેશોની તમામ છૂટ નહીં મળે. કારણ કે ચીન વિકાસશીલ દેશના દરજ્જાનો દુરુપયોગ કરી રહ્યું હતું.

ચીને સસ્તી લોનો આપી ગરીબ દેશોને ફસાવ્યા 

સસ્તી લોન ઉપરાંત વિકાસશીલ દેશોને આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ લાભ મળે છે. વિશ્વ બેંક દર વર્ષે વિકાસશીલ દેશોને અબજો ડોલરની લોન આપે છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીએ એપ્રિલમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, ચીન ખૂબ જ ચાલાક છે. વિકાસશીલ દેશના દરજ્જાનો ફાયદો ઉઠાવીને તેણે વિશ્વના આર્થિક માળખાને બરબાદ કરી નાખ્યું છે અને ગરીબ દેશોને દેવાની જાળમાં ફસાવ્યા છે.

વિકસિત દેશનો અર્થ શું છે?

વિકસિત દેશમાં અદ્યતન ઔદ્યોગિકરણ, ઉચ્ચ સ્તરની આર્થિક સમૃદ્ધિ, બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તકનીકી પ્રગતિ તેમજ નાગરિકોનું ઉચ્ચ જીવનધોરણ છે. આવા દેશોમાં સામાન્ય રીતે સુસ્થાપિત ઉદ્યોગો, મજબૂત સંસ્થાઓ અને વ્યાપક સામાજિક કલ્યાણ પ્રણાલીઓ તેમજ ઉચ્ચ સાક્ષરતા દર અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ હોય છે. ભારતના સંદર્ભમાં જોઈએ તો તે વિકાસશીલ દેશ છે. ચીનની સરખામણીએ ભારતનું અર્થતંત્ર નાનું છે. તેથી જ ભારતને વિકાસશીલ દેશનો દરજ્જો મળ્યો છે. ભારતની જીડીપી 3.75 ટ્રિલિયન ડોલર છે.