×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાઃ ઈડાનો કહેર, 40થી વધારે લોકોના મોત, ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ઈમરજન્સી લાગુ


- ન્યૂયોર્ક, મિસિસિપ્પી, અલાબામા અને ફ્લોરિડા જેવા રાજ્યોમાં તો રસ્તાઓ પર જ તળાવ બની ગયા 

નવી દિલ્હી, તા. 03 સપ્ટેમ્બર, 2021, શુક્રવાર

અમેરિકાના ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં દરિયાઈ વાવાઝોડા ઈડાના કારણે વરસેલા ભારે વરસાદના કારણે તબાહી મચી છે. વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 40 કરતા પણ વધારે લોકોના મોત થયા છે. બંને જગ્યાઓએ ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે જ્યારે વાવાઝોડું વધારે ખતરનાક બનીને ન્યૂ ઈંગ્લેન્ડ તરફ વધી ગયું છે. 

ન્યૂયોર્ક શહેરમાં પોલીસે 7 લોકોના મૃત્યુની પૃષ્ટિ કરી છે જ્યારે ન્યૂજર્સીમાં એક વ્યક્તિનું મોત થયું છે. ન્યૂયોર્ક એફડીઆર ડ્રાઈવ, મેનહટ્ટની પૂર્વ બાજુએ એક મોટો વિસ્તાર અને બ્રોંક્સ નદી પાર્કવે બુધવારે મોડી સાંજ સુધી પાણીમાં ડૂબેલા હતા. સબવે સ્ટેશનો અને રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ તમામ સેવાઓ સસ્પેન્ડ કરવી પડી હતી. ઓનલાઈન પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં સબવે પર સફર કરી રહેલા લોકો કારોમાં સીટ પર ઉભેલા દેખાઈ રહ્યા છે. 

અન્ય એક વીડિયોમાં રસ્તાઓ પર ઉભેલી ગાડીઓ કાચ સુધી ડૂબેલી દેખાઈ રહી છે. ન્યૂયોર્કમાં રાષ્ટ્રીય મોસમ સેવા કાર્યાલયે બુધવારે રાતે પૂરને લઈ અચાનક ઈમરજન્સીની પહેલી ચેતવણી જાહેર કરી હતી. આ ચેતવણી વિશેષ પરિસ્થિતિઓમાં ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે પૂરના કારણે વિનાશકારી ક્ષતિ થઈ રહી હોય અથવા થવાની હોય. વરસાદના કારણે ન્યૂયોર્ક અને ન્યૂજર્સી એમ બંને જગ્યાએ અનેક ઈમારતોને પણ નુકસાન પહોંચ્યુ છે. મૂશળધાર વરસાદના કારણે વીજળીનો પુરવઠો પણ પ્રભાવિત થયો છે જેથી હજારો લોકો ઘરમાં વીજળીથી વંચિત છે. 

ન્યૂજર્સીની તમામ કાઉન્ટીમાં ઈમરજન્સી જાહેર

વાવાઝોડા અને વરસાદના કારણે ન્યૂજર્સીની તમામ 21 કાઉન્ટીઓમાં ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. લોકોને ચેતવણી જાહેર કરીને પૂર હોય ત્યાં રસ્તાઓથી દૂર રહેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. સાથે જ પૂર વધારે વિકરાળ બનશે તેવી ચેતવણી પણ આપી છે. 

અમેરિકામાં ઈડા વાવાઝોડાનો કહેર હજુ અટક્યો નથી. સોમવારે લુઈસિયાનાના કિનારે અથડાયા બાદ ત્યાંના તટીય ક્ષેત્રોમાં હવાની ઝડપ 241 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. તેને અમેરિકાના સૌથી શક્તિશાળી વાવાઝોડા પૈકીનું એક માનવામાં આવ્યું હતું. તેની તાકાતનો અંદાજો એ રીતે પણ લગાવી શકાય કે, વાવાઝોડાના નબળા પડ્યાના 2 દિવસ બાદ પણ અમેરિકાના અનેક શહેરોમાં ભારે વરસાદના કારણે જન-જીવન અસ્ત વ્યસ્ત છે. સ્થિતિ એવી છે કે, ન્યૂયોર્ક, મિસિસિપ્પી, અલાબામા અને ફ્લોરિડા જેવા રાજ્યોમાં તો રસ્તાઓ પર જ તળાવ બની ગયા છે અને લોકોની મદદ માટે બચાવકર્મીઓ હોડીઓમાં બેસીને નીકળી રહ્યા છે. 

ન્યૂયોર્કમાં બુધવારે 5 કલાકમાં 17.78 સેમી વરસાદ વરસ્યો હતો. જો પ્રમાણની રીતે જોઈએ તો ન્યૂયોર્કમાં 5 કલાકની અંદર આશરે 1 લાખ 32 હજાર કરોડ લીટર પાણી વરસ્યું. આટલા પાણી વડે ઓલમ્પિક ગેમ્સમાં વપરાતા સ્વિમિંગ પૂલને 50,000 વખત ભરી શકાય. 

નેવાર્કમાં રેકોર્ડ બ્રેક

સમગ્ર વિશ્વમાં આટલા ઓછા સમયમાં આટલો વરસાદ વરસે તે રેકોર્ડ કહી શકાય. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રહેતા લોકો માટે આટલો વરસાદ ખૂબ મુશ્કેલી સર્જી શકે. એટલું જ નહીં, ન્યૂયોર્ક રાજ્યના નેવાર્ક ખાતે આ દરમિયાન 21.59 સેમી વરસાદ વરસ્યો જે શહેરના ઈતિહાસમાં એક દિવસમાં વરસેલો સૌથી વધારે વરસાદ છે.