×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમિત શાહ અમદાવાદમાં: '200-200 દિવસ કર્ફ્યુ રહેતા… જુવાનીયાઓ એવું કાંઈ ન કરતા.. '


- 'ચૂંટણી સમયે કોંગ્રેસીયાઓ ફરી એક વાર નીકળી પડશે, જાત-પાતની વાત કરશે, વચનોની લહાણી કરશે પણ ગુજરાત સૌને ઓળખે છે'

અમદાવાદ, તા. 04 સપ્ટેમ્બર 2022, રવિવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે છે. આજે અમદાવાદમાં તેમના 3 કાર્યક્રમો નિર્ધારિત છે. જેમાં સવારે તેમણે AMC અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા આશરે 9.54 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી સ્માર્ટ શાળાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ ટ્રાન્સ સ્ટેડિયા, કાંકરિયા ખાતે છઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન ડ્યુટી મીટ અને સાંજના સમયે ઈકા એરેના ટ્રાન્સ સ્ટેડિયા, કાંકરિયા ખાતે 36મા નેશનલ ગેમ્સ-2022ના કર્ટેન રેઝર અને 11મા ખેલ મહાકુંભના સમાપન સમારોહનું આયોજન છે. 

શાળાઓના ઉદ્ઘાટન કાર્યક્રમમાં શાહનું સંબોધન

શાળાઓના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર, પ્રદીપ પરમાર, નરહરિ અમીન, કૌશિક પટેલ, પ્રદીપસિંહ વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવી શાળાઓના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહે અમદાવાદમાં 22 અનુપમ સ્માર્ટ શાળાઓ પૂરી થઈ છે અને સ્માર્ટ શાળાઓના કારણે પ્રાથમિક શિક્ષણનો નવો અધ્યાય શરૂ થયો છે તેમ જણાવ્યું હતું.

નવા ઝબ્બો-લેંઘો સીવડાવીને વચનોની લહાણી કરે 

અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, 2 પ્રકારના લોકો હોય, એક 5 વર્ષ પરસેવો વહાવી, જનસેવા કરીને રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણી લડે. બીજા લોકો ચૂંટણીના 5 મહિના પહેલા નવા ઝબ્બો-લેંઘો સીવડાવીને વચનોની લહાણી કરે. આમ તેમણે નામ લીધા વગર જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. 

કોમી રમખાણોનો સમય યાદ કરાવ્યો

ઉપરાંત ગુજરાતમાં છાશવારે થતાં રમખાણોને યાદ કરતા કહ્યું હતું કે, કોમી હુલ્લડો થતા, રથયાત્રા બંધ કરાવવી પડતી, વર્ષમાં 200-200 દિવસ કર્ફ્યુ રહેતો, વેપાર-ધંધા ખોરવાઈ જતા, શહેરમાં ગયેલો માણસ નારણપુરા-વાડજ પાછો આવશે કે નહીં તેની ઘરનાઓને ચિંતા રહેતી પરંતુ નરેન્દ્ર મોદીના કારણે કર્ફ્યુ ભૂતકાળ બની ગયો છે. નાના બાળકોએ 20 વર્ષથી કર્ફ્યુનો અનુભવ નથી કર્યો એટલે તેઓ એ શબ્દથી પણ અજાણ છે. 

એક સમયે પોરબંદરની જેલ પર દાણચોરોનો કબજો

અમિત શાહે પોતાનો જૂનો અનુભવ યાદ કરીને કહ્યું કે, પોરબંદર જતી વખતે તેમણે બોર્ડ જોયું હતું કે, અહીંથી પોરબંદર શરૂ થાય છે અને કાયદો-વ્યવસ્થા બંધ થાય છે. પોરબંદરમાં જેલ બંધ કરવી પડી હતી. કાયદેસર અધિસૂચના બહાર પાડીને જેલ બંધ કરવી પડી હતી કારણ કે, દાણચોરોએ જેલનો કબજો લઈ લીધો હતો. 

આજે 10-10 તોલાના ઘરેણાં પહેરીને દીકરીઓ રાતે પણ ફરી શકે છે

સાથે જ તેમણે ગુજરાતની વર્તમાન સ્થિતિમાં કેટલો સુધારો આવ્યો છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે 10-10 તોલા સોનાના દાગીના પહેરીને રાતના 12:00 વાગ્યે દીકરી સ્કૂટી પર બેસીને ગરબા રમવા જાય છે અને મા-બાપ આરામથી સૂઈ જાય છે. તેમને વિશ્વાસ છે કે, કશું જ નહીં થાય. ભાજપના હાથમાં ગુજરાતની બાગદોર આવી પછી આ પરિવર્તન આવ્યું છે. 

વીજળી મામલે કોંગ્રેસને આડેહાથ લીધી

અમિત શાહે જૂનો સમય યાદ કરાવતા કહ્યું કે, પહેલા કોઈ ધારાસભ્ય, સાંસદ, મંત્રી, ગામડે જાય ત્યારે લોકો વીજળીની માગણી કરતા. કહેતા કે કમસેકમ સાંજે વાળુના (જમવાના) ટાઈમે વીજળી આવે એવું કરી આપો. ભાજપ સરકારે પહેલી વખત 24 કલાક વીજળી પૂરી પાડી. 

કોંગ્રેસે પ્રાથમિક શિક્ષણની દશા બગાડી

અમિત શાહે શિક્ષણ મામલે પણ કોંગ્રેસ શાસનની ટીકા કરી હતી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસન વખતે 100માંથી 37 બાળકો 7મા પહેલા ભણવાનું છોડી દેતા. જ્યારે 100 બાળકો જન્મે સામે 67 બાળકો જ શાળામાં દાખલો લેતા હતા. એક રીતે માત્ર 40 ટકા બાળકો જ પ્રાથમિક શિક્ષણ પૂરૂ કરતા હતા. નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણીના નામે ગુજરાતભરમાં પ્રવેશોત્સવ ઉજવ્યા, મુખ્યમંત્રી, તલાટી સહિત સૌ કોઈ તેમાં સહભાગી બનીને ગુજરાતમાં 100 ટકા એનરોલમેન્ટ રેશિયો લાવ્યા. 

અમિત શાહે કોંગ્રેસના લોકો માટે 'કોંગ્રેસીયાઓ' એવા શબ્દનો પ્રયોગ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસીયાઓએજે 37 ટકાએ ડ્રોપઆઉટ રેશિયો છોડેલો તેને લગભગ શૂન્ય ટકા અને બાળક SSC કરે જ છૂટકો લે એવી વ્યવસ્થા ભાજપે કરી. ઉપરાંત ગુણોત્સવ, ટીચર્સ ટ્રેનિંગના અધ્યાયો, અનુપમ સ્માર્ટ શાળા વગેરે દ્વારા સાર્વજનિક પ્રાથમિક શિક્ષણ મામલે કરેલી કામગીરીના કારણે આજે ગુજરાત આગળ હોવાનો દાવો કર્યો હતો. 

કોંગ્રેસ પર જાત-પાતની રાજનીતિ કરવાનો આરોપ

વધુમાં કહ્યું હતું કે, 'ચૂંટણી સમયે કોંગ્રેસીયાઓ ફરી એક વાર નીકળી પડશે, જાત-પાતની વાત કરશે, વચનોની લહાણી કરશે પણ ગુજરાત સૌને ઓળખે છે. ગુજરાત કોંગ્રેસ, ભાજપ અને સૌથી વિશેષ નરેન્દ્ર મોદીને ઓળખે છે માટે 20 વર્ષની વણથંભી વિકાસ યાત્રા હજુ 5 વર્ષ ચાલશે.

યુવાનોને કરી ખાસ અપીલ 

અમિત શાહે રાજ્યના યુવાધનને સંબોધીને કહ્યું હતું કે, 'જુવાનીયાઓ તમે તો કોંગ્રેસીયાઓનું રાજ નથી જોયું. એવું કાંઈ ન કરતા કે જેથી ભૂલ થઈ જાય અને ફરી આપણી શાંતિ ડહોળાય. ઘરમાં વડીલોને પુછજો કે ગુજરાત કેવું હતું અને નરેન્દ્ર મોદીએ કેવું બનાવ્યું છે.'