×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમારો સાબુ ઈકોફ્રેન્ડલી : કલંકિત નેતાઓ મુદ્દે નીતિન ગડકરીનો કટાક્ષ


- રાજકારણમાં નેતાઓની અવર-જવર થતી રહે છે

- દ્વારકા એક્સપ્રસે વેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પાયાવિહોણા, હકીકતમાં સરકારને ખર્ચમાં 12 ટકાની બચત થઈ : ગડકરી

નવી દિલ્હી : દેશભરમાં કલંકિત નેતાઓના ભાજપમાં જોડાવા અથવા તેની સાથે હાથ મિલાવવા મુદ્દે હંમેશા વિપક્ષ ભાજપ પર પસ્તાળ પાડતું હોય છે ત્યારે આ મુદ્દે કેન્દ્રીય મંત્રી નીતિન કડકરીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ભાજપનો સાબુ ઈકોફ્રેન્ડલી છે. બીજીબાજુ તેમણે દ્વારકા એક્સપ્રેસ વે પર કેગના કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોને નકારી કાઢતા ગડકરીએ દાવો કર્યો હતો કે, આ માર્ગના બાંધકામમાં સરકારને નફો થયો છે.

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ શાસક પક્ષ એનડીએ અને વિપક્ષ 'ઈન્ડિયા' તેમના સંગઠન મજબૂત કરી રહ્યા છે. એવામાં છેલ્લા કેટલાક સમયમાં વિવિધ પક્ષોના મોટા-મોટા નેતા ભાજપમાં જોડાયા છે અથવા ભાજપ સાથે હાથ મિલાવ્યો છે, તેમાં કેટલાક એવા પણ નેતા છે જેમના પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા છે અને તેમના પર કેસ ચાલી રહ્યા છે. આવા જોડાણ અંગે વિપક્ષ દ્વારા ભાજપની ટીકા કરવામાં આવે છે. એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને આ અંગે સવાલ કરવામાં આવતા તેમણે ટીખળ કરતા કહ્યું કે, અમારો સાબુ ઈકોફ્રેન્ડલી છે. જોકે, તેમણે જૂના ઉદાહરણો ગણાવતા કહ્યું કે, રાજકારણ કમ્પોઝિશન, લિમિટેશન અને કોન્ટ્રાડિક્શનની ગેમ છે. ચૂંટણીમાં જીતવાનું રાજકારણ સૌથી મહત્વનું હોય છે. તેથી ક્યારેક ગઠબંધનમાં પાર્ટનર લેવા પડે છે, તાકાત વધારવી પડે છે. અમે પણ અમારા જોડાણની તાકાત વધારીએ છીએ.

દરમિયાન ગડકરીને દ્વારકા એક્સપ્રેસ વે અંગે કેગના રિપોર્ટ મુદ્દે સવાલ પૂછાયો હતો. કેગના રિપોર્ટને ટાંકીને વિપક્ષે દ્વારકા એક્સપ્રેસ વેના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ મૂક્યો છે. આ સંદર્ભમાં ગડકરીએ કહ્યું કે, દ્વારકા એક્સપ્રેસ વેના બાંધકામમાં કૌભાંડની વાત ખોટી છે. તેનાથી ઉલટુ આ કામમાં સરકારના ૧૨ ટકા નાણાંની બચત થઈ છે. ૧૦ ઑગસ્ટે સંસદમાં રજૂ થયેલા કેગના અહેવાલ મુજબ દ્વારકા એક્સપ્રેસ વેના નિર્માણમાં કેબિનેટ દ્વારા મંજૂર રકમ કરતાં વધુ નાણાંનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ગડકરીએ કહ્યું કે, હકીકતમાં દ્વારકા એક્સપ્રેસ વે મુદ્દે કેગે કરેલું મૂલ્યાંકન યોગ્ય નહોતું. દ્વારકા એક્સપ્રેસ વે ૨૯ કિ.મી.નો છે. અમે કેબિનેટને જે નોંધ મોકલી હતી તેમાં લખ્યું હતું કે અમે ૫,૦૦૦ કિ.મી. ટુ લેન રોડ બનાવીશું અને તેની કિંમત રૂ. ૯૧,૦૦૦ કરોડ હશે. તેમાંથી ફ્લાય ઓવર અને રિંગરોડની કિંમતનો અંદાજ ડીપીઆર બન્યા પછી નિશ્ચિત કરવાનો નિર્ણય લેવાયો હતો.

તેમણે ઉમેર્યું કે, કેગના રિપોર્ટમાં સમસ્યા એ છે કે જેને તેઓ ૨૯ કિ.મી.નો માર્ગ કહે છે, તે હકીકતમાં ૨૩૦ કિ.મી.નો છે, જેમાં કુલ ૬ ટનલ છે અને તે ૫૬૩ કિ.મી. કુલ લેન રોડ છે. જે ટેન્ડર કાઢવામાં આવ્યું હતું તે પ્રતિ કિ.મી. રૂ. ૨૦૬ કરોડનું હતું. આમ, અમે આ પ્રોજેક્ટ પર ૧૨ ટકા ખર્ચ ઘટાડયો છે. અમારા અધિકારીઓએ આ બાબતે કેગ સમક્ષ ચર્ચા કરી હતી અને તેઓ અધિકારીઓની વાત માની ગયા હતા. પરંતુ અમે ભૂલ એ કરી કે અમે આ બાબત લેખિતમાં આપી નહોતી. 

ગડકરીએ દાવો કર્યો કે માત્ર દ્વારકા એક્સપ્રેસ વે જ નહીં દેશભરમાં કોઈપણ જગ્યાએ અમે ટાઈમ બાઉન્ડ, પરિણામલક્ષી અને ભ્રષ્ટાચાર મુક્ત કામ કરીએ છીએ. આ સરકારમાં મેં રૂ. ૫૦ લાખ કરોડના કામ કરાવ્યા છે. એક પણ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો નથી અને જો કોઈ સાબિત કરે કે ભ્રષ્ટાચાર થયો છે તો હું સજા ભોગવવા પણ તૈયાર છું.