×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદ-મુંબઈ વચ્ચેની 'વંદે ભારત એક્સપ્રેસ'નું 130 Kmphની ઝડપે ટ્રાયલ રન શરૂ


- માત્ર 6 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડી શકવા માટે સક્ષમ અને 3,500 રૂપિયા ભાડું નિર્ધારીત

અમદાવાદ, તા. 09 સપ્ટેમ્બર, 2022, શુક્રવાર

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના લોકો માટે એક આનંદના સમાચાર છે. આજથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી 'વંદે ભારત એક્સપ્રેસ' ટ્રેનનું ટ્રાયલ રન શરૂ કરી દેવાયું છે. આમ નવરાત્રી સુધીમાં જ આ ટ્રેન અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી થઈ જશે. 

આ ટ્રેનની ઝડપ 200 કિમી પ્રતિ કલાકની છે પરંતુ ભારતીય ટ્રેકની ક્ષમતાને ધ્યાનમાં રાખીને 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રનનો આરંભ કરવામાં આવ્યો છે. જોકે અન્ય રાજ્યોમાં આ ટ્રેનનું 180 કિમી પ્રતિ કલાકની ઝડપે પરીક્ષણ કરવામાં આવ્યું છે. 

આજથી અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેનની ફુલ લેન્થ ટ્રાયલ હાથ ધરવામાં આવી છે અને ભવિષ્યમાં તે માત્ર 6થી 6:30 કલાકમાં જ લોકોને અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ પહોંચાડી દેશે. સાથે જ વચ્ચે તે માત્ર વડોદરા જંક્શન પર જ ઉભી રહેશે. વંદે ભારત ટ્રેનમાં અમદાવાદ-મુંબઈ માટે 3,500 રૂપિયા ભાડું નિર્ધારિત કરવામાં આવે તેવી શક્યતા છે. 

સવારે અમદાવાદથી ઉપડેલી આ ટ્રેન 491 કિમીનું અંતર કાપીને મુંબઈ સ્ટેશન ખાતે એકાદ કલાકના બ્રેક બાદ રાત સુધીમાં અમદાવાદ પરત આવી જશે. ઉલ્લેખનીય છે કે, વંદે ભારત અંતર્ગત 300 ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડવા લાગશે.

સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજી વડે બનેલી આ ટ્રેન 1,128 પેસેન્જરની ક્ષમતા ધરાવે છે અને 16 કોચ ધરાવતી આ ટ્રેન સામાન્ય શતાબ્દી ટ્રેનની સરખામણીએ ઓછો સમય લેશે. ટ્રેનની મધ્યમાં બે ઉચ્ચ વર્ગના કમ્પાર્ટમેન્ટ હશે અને પ્રત્યેકમાં 52 સીટ હશે. જ્યારે સામાન્ય કોચમાં 78 સીટ હશે.

વંદે ભારત એક્સપ્રેસમાં GPS, અલગ પ્રકારની લાઈટ, ઓટોમેટિક દરવાજા, વાઈફાઈ, AC, વ્યક્તિગત ચાર્જિંગ સોકેટ અને CCTV સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે.