×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ : 38ને ફાંસી, 11ને જન્મટીપ


2008ના સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ચુકાદો : એક સાથે 38ને ફાંસીની સજા અપાઇ હોય તેવો દેશનો સૌપ્રથમ કેસ

આ દોષિતોને જેલમાં રાખી નીભાવવાની જરૂર નથી, આંતકી કૃત્ય કરનારાંઓ માટે મૃત્યુદંડ જ આખરી વિકલ્પ

જેહાદ પવિત્ર શબ્દ છે, આતંકી સંગઠનોએ તેનો દુષ્પ્રચાર-દુરૂપયોગ કર્યો, સાચા મુસ્લિમ સંગઠનોએ જેહાદના સાચા અર્થનો પ્રચાર કરવો જોઇએ: કોર્ટ

કાયદા પ્રમાણે ફાંસીની સજા કન્ફર્મ કરાવવા રાજ્ય સરકાર હાઇકોર્ટમાં અરજી કરશે : મૃતકોના પરિવાર અને ઇજાગ્રસ્તોને વળતરનો આદેશ

અમદાવાદ : વર્ષ 2008ના અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિત ઠરેલા 49 આરોપીઓ પૈકી 38 આરોપીઓને સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા અને 11 આરોપીઓને જન્મટીપની સજા ફટકારી છે. એકસાથે 38 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી હોય તેવો આ ભારતનો સૌપ્રથમ કેસ છે. અગાઉ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યા કેસમાં 26 આરોપીઓને ફાંસીની સજા ફટકારાવમાં આવી હતી. 

કાયદા પ્રમાણે ફાંસીની સજા કન્ફર્મ કરાવવા હવે રાજ્ય સરકાર હાઇકોર્ટમાં અરજી કરશે. આ ઉપરાંત સ્પેશિયલ સેશન્સ જજ એ.આર. પટેલે આદેશ કર્યો છે કે સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને રૂપિયા એક લાખ, ગંભીર ઇજા પામેલા લોકોને 50 હજાર રૂપિયા અને સામાન્ય ઇજા પામેલા લોકોને 25 હજારનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

સ્પેશિયલ સેશન્સ જજ એ.આર. પટેલે 11:17 કલાકે સજાની સુનાવણી શરૂ કરી હતી. જે દરમિયાન 11:37 કલાકે ફાંસની સજા પામેલા આરોપીઓના નામનું એલાન કરવામાં આવ્યું હતું અને 11:43 કલાકે સુનાવણી પૂર્ણ થઇ હતી. ટ્રાયલ કોર્ટે સજા સંભળાવતા પોતાનું અવલોકન નોંધ્યું છે તે આરોપીઓને જેહાદના નામે આ કૃત્ય કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. 

જેહાદ એ પવિત્ર શબ્દ છે, પરંતુ રાષ્ટ્ર વિરૂદ્ધ આતંકવાદી પ્રવૃત્તિ કરનારાં આતંકવાદીઓ સંગઠનોએ જેહાદ શબ્દનો દુષ્પ્રચાર અને દુરૂપયોગ કર્યો છે. જેથી પવિત્ર કુરાનમાં વિશ્વાસ રાખતા સાચા મુસ્લિમ સંગઠનોએ જેહાદ શબ્દનો સાચો પ્રચાર કરવો જોઇએ અને તેનો દુષ્પ્રચાર અટકાવવો જોઇએ.

13 મહિના અને 195 દિવસ સુધી ચાલેલી આ ટ્રાયલની સુનાવણી સમયાંતરે કુલ નવ જજો દ્વારા કરવામાં આવી છે, અને તપાસનીશ એજન્સીઓ તરફથી ખાસ સરકારી વકીલ અને સીનિયર એડવોકેટ એચ.એમ. ધુ્રવ, મિતેષ અમીન, સુધીર બ્રહ્મભટ્ટ અને અમિત પટેલ તરફી દલોલો કરવામાં આવી હતી. આરોપીઓને સજા માટે રાજીવ ગાંધીની હત્યા કેસ સહિતના સુપ્રીમ કોર્ટના 600 ચુકાદાઓને પ્રોસિક્યુશન તરફથી ટાંકવામાં આવ્યા છે. 

અમદાવાદમાં ભદ્ર સ્થિત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આજે સજા અંગે સુનાવણી યોજાવાની હોવાથી ગઇકાલ રાતથી જ કોર્ટ સંકુલમાં પોલીસ અને અન્ય એજન્સીઓનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.  કેસની સંવેદનશીલતા ધ્યાને રાખી સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી વકીલો સિવાયના લોકોને કોર્ટ સંકુલમાં પ્રવેશવાની મનાઇ ફરમાવવામાં આવી હતી. 

સજા સાંભળતી વખતે આરોપીઓના મોં પર ખંધુ હાસ્ય

આજની સુનાવણીમાં જેલમાં રહેલાં આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જો કે સજાની સુનાવણી ચાલી રહી હતી ત્યારે મોટાંભાગના આરોપીઓના મોઢાં પર કોઇ રંજ નહોતો અને આરોપીઓ સજાનું એલાન સાંભળી હસી રહ્યાં હતા.

આ આરોપીઓ પર દયાભાવ રાખવો માનવભક્ષી દીપડાઓને છૂટા મૂકવા સમાન

કોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું છે કે આરોપીઓ આ દેશમાં રહી દેસ વિરૂદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે, તેથી આ દેશે તેમને જેલમાં રાખી નીભાવવાની પણ જરૂર નથી. તેમ છતાં જો આરોપીઓને સમાજમાં રાખવામાં આવે તો માનવભક્ષી દિપડા સમાજમાં ચૂટ્ટા મૂકવા સમાન ગણાશે.

આંવા વ્યક્તિઓનો પડછાયો પણ સમાજ માટે અતિ જોખમી ગણાય. સમાજના નિર્દોષ લોકો પ્રત્યે આરોપીઓએ દયાભાવ રાખ્યો નથી તેથી અદાલતે પણ આરોપીઓ પ્રત્યા દયાભાવ રાખવાની જરૂર નથી. ાવા અી આતંકવાદી પ્રવૃત્તિ કરનારાા આરોપીઓને મૃત્યુદંડની સજા જ એકમાત્ર અને આખરી વિકલ્પ છે.

આ ઉપરાંત કોર્ટે નોંધ્યું છે કે દેશ વિરૂદ્ધ આતંકવાદી પ્રવૃત્તિ કરનારા આતંકવાદી સંગઠનો દ્વારા જેહાદ શબ્દનો દુરૂપયોગ કરવામાં આનવે છે. આવાં સંગઠનો દ્વારા નિર્દોષ મુસ્લિમો યુવાનોના મગજ ઉપર જેહાદના નામે કબ્જો જમાવી દેશ અને સમાજને છિન્ન-ભિન્ન કરે તેવી પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે.  તેથી દેશની સુરક્ષા, શાંતિ અને સલામતી જાળવવા માટે આ આરોપીઓને કાયદામાં જણાવ્યા મુજબની મહત્તમ સજા થવી જોઇએ.

અમદાવાદ બ્લાસ્ટ : દોષિતો  કયા રાજ્યના વતની ?

રાજ્ય

દોષિત

ગુજરાત

15

ઉત્તર પ્રદેશ

09

મહારાષ્ટ્ર

08

મધ્ય પ્રદેશ

07

કેરળ

03

કર્ણાટક

03

રાજસ્થાન

03

હૈદરાબાદ

01


ચુકાદા માટે 38 લાખ પાનાંની જરૂર, નકલ પેનડ્રાઇવમાં અપાશે

બોમ્બ બ્લાસ્ટ કેસમાં કુલ 547 ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે અને દરેક ચાર્જશીટના આધારે 7014 પાંનાની જરૂર પડે તેમ છે. તેથી ચુકાદા માટે 38,35,658 પાનાંની જરૂર પડે તેમ છે. પાનાંની જંગી સંખ્યાને ધ્યાને રાખી કોર્ટ દ્વારા નક્કી કરવામાંઆવ્યું છે કે ચુકાદાની નકલ પેનડ્રાઇવ અથવા સી.ડી.માં રજૂ કરવામાં આવશે અને સંબંધિત પક્ષકારોને આપવામાં આવશે.

ગુપ્ત સાક્ષીઓ સૌથી સબળ પુરાવો સાબિત થયા

બ્લાસ્ટ કેસમાં પ્રોસિક્યુશનનો કેસ પ્રસ્થાપિત કરવામાં ગુપ્ત સાક્ષીઓ સૌથી સબળ પુરાવો સાબિત થયા છે. આ કેસમાં કુલ 11 ગુપ્ત સાક્ષીઓને તપાસમાં આવ્યા હતા, જેમાંથી ત્રણ સાક્ષી હોસ્ટાઇલ થયા હતા અને નિવેદન ફેરવી તોળ્યું હતું. જો કે બાકીના ગુપ્ત સાક્ષીઓએ આપેલી માહિતીએ પ્રોસિક્યુશનનો કેસ મજબૂત બનાવ્યો હતો.

પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક થયેલા કેમ્પના ગુપ્ત સાક્ષીઓ, બોમ્બ પ્લાન્ટ કરવાના કાવતરાના જાણકારી ધરાવતા ગુપ્ત સાક્ષીઓ, ઉશ્કેરણીજનક સાહિત્ય સીદી સૈયદની જાળીમાં આવેલા કૂવામાં સંતાડવામાં આવ્યું હતું તેની જાણકારી ધરાવતા ગુપ્ત સાક્ષીઓની જુબાની સૌથી સબળ પુરાવો સાબિત થયા હતા. 

બોમ્બ પ્લાન્ટેશન નજરે જોનારો એકપણ સાક્ષી નહીં, સાંયોગિક પુરાવાઓની કડી મદદરૂપ થઇ

ઉલ્લેખનીય છે કે આ કેસમાં બોમ્બ પ્લાન્ટેશન નજરે જોનારો એકપણ સાક્ષી નહોતો.  જેથી સાંયોગિક પુરાવાઓની કડી કેસ પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ થઇ હતી. આરોપીઓ પાસેથી ઝડપાયેલા આશરે 40 મોબાઇલ ફોનના લોકેશન બ્લાસ્ટના સમયે તે વિસ્તારોમાં જ હતા.

આ ઉપરાંત આરોપીઓએ કેરળના વાઘમોન અને ગુજરાતના હાલોલમાં બોમ્બ બનાવવવાની અને જેહાદી પ્રવૃત્તિઓની તાલીમ લીધી હતી તે અંગે ચાર આરોપીઓએ સી.આર.પી.સી.-164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું હતું. આ નિવેદનને પુરવાર કરવા સંબંધિત મેજિસ્ટ્રેટોની જુબાની પણ ટ્રાયલ કોર્ટ દ્વારા લેવમાં આવી હતી. 

ફાંસીની સજા પામનારા દોષિતો

(1) જાહીદ કુતબુદ્દીન શેખ

(2) ઇમરાન ઇબ્રાહિમ શેખ

(3) ઇકબાલ કાસમ શેખ

(4) સમસુદ્દીન શાહબુદ્દીન શેખ

(5) ગ્યાસુદ્દીન અબ્દુલ હલીમ અંસારી

(6) મોહમ્મદ આરીફ કાગઝી

(7) મહમ્મદ ઉસ્માન અગરબત્તીવાલા

(8) યુનુસ મહમ્મદ મન્સુરી

(9) કમરૂદ્દીન ચાંદ મોહમ્મદ નાગોરી

(10) આમીલ પરવાઝ શેખ

(11) સીબલી ઉર્ફે સાબીત અબ્દુલ કરીમ મુસ્લિમ 

(12) સફદરહુસેન નાગોરી 

(13) હાફીઝ હુસેન મુલ્લા

(14) મોહમ્મદ સાજીદ મન્સુરી

(15) મુફ્તી અબુબશર ઉર્ફે અબ્દુલ રસીદ શેખ

(16)  અબ્બાસ ઉમર સમેજા

(17) જાવેદ અહેમદ શેખ

(18) મહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે અબ્દુલ રાજીક મન્સુરી

(19) અફઝલ ઉસ્માની

(20) મહમ્મદ આરીફ જુમ્મન શેખ

(21) આસિફ બસીરૂદ્દીન શેખ

(22) મોહમ્મદ આરીફ નસીમ એહમદ મીરઝા

(23) કયામુદ્દીન ઉર્ફે રિઝવાન સરફીદ્દીન કાપડીયા

(24) મોહમ્મદ સેફ ઉર્ફે મિસ્ટર શેખ

(25)  જીશાન અહેમદ ઉર્ફે જીશાન એહમદ શેખ

(26) ઝીયાઉર રહેમાન ઉર્ફે ઝીયા અબ્દુલ રહેમાન તેલી

(27) મોહમ્મદ શકીલ લુહાર

(28) મોહમ્મદ અકબર ઉર્ફે વિનોદ ઉર્ફે યાકુબ ચૌધરી

(29)  ફઝલે રહેમાન દુર્રાની

(30) એહમદ બાવા બરેલવી

(31) સરફુદ્દીન ઉર્ફે ઇ.ટી. સૈનુદ્દીન ઉર્ફે અબ્દુલ સત્તાર

(32) સૈફુર રહેમાન ઉર્ફે સૈફ અબ્દુલ રહેમાન

(33) સાદુલી અબ્દુલ કરીમ

(34) મોહમ્મદ તન્વીર પઠાણ

(35) આમીન ઐયુબ નઝીર શેખ

(36) મોહમ્મદ મોબીન અબ્દુલ સકુરખાન

(37) મોહમ્મદ રફીક ઉર્ફે આલમ જેબ આફ્રિદી

(38) તૌસીફખાન સગીર અહેમદખાન પઠાણ

જન્મટીપ પામેલા આરોપીઓ

(1) અતીકઉર રહેમાન

(2) મહેંદીહસન ઉર્ફે વિક્કી અબ્દુલ હબીબ અન્સારી

(3) ઇમરાન અહેમદ પઠાણ

(4) મોહમ્મદઅલી અબુબકર મોહરમઅલી અન્સારી

(5) મોહમ્મદ સાદીક ઇસરાર અહમદ શેખ

(6) રફીઉદ્દીન સરફુદ્દીન કાપડીયા 

(7) અનીર શફીક સૈયદ

(8) મોહમ્મદ નૌશાદ ઇરશાદ સૈયદ

(9) મોહમ્મદ અંસાર અબ્દુલ રઝાક

(10) મોહમ્મદ સફીક અંસારી

(11) મોહમ્મદ અબરાર બાબુખાન મણિયાર

મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ સામે હવે કેસ ચાલશે

બ્લાસ્ટ કેસના મુખ્ય સૂત્રધાર તરીકે કુખ્યાત આતંકી યાસીન ભટકલ છે. જો કે તેની સામે હજુ કેસ ઓપન થવાનો બાકી છે. યાસીન ભટકલ  વર્ષ 2007થી દુબઇથી ફરાર હતો અને ત્યારબાદ ઓગસ્ટ-2013માં તેને ભારત-નેપાળ બોર્ડર પરથી ઝડપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો છે.

આ દરમિયાન વર્ષ 2013ના હૈદરાબાદ બ્લાસ્ટમાં પણ તેનું નામ ખૂલતા એન.આઇ.એ. કોર્ટ દ્વારા તેને હૈદરાબાદ બ્લાસ્ટ કેસમાં ફાંસની સજા સંભળાવવામાં આવી છે. જો કે તે તિહાર જેલમાં બંધ હોવાથી તેની સામે કેસ ઓપન થયો નહોતો. હવે ગુજરાતની તપાસ એજન્સીઓ તેની સામે કેસ ઓપન કરવાની અરજી આપશે અને કેસ ઓપન થશે.