×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદ ક્રાઇમબ્રાંચના બે ભાગલા પાડવા માટેનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે


અમદાવાદ, સોમવાર

અમદાવાદ શહેરનો વિસ્તાર અને  વસ્તી વધારો થયો હોવાથી  હવેથી અમદાવાદ ક્રાઇમબ્રાંચના બે ભાગલા પાડવા માટેનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે. જેના કારણે તત્કાલિન  પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે નિવુત થવાના થોડા સમય પહેલાં જ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે આ બાબતે  મિટીંગ પણ યોજી હતી. આ મિંટીગમાં અમદાવાદ શહેર  ક્રાઇમબ્રાંચના બે ભાગલા પાડવા માટેની ખાસ  વાતચીત થઇ હતી. જેમાં પુર્વ ક્રાઇમબ્રાંચ અને પશ્ચિમ ક્રાઇમબ્રાંચ બનાવવા બાબતે ચર્ચા થઇ હતી. તે વખતે શહેરમાં નવા બનેલા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં જ આઠ માળની બિલ્ડીંગ બનાવીને ત્યાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચની પશ્ચિમ વિભાગની ઓફિસ બનાવવા માટેની યોજના પણ બનાવી હતી. તેમજ હાલમાં ગાયકવાડ હવેલી સ્થિત આવેલી ક્રાઇમબ્રાંચને પુર્વ ક્રાઇમબ્રાંચ બનાવવાની પણ ચર્ચા થઇ હોવાનુ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારી તરફથી જાણવા મળ્યુ છે.

અમદાવાદ શહેરમાં બે મહિલા પોલીસ સ્ટેશન સહિત ૫૦ પોલીસ સ્ટેશન આવેલા છે. આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસની હદ પશ્ચિમ વિસ્તારમાં છેક અડધા ગાંધીનગર એટલે કે વૈષ્ણવદેવી સુધી તેમજ પુર્વ વિસ્તારમાં છેક કઠવાડા ગામ સુધીની છે. તેમજ કુદકેને ભુસ્કે વધી રહેલી વસ્તીના કારણે તેનો આંકડો એક કરોડ સુધી પહોચવા આવ્યો છે. જેના કારણે તાત્કાલિક અને ઝડપથી ક્રાઇમબ્રાંચની ટીમો પહોંચી વળે અને તાત્કાલિક ક્રાઇમને અંજામ આપનારા ગુનેગારોને ડામી શકે તે હેતુથી ક્રાઇમબ્રાંચના બે ભાગલા પાડવા માટેનો તખ્તો તૈયાર થયો હોવાનુ સુત્રો તરફથી જાણવા મળ્યુ છે. નોંધનીય છે કે પશ્ચિમ અને પુર્વ વિસ્તારના ક્રાઇમની પધ્ધતી પણ અલગ-અલગ જોવા મળે છે. જો કે તેના માટે પણ અમદાવાદમાં આર્થિક ગુનાને નિવારણ લાવવા માટે ઇકોનોમીક સેલ પણ બનાવવામાં આવ્યો છે. 

 પશ્ચિમ વિસ્તારમાં અલગ જ પ્રકારની ક્રાઇમબ્રાંચ બનાવવા માટેનો તખ્તો તૈયાર 

શહેરના પોશ વિસ્તારો જેવા કે બોડકદેવ, સિંધુભવન, વસ્ત્રાપુર, સેટેલાઇટ, નવરંગપુરા, નારણપુરા, સી.જી રોડ જેવા વિસ્તારોમાં આર્થિક ગુનાઓ, ડ્રગ્સ પેડલરો યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢાવીને અનેક સારા ઘરના યુવક-યુવતીઓની જીંદગી સાથે ખેલવાડ કરે છે, તેમજ જમીનના ભાવ વધવાના કારણે તેમાં પણ છેતરપિંડીના કેસોને વધતા અટકાવવા માટે તેમજ સિનીયર સિટીઝનો પર થતાં હુમલા અને હત્યાના બનાવોઅટકાવવા માટે પશ્ચિમ વિસ્તારમાં અલગ જ પ્રકારની ક્રાઇમબ્રાંચ બનાવવા માટેનો તખ્તો તૈયાર થઇ રહ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. તો બીજીતરફ પુર્વ વિસ્તારમાં પરપ્રાંતિય પ્રજા વધારે હોવાથી નાની-નાની બાબતોમાં હુમલા, હત્યા , વ્યાજખોરીનો વેપલો, તેમજ ચોરી, લુંટ અને ધાડ જેવી ઘટનાઓને અટકાવવા માટે પુર્વમાં હાલમાં ચાલી રહેલી ગાયકવાડ હવેલી સ્થિત ક્રાઇમબ્રાંચને પુર્વ ક્રાઇમબ્રાંચ બનાવવા માટેની યોજના વિચારવામાં આવી રહી છે. ખુંખાર ગુનેગારોને હંફાવતી  અમદાવાદ ક્રાઇમબ્રાંચના બે ભાગલા પાડવા માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જો કે હાલ અમદાવાદ ક્રાઇમબ્રાંચનો ભારત દેશમાં બીજો નંબર આવે છે એટલે કે હાલની ક્રાઇમબ્રાંચનુ નેટવર્ક અને કામગીરી બહુ વ્યવસ્થીત ચાલી રહી હોવાનુ કેટલાક પોલીસ અધિકારીઓ માની રહ્યા છે. જેથી ક્રાઇમબ્રાંચના બે ભાગલા ના પડે તે માટે પણ વિચારી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચે જ દેશભરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનુ પગેરૂ સૌ પહેલા શોધ્યુ હતુ અને તેના કારણે  આતંકવાદીઓને દબોચી લેવામાં આવ્યા હતા.