×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદમાં સરદારધામ ભવનનું લોકાર્પણ, PM મોદીએ 9/11ની ઘટનાને કરી યાદ


- કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા

નવી દિલ્હી, તા. 11 સપ્ટેમ્બર, 2021, શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અમદાવાદમાં સરદારધામ ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ ભવન સારી નોકરીની ઈચ્છા રાખનારા ગ્રામીણ ક્ષેત્રના છોકરાઓ અને છોકરીઓને છાત્રાવાસની સુવિધા પૂરી પાડશે. પાટીદાર સમાજ દ્વારા બનાવવામાં આવેલું આ કોમ્પ્લેક્સ વિદ્યાર્થીઓને ઉચિત દરે ટ્રેઈનિંગ, બોર્ડિંગ, લોજની સુવિધાઓ પ્રદાન કરશે. લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ અમેરિકાની 9/11ની આતંકવાદી હુમલાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

સરદારધામ ભવનના લોકાર્પણ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, 'કોઈ પણ શુભ કાર્ય પહેલા આપણા ત્યાં ગણેશ પૂજનની પરંપરા છે અને સૌભાગ્યવશ સરદારધામ ભવનનું શ્રીગણેશ પણ ગણેશ પૂજનના પવિત્ર તહેવારના અવસર પર જ થઈ રહ્યું છે.' વડાપ્રધાને શિકાગો ખાતે સ્વામી વિવેકાનંદે આપેલા ભાષણને યાદ કરીને કહ્યું કે, આજના દિવસે જ 1893માં શિકાગો ખાતે વિશ્વ ધર્મ સંસદનું આયોજન થયું હતું. આજના દિવસે જ સ્વામી વિવેકાનંદે વૈશ્વિક મંચ પર ઉભા થઈને વિશ્વને ભારતના માનવીય મૂલ્યોનો પરિચય કરાવ્યો હતો. 

આતંકવાદી ઘટનાઓનો સબક યાદ રાખવો પડશે

અમેરિકામાં 20 વર્ષ પહેલા બનેલી 9/11ની આતંકવાદી હુમલાની ઘટનાની વરસીનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને કહ્યું કે, આપણે આ આતંકવાદી ઘટનાઓના સબકને યાદ રાખવો પડશે અને સાથે જ માનવીય મૂલ્યો માટે સંપૂર્ણ આસ્થા સાથે પ્રયત્ન પણ કરતા રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે, આજના દિવસે જ 20 વર્ષ પહેલા અલ કાયદાએ અમેરિકામાં સૌથી વિકૃત આતંકવાદી હુમલાને અંજામ આપ્યો હતો જેમાં આશરે 3,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 

અમદાવાદના લોકાર્પણ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને કહ્યું કે, 'આજે જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે દેશે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયત્ન એવો મંત્ર આપ્યો છે. ગુજરાત તો અતીતથી લઈને આજ સુધી સહિયારા પ્રયત્નોની ધરતી રહ્યું છે. આઝાદીની લડાઈ વખતે ગાંધીજીએ અહીંથી જ દાંડી માર્ચની શરૂઆત કરી હતી. આ જ રીતે ખેડા આંદોલનમાં સરદાર પટેલના નેતૃત્વમાં ખેડૂત, નવયુવાનો, ગરીબોની એકજૂથતાએ અંગ્રેજી હકૂમતને નમવા માટે મજબૂર કરી દીધી હતી.'

સરદારધામ ફેઝ-2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિ પૂજન

વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 11:00 વાગ્યે સરદારધામ ફેઝ-2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમઓના અહેવાલ પ્રમાણે સરદારધામ શૈક્ષણિક અને સામાજીક પરિવર્તન, સમાજના નબળા વર્ગોના ઉત્થાન અને યુવાનોને રોજગારના અવસર પ્રદાન કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. 


200 કરોડના અંદાજિત ખર્ચથી નિર્માણ

સરદારધામની સત્તાવાર વેબસાઈટ પ્રમાણે અમદાવાદમાં પહેલા તબક્કાનું નિર્માણ 200 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી પૂર્ણ કરવામાં આવ્યું છે. તે અમદાવાદ-ગાંધીનગર સીમા ક્ષેત્રમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે 11,672 વર્ગ ફૂટ ક્ષેત્રમાં બનાવવામાં આવ્યું છે. કોમ્પ્લેક્સના પરિસરમાં આધુનિક સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ગર્લ્સ હોસ્ટેલ 2,000 છોકરીઓને રહેવા માટેની સુવિધા પ્રદાન કરશે. સરદારધામમાં 1,600 વિદ્યાર્થીઓ માટે આવાસીય સુવિધાઓ, 1000 કોમ્પ્યુટર સિસ્ટમ સાથે ઈ-લાઈબ્રેરી, ઉચ્ચ તકનીકોવાળા વર્ગખંડ, જિમ, ઓડિટોરિયમ, હોલ, 50 લક્ઝરી રૂમ વગેરે સુવિધા ઉપલબ્ધ છે.