×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદમાં પ્રદિપ ડોનની હત્યા કેસના આરોપી જિજ્ઞેશ સોનીની ક્રિકેટ સટ્ટો અને ડબ્બા ટ્રેડિંગમાં ધરપકડ



અમદાવાદઃ સ્ટેટ મોનિટરિંગ સેલે એસએમસીએ ક્રિકેટ સટ્ટા અને શેરબજારના ડબ્બા ટ્રેડિંગ પર દરોડો પાડીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. સટ્ટા-ડબ્બા ટ્રેડિંગનું સંચાલન જીજ્ઞેશ સોની કરી રહ્યો હતો જે અમદાવાદના ખાડિયામાં કુખ્યાત પ્રદીપ ડોનની હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજામાં જેલમાં 10 વર્ષ જેટલો સમય રહ્યા બાદ બે વર્ષ પહેલાં જેલમાંથી બહાર આવ્યો હતો અને બહાર આવતાંની સાથે જ તેણે દુબઈના બુકીઓ સાથે મળીને સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ગોઠવી નાખ્યું હતું. સાબરમતિ જેલમાં પણ જિજ્ઞેશ સોનીનો દબદબો હતો. એસએમસીને રેડ દરમિયાન જિજ્ઞેશ સોનીની ઓફિસની અંદર અને બહાર CCTV અને બાયોમેટ્રીક ગેટ જોવા મળ્યા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા આનંદનગર વિસ્તારમાં આવેલા પીએનટીસી બિલ્ડિંગમાં દરોડો પાડીને સટ્ટો રમાડી રહેલા તેમજ ડબ્બા ટ્રેડિંગ કરી રહેલા જીજ્ઞેશ સોની , ખેતાન પટેલ, હર્ષલ સોનીને પકડી પાડ્યા હતા. આ ત્રણેય પાસેથી આઠ મોબાઈલ, ત્રણ લેપટોપ, એક ડાયરી, ચાર રાઈટિંગ પેડ સહિત 1.71 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ ત્રણેયની પૂછપરછ કરવામાં આવતાં ત્રણેયે જણાવ્યું કે ક્રિકેટનો સટ્ટો તેઓ રાધે એક્સચેન્જ આઈડી પર રમાડી રહ્યા હતા. આ આઈડી દુબઈમાં બેઠેલા એરિક શાહ, રાજ પટેલ અને હાલ દુબઈમાં છુપાઈ ગયેલા ટોમી ઉંઝા દ્વારા બનાવવામાં આવ્યું છે. 

આ લોકોને એસએમસીએ વોન્ડેટ બતાવ્યા

જ્યારે શેર ડબ્બા ટ્રેડિંગ એરોબ્રિક્સ નામના સર્વર પરથી રમાડવામાં આવતું હતું. આ સર્વર એરિક શાહ, અજીત ખત્રી, હરેશ ધરસંડીયા, જીગર અને જેનિલ દ્વારા બનાવવામાં આવ્યું છે. જેના મારફતે ડબ્બા ટ્રેડિંગનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના જણાવ્યા પ્રમાણે ક્રિકેટ આઈડી પર સટ્ટો રમી રહેલા આઠ અને સર્વર પર ડબ્બા ટ્રેડિંગ કરનારા 11 ગ્રાહકોના નામ પણ સામે આવ્યા છે.  જેમની સામે પણ ગુનો નોંધીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાલ આરોપીઓની ધરપકડ કરીને તેની સોંપણી અમદાવાદની આનંદનગર પોલીસને કરવામાં આવી છે. ક્રિકેટ IDમાં એરિક શાહ, રાજ પટેલ અને ટોમી ઊંઝાને ફરાર બતાવ્યા છે. જ્યારે ડબ્બા ટ્રેડિંગમાં એરિક શાહ, અજિત ખત્રી, હરેશ ધરસંડિયા, જિગર અને જેનીલને વૉન્ટેડ બતાવવામાં આવ્યાં છે. 

કોણ છે જિજ્ઞેશ સોની? 

2009માં અમદાવાદના ખાડીયા પોલીસ સ્ટેશનની હદમાં પ્રદીપ ડોનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યા કેસમાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં જીજ્ઞેશ સોની અને રાકેશ પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રદીપ ડોનની હત્યા બાદ જીજ્ઞેશ સોની અને તેના સાગરીતો જેલમાં ધકેલાયા હતા. સાબરમતી જેલમાં જીજ્ઞેશના અન્ય ગુનેગારો સાથે સંપર્ક બની ગયા હતા. પેરોલ પર બહાર આવતા જીજ્ઞેશ સોનીએ અમદાવાદના કોટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કરતા બિલ્ડરોને ટાર્ગેટ કરવાનું શરૂ કરી ખંડણી રેકેટ શરૂ કર્યું હતું. થોડાક વર્ષો અગાઉ 75 લાખની ખંડણી માગવાનો કેસ પણ ખાડીયા પોલીસ સ્ટેશનમાં તેની સામે નોંધાયો હતો. આ ઉપરાંત જમીનની મેટરોમાં પણ જીજ્ઞેશ સોનીએ ઝંપલાવ્યું હોવાની વાતો ચર્ચામાં છે.