×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અબજોપતિ પરિવારો સંપત્તિની વહેંચણી કેવી રીતે કરે છે તેનો અભ્યાસ કરી રહ્યા છે મુકેશ અંબાણી…


મુંબઈ, તા. 23. નવેમ્બર, 2021 મંગળવાર

ભારત અને એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી પોતાનુ 208 અબજ ડોલરનુ બિઝનેસ એમ્પાયર નવી પેઢીના હાથમાં સોંપવા માટે તૈયારી કરી રહ્યા છે.આ માટે તેઓ એવો પ્લાન તૈયાર કરવા માંગે છે કે, આગળ જતા સંપત્તિને લઈને કોઈ વિવાદ ના થાય.

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે આ માટે મુકેશ અંબાણી દુનિયાભરના અબજોપતિ પરિવારોમાં સંપત્તિની વહેંચણી કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કરી રહ્યા છે.જેમાં મુકેશ અંબાણીને વોલમાર્ટ કંપનીના માલિક વોલ્ટન પરિવારનુ મોડેલ વધારે પસંદ આવ્યુ છે.1992માં વોલમાર્ટના સ્થાપક સેમ વોલ્ટનના નિધન બાદ જે રીતે તેમના બિઝનેસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તે પધ્ધતિ મુકેશ અંબાણીને પસંદ આવી છે.

વોલ્ટન પરિવારે 1988થી કંપનીના રોજ બરોજના વ્યવસાયને મેનેજરોના હાથમાં સોંપીને તેના પર નજર રાખવા માટે એક બોર્ડ બનાવ્યુ હતુ.જેમાં સેમ વોલ્ટનના પુત્ર રોબ વોલ્ટન અને ભત્રીજા સ્ટુઅર્ટ વોલ્ટનનો સમાવેશ કરાયો છે.સેમ વોલ્ટને પોતાના પારિવારિક વ્યવસાયનો 80 ટકા હિસ્સો પોતાના ચાર સંતાનોને આપી દીધો હતો.સેમ વોલ્ટને તો પોતાના નિધનના 40 વર્ષ પહેલાથી ઉત્તરાધિકારી બનાવવા માટેની યોજના પર કામ કરવા માંડ્યુ હતુ.

આ મોડેલ અંબાણીને પસંદ આવ્યુ છે.તેઓ પરિવારની હોલ્ડિંગને એક ટ્રસ્ટમાં રાખવા માંગે છે અને આ ટ્રસ્ટ દેશની સૌથી મુલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ લિમિટેડને કંટ્રોલ કરશે.અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી અને ત્રણ બાળકોની હિસ્સેદારી હશે અને તેઓ આ બોર્ડમાં સામેલ હશે.મુકેશ અંબાણીના વિશ્વાસુ લોકો સલાહકારના રોલમાં આ બોર્ડમાં સ્થાન પામશે.

સૂત્રોનુ કહેવુ છે કે, કંપનીનુ મેનેજમેન્ટ પ્રોફેશનલ લોકોને સોંપાશે અને તે રિલાયન્સનો જેટલો પણ બિઝનેસ છે તેના પર ધ્યાન આપશે.જોકે સૂત્રોનુ કહેવુ છે કે, અંબાણી બીજા વિકલ્પો પર પણ વિચાર કરી રહ્યા છે અને હજી તેમણે કોઈ નિર્ણય લીધો નથી.

અંબાણી પરિવાર તરફથી આ મામલા પર બ્લૂમબર્ગને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.હજી સુધી મુકેશ અંબાણીએ રિલાયન્સના ચેરમેન કે મેનેજિંગ ડિરેકટરનુ પદ છોડવા માટે કોઈ જાહેરાત નથી કરી પણ તેમના સંતાનો બિઝનેસમાં વધારે સક્રિય દેખાઈ રહ્યા છે.જુન મહિનામાં શેરહોલ્ડરોને કરેલા સંબોધનમાં પણ મુકેશ અંબાણીએ સંકેત આપ્યો હતો કે, આકાશ, ઈશા અને અનંત રિલાયન્સમાં મહત્વની ભૂમિકા ભજવશે.

આ પહેલા ધીરુભાઈ અંબાણીના નિધન બાદ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે સંપત્તિની વહેંચણીને લઈને વિવાદ સર્જાયો હતો અને તેના કારણે મુકેશ અંબાણી સતર્કતા વરતી રહ્યા હોવાનુ કહેવાઈ રહ્યુ છે.બંને વચ્ચે ચાર વર્ષ સુધી વિવાદ ચાલ્યા બાદ આખરે માતા કોકિલાબેને મધ્યસ્થી કરી હતી અને બંને ભાઈઓ વચ્ચે કંપનીઓની વહેંચણી કરાઈ હતી.