×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અફઘાનિસ્તાનની સ્થિતી ચિંતાજનક, આતંકવાદ સામે દુનિયા એક થાય: જયશંકર

નવી દિલ્હી, 19 ઓગસ્ટ 2021 ગુરૂવાર

ભારતના વિદેશ મંત્રી જયશંકરે UNSCની બેઠકમાં અફઘાન સંકટ અંગે વાત કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કેટલાક દેશો આતંકવાદને મદદ કરી રહ્યા છે, તેમને રોકવા પડશે. UNSC ની બેઠકમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે આતંકવાદના દરેક સ્વરૂપની નિંદા થવી જોઈએ. તેમણે કહ્યું કે આતંકવાદનો મહિમા થવો જોઈએ નહીં. અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જયશંકરે એમ પણ કહ્યું કે સમગ્ર વિશ્વએ આતંકવાદ સામે એક થવું જોઈએ.

અત્રે ઉલ્લેખનિય છે કે હાલમાં UNSC ની અધ્યક્ષતા ભારત પાસે છે. આમાં ગુરુવારે 'આતંકવાદી કૃત્યોને કારણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી સામે ખતરો' મુદ્દે ચર્ચા થઈ. જયશંકરે કહ્યું, 'આતંકવાદને કોઈ પણ ધર્મ, રાષ્ટ્ર, સભ્યતા અથવા વંશીય સમુહ સાથે જોડીને જોઈ શકાતો નથી.' તેમણે કહ્યું કે આતંકવાદના દરેક સ્વરૂપની નિંદા થવી જોઈએ.

કોરોનાનું ઉદાહરણ આપતા જયશંકરે કહ્યું કે કોરોના માટે જે સાચું છે, તે આતંકવાદ માટે પણ સાચું છે. જ્યાં સુધી બધા સુરક્ષિત નથી, ત્યાં સુધી કોઈ સુરક્ષિત રહેશે નહીં. જયશંકરે વધુમાં કહ્યું કે અફઘાનિસ્તાન હોય કે ભારત, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અહીં સતત સક્રિય છે.

ISISનો વધુ ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે આતંકવાદી સંગઠન ISISનું આર્થિક માળખું મજબૂત થઈ રહ્યું છે. એવો પણ દાવો કરાય છે કે આતંકવાદીઓને મરવાના બદલામાં બિટકોઈન્સ ઈનામમાં આપવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ઓનલાઈન પ્રચાર ચલાવીને યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું, '  પડોશી દેશમાં ISIS-ખોરાસન પહેલા કરતા વધારે સક્રિય છે અને પોતાનો ફેલાવો કરી રહ્યું છે.'

ભારત પર થયેલા આંતંકી હુમલાનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું, 'ભારતે આતંકવાદને ઘણો સહન કર્યો છે. 2008 મુંબઈ બ્લાસ્ટ, 2016 પઠાણકોટ એરબેઝ હુમલો, 2019 પુલવામા હુમલો. પરંતુ અમે આતંકવાદ સાથે ક્યારેય સમાધાન કર્યું નથી.