×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અફઘાનિસ્તાનઃ તાલિબાને આત્મઘાતી હુમલાખોરોને ઈસ્લામના 'હીરો' ગણાવ્યા, તેમના પરિવારજનોને જમીન આપવાનું વચન


- અફઘાનિસ્તાનની નેશનલ રેઝિસ્ટેન્સ ફ્રંટના વિદેશ સંબંધોના પ્રમુખ અલી મૈસમ નજારીએ ટ્વિટમાં લખ્યું હતું કે, સિરાજ હક્કાનીએ આત્મઘાતી હુમલાખોરોની પ્રશંસા કરી, જેમણે છેલ્લા 20 વર્ષમાં હજારો અફઘાન નાગરિકોનો જીવ લીધો

નવી દિલ્હી, તા. 20 ઓક્ટોબર, 2021, બુધવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવ્યાને હજુ 2 મહિના જ થયા છે અને તેણે પોતાના રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. તાલિબાને આત્મઘાતી હુમલાખોરોના પરિવારજનોને જમીન આપવાની જાહેરાત કરી છે. આ આત્મઘાતી હુમલાખોરો એ છે જેમણે અમેરિકી અને અફઘાની સૈનિકો પર હુમલા કર્યા હતા. એટલું જ નહીં, તાલિબાને આ આત્મઘાતી હુમલાખોરોને ઈસ્લામ અને પોતાના દેશ માટે 'હીરો' પણ ગણાવ્યા છે. 

તાલિબાનના આંતરિક મંત્રાલયના પ્રવક્તા સઈદ ખોસ્તીએ ટ્વિટમાં લખ્યું હતું કે, કાર્યકારી આંતરિક મંત્રી સિરાજુદ્દીન હક્કાનીએ અનેક ડઝન આત્મઘાતી હુમલાખોરોના પરિવારજનોને ઈનામ આપવાની જાહેરાત કરી છે. ખોસ્તીએ ટ્વિટમાં લખ્યું હતું કે, હક્કાનીએ આત્મઘાતી હુમલામાં માર્યા ગયેલા ફાઈટર્સને 'શહીદ અને ફિદાયીન' ગણાવીને તેમની પ્રશંસા કરી છે. 

હક્કાનીએ આત્મઘાતી હુમલાખોરોને 'ઈસ્લામ અને દેશ માટે હીરો' પણ ગણાવ્યા હતા. સોમવારે એક કાર્યક્રમ દરમિયાન હક્કાનીએ હુમલાખોરોના પરિવારજનોની મુલાકાત લીધી હતી, તેમને 10 હજાર અફઘાની (112 ડોલર) આપ્યા અને જમીન આપવાનું વચન પણ આપ્યું. ખોસ્તીએ કેટલીક તસવીરો પણ શેર કરી હતી જેમાં હક્કાની પરિવારજનોને મળતા દેખાઈ રહ્યો છે. 

અફઘાનિસ્તાનની નેશનલ રેઝિસ્ટેન્સ ફ્રંટના વિદેશ સંબંધોના પ્રમુખ અલી મૈસમ નજારીએ ટ્વિટમાં લખ્યું હતું કે, સિરાજ હક્કાનીએ આત્મઘાતી હુમલાખોરોની પ્રશંસા કરી, જેમણે છેલ્લા 20 વર્ષમાં હજારો અફઘાન નાગરિકોનો જીવ લીધો. હજુ કેટલા પુરાવાઓ જોઈએ કે, તાલિબાન એક આતંકવાદી સંગઠન છે જે એક એવી સરકાર બનાવવા અસમર્થ છે જે અફઘાની નાગરિકોનું પ્રતિનિધિત્વ કરી શકે.