×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અદાણી-હિંડનબર્ગ કેસની કેવી રીતે થશે તપાસ ? આવતીકાલે ચુકાદો આપશે સુપ્રીમ કોર્ટ

Image - Adani Group, Fcebook

નવી દિલ્હી, તા.1 માર્ચ-2023, બુધવાર

સુપ્રીમ કોર્ટ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી જૂથ પર કરવામાં આવેલા આરોપોની તપાસની માંગ કરતી અરજીઓ પર આવતીકાલે 2 માર્ચે પોતાનો ચુકાદો સંભળાવશે. કોર્ટે 17 ફેબ્રુઆરીએ આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો. તે દરમિયાન કોર્ટે કેન્દ્રના સૂચનોને સીલબંધ કવરમાં સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે અમે આ મામલે સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માંગીએ છીએ.

17 ફેબ્રુઆરીએ સીજેઆઈ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ પી.એસ.નરસિમ્હા અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે અદાણી-હિંડનબર્ગ કેસની સુનાવણી કરી હતી. આ દરમિયાન રોકાણકારોના હિતમાં ‘સંપૂર્ણ પારદર્શિતા’ જાળવવાની હિમાયત કરતી વખતે ખંડપીઠે કહ્યું કે, તે કેન્દ્રના સૂચનને સીલ બંધ કવરમાં સ્વીકારશે નહીં. દરમિયાન કેન્દ્ર સરકારના સૂચનો ધરાવતું સીલબંધ કવર સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા ખંડપીઠને સોંપાયું હતું, જોકે બેન્ચે કહ્યું કે, અમે તમારા દ્વારા સીલબંધ કવરના સૂચનને સ્વીકારીશું નહીં, કારણ કે અમે સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માંગીએ છીએ.

અદાણી-હિંડનબર્ગનો મામલો શું છે ?

ઉલ્લેખનિય છે કે, હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, અદાણી ગ્રુપની લિસ્ટેડ સાત કંપનીઓનું મૂલ્ય વધારે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે, અદાણી ગ્રુપ દાયકાઓથી સ્ટોક હેરફેર અને મની લોન્ડરિંગમાં લાગેલું છે. હિંડનબર્ગના આરોપના જવાબમાં અદાણી ગ્રુપે હિંડનબર્ગ પર કોપી-પેસ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. અદાણી ગ્રુપે કહ્યું હતું કે, કાં તો હિંડનબર્ગે યોગ્ય રીતે કામગીરી કરી નથી અથવા તો તેણે લોકોને ગેરમાર્ગે દોરવા ખોટા તથ્યો રજૂ કર્યા છે. 400થી વધુ પાનાની પ્રતિક્રિયામાં ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી ગ્રુપે તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. ત્યારબાદ અદાણી જૂથના શેરમાં ઝડપથી ઘટાડો થયો અને ગૌતમ અદાણી વિશ્વના અમીરોની યાદીમાં ટોચના 20માંથી બહાર થઈ ગયા.